ઉત્સવ વિના, સમૂહમાં ઉજવાતાં પર્વો વિના માણસ જીવી ન શકે. અત્યારના વિશિષ્ટ સંજોગોમાં જો કે રેડ સિગ્નલ લાગેલું છે એટલે સમય વર્તે સાવધાન! પણ જયારે જે કરી ન શકીએ ત્યારે તે બહુ યાદ આવે. જે ઉત્સવે આપણને અનેક આનંદ અને યાદો આપી હોય, તે મનમાં તો ઉછળવાના જ ને! હોળી – ધુળેટી આપણો રંગનો તહેવાર.
પ્રકૃતિ સાથે લોકો પણ અનેક રંગે ખીલી ઊઠે. દેશનાં અનેક રાજયો ને સમાજોમાં તેનું એટલું બધું મહત્ત્વ કે બધા જ રંગોમાં ઢળી ગયા હોય. આપણા સુરતમાં પણ એવું. અત્યારે તો અનેક પ્રાંતના, અનેક સંસ્કૃતિ લઇને આવેલા સમાજો છે એટલે અસ્સલ સુરતી રંગ શેરી – પરાંનાં લોકોને જ યાદ હશે. બદલાતાં સમયમાં એ શેરી-પરાંઓ ય પહેલાં જેવાં નથી રહ્યાં તો પણ સાવ ગયા નથી. રામપુરા, મહીધરપુરા, જદાખાડી, ઘીયાશેરી, ગુંદી શેરી, મોટી શેરી, ભૂત શેરી, વાણિયા શેરી, પીપળા શેરી, છાપરિયા શેરી ને દાળિયા શેરીમાં ધુળેટીના 10-10 દિવસો પહેલાં ઢોલ ઢબુકવા માંડતા. રોજ સાંજ પડતાં સામૂહિક જમણો શરૂ થાય ને ધુળેટીએ તો આ પરાં-શેરીઓમાં ગીસ નીકળે.
લોહીને દોડતું કરી દે એવા ઢોલવાદનમાં સહુ ઝૂમતાં ઝૂમતાં આગળ વધે. જે જે શેરીમાં આગળ વધે ત્યાં સ્વાગત થાય ને ત્યાંના મહાજન પણ ઢોલ વગાડવા માંડે. લાગે કે આખું સુરત મિજાજમાં આવી ગયું છે. સુરત જેવી ગીસ બીજે કયાંય નીકળતી નહોતી. દાળિયા શેરીમાં અમે પંકજ કાપડિયાને મળ્યા તો કહે, ‘અરે શું વાત કરીએ. તે વખતે હોળી માટેનાં લાકડાં ચોરવાનો ય ભારે મહિમા હતો. ગલેમંડીમાં મોહન લાકડાવાળાની વખાર હતી અને આજેય છે. ત્યાંથી લાકડાં ચોરાતાં. એ વખતે હોળીનું ડોળીયું બોલતું.
શેરી-પરાંમાં કોઇ નવો દેખાય તો તેને 25-30 નું ટોળું ઘેરી વળે ને તે બે – પાંચ આના આપે તો જ છૂટે નહીં તો રંગાઇ જાય! હોળીના દહાડે તો આખી રાત બધાં જાગે. રાતે બાર વાગે બટાકાપૌઆંની જયાફત ઊડે. મળસ્કે પાંચ-સાડાપાંચે રંગીલ ઘેલાની મલાઇ. રાતભર આડાપાટાથી માંડી અનેક દેશી રમતો રમાયા કરે. હોળી એક દિવસનો તહેવાર જ નહોતો ને હોળી પ્રગટે એટલે જોરજોરમાં ઢોલનગારાં બજે. શા માટે આ ઢોલનગારાં વાગે? દાળિયા શેરીના રામ ભગત કહે છે કે પ્રહલાદને હોળીમાં બેસાડવાના હતા. હોળી સળગે એટલે બળવાના કારણે ચીસો પાડે એટલે હિરણ્યકશ્યપે કહેલું કે જોરજોરમાં ઢોલ-નગારાં વગાડજો જેથી પ્રહલાદનો અવાજ કોઇને સંભળાય જ નહીં.
બસ, ત્યારથી આ હોળી ટાણે ઢોલનગારાં વાગે છે.
ગીસ તો ઠેઠ નવાબીકાળથી ચાલી આવે છે. ફકત 1928 માં, 1942 માં, 1975 માં જ જુદા જુદા સંજોગોમાં ગીસ નીકળી નથી પણ હવે તે 2001 થી બંધ થઇ તે થઇ. ગીસનો મહિમા જાણે ઓછો થયો છે. ધુળેટીનો રંગ જાણે ફીકો પડયો છે. નથી વાગતા ડફ, નથી ડુગડુગી. બાકી ઘરઘરને ઓટલે સવાર-સાંજ, રાત-મધરાત ઢોલ વાગતાં. ચં.ચી. મહેતા જેવા અઠંગ સુરતીએ ગીસ કેવી નીકળતી અને તે કયાં કયાં કોણ કોણ કાઢતું તેનું વર્ણન ‘બાંધ ગઠરિયાં’ માં એવું કર્યું છે કે તેના શબ્દેશબ્દમાં ઢોલ-ડફ, ખંજરી – ડમકુ સંભળાશે. તેઓ લખે છે કે ખપાટિયે ચકલે મુલ્કમશહૂર પ્રેમચંદ રાયચંદે બંધાવેલી કન્યાશાળાના મકાનની બાજુમાં જાણીતા લાકડાવાળાનું કુટુંબ રહે. બહોળું કુટુંબ અને બધા જ ‘નગારિયા’. હોળી આવવાની અગાઉ કેટલાયે દિવસોથી એ લોકો નગારાં વગાડવાની પ્રેકટીસ કરે.
