Columns

સોંદામીઠા

શિક્ષણ, સંસ્કાર અને ટેક્નોલોજીના સમન્વય થકી અંકલેશ્વરમાં અગ્રીમ હરોળની સ્કૂલમાં ગણના પામી રંગ ઈન્ટરનેશનલ હાઈસ્કૂલ

અમેરિકાની ધરતી પર ઉચ્ચ ડિગ્રી મેળવનારા પૃથ્વીરાજસિંહ ઠાકોરનો ગામના વિકાસમાં સિંહફાળો

“એક સૂર ને એક તાલ, ગામડું જ આપી શકે” આ સૂત્રને સાકાર કરવાની ઉમદા ભાવના રાખતા મૂળ સોંદામીઠાના અને અમેરિકાથી ગ્રેજ્યુએટ થઈને આવેલા 38 વર્ષિય પૃથ્વીરાજસિંહ અભેસિંહ ઠાકોરે આગવી ઓળખ ઊભી કરી છે. તેમના પિતાજી અભેસિંહ ઠાકોરે સતત અઢી દાયકાથી વધુ સમય ગામમાં પંચાયત ધારાની જવાબદારી નિભાવી હતી. જેને લઈ તેમના દીકરા પૃથ્વીરાજસિંહના લોહીમાં તેમના પિતાજીના ગુણ આવ્યા છે. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ લીધા બાદ બી. ફાર્મ. બેંગ્લુરુમાં કર્યું હતું. ત્યારબાદ અમેરિકામાં માસ્ટર ડિગ્રી મેળવીને યુવાનીમાં ત્યાં જ જિંદગી વ્યતીત કરવાનું મન બનાવ્યું હતું. વર્ષ-2007થી સતત સાત વર્ષ તેઓએ કઠોર પરિશ્રમ કરીને કમાણી કરવાનું શરૂ કર્યું હતું. એ વખતે ઘરની જવાબદારીને લઈને વર્ષ-2014માં માદરે વતન સોંદામીઠા આવી ગયા. તેમણે શરૂઆતમાં ઓલપાડથી પ્રથમ મેડિકલ સ્ટોરની શરૂઆત કરી હતી. આજે સુરત જિલ્લામાં લગભગ 22 જેટલા મેડિકલ સ્ટોર તેમણે ઊભા કર્યા છે. પોતાના વ્યવસાય સાથે વર્ષ-2016માં સોંદામીઠા ગ્રામ પંચાયતની ચૂંટણી આવતા માત્ર 29 વર્ષની ઉંમરે પૃથ્વીરાજસિંહે સરપંચની ચૂંટણીમાં ઝુકાવ્યું અને તેમાં તેમનો ભવ્ય વિજય થયો હતો. સરપંચની જવાબદારી તેમના શિરે આવતા ગામના વિકાસમાં સિંહફાળો આપ્યો હતો. તેમણે ગામમાં ખેતરોમાં જતા તમામ રોડ પણ ડામરવાળા પાકા બનાવી દીધા છે. સાથે ગામમાં પેવરબ્લોક, શુદ્ધ પીવાનું પાણી, આવાસો, તળાવોને ઊંડા કરાવીને બ્યુટિફિકેશન અને ગટર લાઈનનાં કામો પણ તેમણે કરાવ્યાં હતાં. તેમનાં પાંચ વર્ષની સરપંચની જવાબદારીમાં લગભગ દસેક કરોડની ગ્રાન્ટો ગામમાં લાવીને વિકાસનાં સોપાનો સર કર્યાં છે. પૃથ્વીરાજસિંહ ઠાકોરે ગામ માટે લાગણી વ્યક્ત કરી છે કે આ ગામ ભવિષ્યમાં હાઈટેક કઈ રીતે બને એવી સૌની ભાવના છે અને તે માટે ગામના વડીલો અને મારા જેવા યુવાનો, બહેનોએ આ માટે ખુબ જ સહયોગ આપ્યો છે. ગામમાં એકતાની મિશાલ થકી ગામની રોનક વધી છે.
વકીલાત, સમાજસેવા અને કન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલા પ્રવીણસિંહ મહીડા