ગીસ એટલે આમ તો ટોળું પણ ધુળેટીએ ગીસ કહો તો ઢોલ-નગારા વગાડતું તોફાની ટોળું. સમજો કે શેરી જાણે ઢોલ-નગારાં મહોત્સવ માણતી. ‘બાલાજીના ટેકરા આગળથી ગીસ ચઢે, તે ભાગોળ થઇ, ખાંડવાળાની શેરીમાંથી થઇ ખપાટિયે ચકલે ફરી મૂળ જગ્યાએ જાય. નીકળે રાત્રે નવ વાગે અને ઊતરે મળસકે ચાર પાંચ વાગે. જુદા જુદા મહોલ્લાના તરેહતરેહવાર લોક એમાં ભાગ લે. અરધોએક માઇલ લાંબો એ વરઘોડો શહેરમાં ફરે, છેડે ઘોડા ઉપર ખાસ્સા સોનેરી લપ્પામાં, પાઘડી-અંગરખો પહેરી વરરાજા બેસે!’ આ ગીસનો વરરાજા કાંઇ અમુક જ બને એવું નહીં. ‘ગમે તે છોકરાને પકડી બેસાડી દે. ગાલે મેશના ચાંલ્લા કરે, પાઘડીમાં છોગા ખોસે અને વરઘોડો ઊતર્યા પછી બબ્બે ધપ્પા મારી બે કે પાંચ રૂપિયા આપે’. આ છે ચં.ચી. મહેતાએ જોયેલી ગીસ. બોલો, જોઇ છે તમે? (અરે તમને નહીં આ જુવાનિયાઓને પૂછું છું. બાકી તમારામાં 65-70 વર્ષ ઊતર્યાં તો જૂના સુરતના રંગરાગ ઊતર્યા જ હોય ને!) ગીસમાં વરરાજા હોય તો વરનો બાપ પણ હોય. અમુક ટોળીને આ બાપ થવાનો પ્રથાનુસાર હકક રહેતો અને તે ટોળીમાં છેલ્લે ચાલે.
ગીસમાં ઢોલ-નગારાં બજાવનારાઓના રૂઆબ જુદા, દમામ જુદા. લોક આખાની નજર અને કાન તેમના તરફ હોય. આ ગીસ જોવા આવવા માટે દિવસો પહેલાં નિમંત્રણ પણ પાઠવાતાં. એ વખતે માછીઓની ય ગીસ નીકળતી. નાનપુરાની ખાડીથી નીકળે તે રાણીના બાગ સુધી જાય. પણ એમાં નગારાં ન વાગે બલકે દસ – પંદર ટોળાં જુદો જુદો વેશ કાઢે. બધા દારૂ-તાડી પીધેલા હોય. તેમનાં ટોળાં જયાં પહોંચે ત્યાં ય પીવડાવનારા નીકળે એટલે ઓર ચગે ને એવી ગીસ રાંદેરમાં પણ નીકળતી. તે હોળી પછીના અઠવાડિયામાં ગમે ત્યારે નીકળે. સુરત – રાંદેરના બધા માછીઓ ભેગા થયા હોય. છોટુભાઇ શેઠ, મહંમદ ભામ, નૂરા ડોસા, ઇસ્માઇલ પીપરડી શેઠ જેવા તે સમયના પ્રસિધ્ધ મહાજનો આવ્યા હોય. તેઓ રોકડ રૂપિયા લઇ બેઠા હોય! હોળી – ધુળેટી ત્યારના આખા સુરતની હતી. આજે એ કયાં છે? અલબત્ત જૂની શેરીઓ હજુ ચૂકતી નથી. અમારા સ્વજન સાથે દાળિયાશેરીમાં ગયેલા તો આખી શેરી રંગે ચડેલી. કાપડિયા હેલ્થ કલબવાળા પંકજ કાપડિયા શ્વેત વસ્ત્રોમાં, સુરતી મૌજમાં હાજર. સાથે માજી મેયર અજય ચોકસી, વિજય જરીવાલા, અનિલભાઇ, રામભગતની સંગત.
ઢોલ-નગારાં તો જોરમાં વાગ્યાં ને પછી જમણવાર પણ થયા. સુરતનાં પરાં – શેરીઓમાં હજુ હોળી – ધુળેટી ને ગીસનો રંગ – રાગ છે. એ એવો છે કે તેની વાત જો બહારના રાજયથી આવેલા કોઇ ગુણીજનને કહો તો કહેશે મારે એ રંગ જોવા છે ને શેરીઓ તેમને રંગ દેખાડી આપશે. જેતે શહેરના તહેવાર તે શહેરના સંસ્કાર – સંસ્કૃતિ, સમાજની ઓળખ છે. એ ઓળખ વિનાના સુરતને સુરત કેમ કહેવું ને એ સુરતી રંગ વિનાનો શાનો હોય! સુરતની તો ઓળખ જ તેની રંગીનીઓ છે! અત્યારની મહામારીમાં ગીસ ન નીકળે તો તેની વાતો નીકળે. બીજું શું?! પણ ફરી સંજોગો આવે ને ગીસ નીકળે તો આપણા વડવાઓના આત્મા ય આનંદમાં ઉછળશે.