મૂળ સોંદામીઠા ગામના અને હાલમાં સુરત ખાતે વસવાટ કરતા 72 વર્ષીય પ્રવીણસિંહ ન્હારસિંહ મહીડા વકીલાત અને કન્સ્ટ્રક્શન પ્રવૃત્તિમાં સક્રિય રહ્યા છે. તેઓ ઉચ્ચ શિક્ષણ માટે તેઓ સુરતની MTB કોલેજમાં ગયા અને ત્યાંથી BA, LL.B સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. વકીલાતની સાથે વર્ષ 1985-86 દરમિયાન તેઓ સુરત જિલ્લા પંચાયતના સભ્ય તરીકે કોંગ્રેસ પાર્ટીમાંથી ચુંટાયા હતા. સમયગાળા દરમિયાન ખારલેન્ડ સમિતિના અધ્યક્ષ તરીકે કાર્ય કર્યું અને ખારલેન્ડ ડેવલપમેન્ટમાં મહત્ત્વનો ફાળો આપ્યો. આ ઉપરાંત તેઓ અડાજણ નાગરિક સહકારી મંડળીના પ્રમુખ પદે રહ્યા. હાલમાં તેઓ સોંદામીઠા ગામના જટાઘર મહાદેવ મંદિરના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવીને ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે યોગદાન આપી રહ્યા છે. ઉપરાંત સુરતના અન્નપૂર્ણા સિદ્ધિ વિનાયક મંદિરમાં ટ્રસ્ટી તરીકે પણ સેવા આપી રહ્યા છે. ગામ પ્રત્યેની તેમની લાગણી અતૂટ છે. તેઓ ભાવપૂર્વક કહે છે કે, દુનિયાના કોઈપણ ખૂણે હોઈએ, પણ પોતાનું ગામ હંમેશાં હૃદયમાં વસેલું જ રહે. આજે પણ ગામના વિકાસ અને ભલાઈ માટે સતત જોડાયેલા છીએ.
અભેસિંહ ઠાકોરનું ગામ વિકાસમાં યોગદાન


સોંદામીઠા ગ્રામ પંચાયતમાં 26 વર્ષ એકહથ્થુ શાસન કરી ચૂકેલા અભેસિંહ જયસિંહ ઠાકોર આજે તેઓ હયાત નથી. વર્ષ-1951માં જન્મેલા અભેસિંહ જયસિંહ ઠાકોર પોતે BSC, B. Edનો અભ્યાસ કરીને એ વખતે ટકારમા હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે બે વર્ષ નોકરી કરી હતી. ત્યારબાદ તેઓએ પાંચેક વર્ષ મહાદેવ શાસ્ત્રી વિદ્યાલય ઓલપાડમાં નોકરી કરી હતી. તેમની યુવાનીમાં પણ પોતાના ગામમાં કામ કરવાની ધગશ હતી. જેને લઈને નોકરીને તિલાંજલિ આપી દીધી હતી અને વર્ષ-1984માં સોંદામીઠા ગામમાં પહેલી વખત સરપંચ તરીકે બિનહરીફ ચુંટાઈ આવ્યા હતા. વર્ષ-2010 સુધી એક ટર્મમાં ડેપ્યુટી સરપંચ રહ્યા બાદ સતત સરપંચ તરીકે જવાબદારી ભોગવી હતી. તેઓનું અવસાન વર્ષ-2010માં થયું હતું.

પ્રયોગશીલ ખેતીથી ખેડૂત સરદારસિંહ ઠાકોરે કર્યું મબલખ ઉત્પાદન
સોંદામીઠા ગામના 63 વર્ષીય સરદારસિંહ સોમસિંહ ઠાકોર B.Com અને LL.B સુધી ભણેલા છે અને તેઓ આજે સમૃદ્ધ ખેડૂત તરીકે જાણીતા છે. તેઓ ગામની પિયત સહકારી મંડળીના પ્રમુખ તરીકે પણ મહત્ત્વની જવાબદારી નિભાવી રહ્યા છે. સોંદામીઠા અને આસપાસના દરિયાઈ પટ્ટાનાં ગામડાંમાં ખારલેન્ડ જમીન અને આબોહવા ખેતી માટે એક મોટો પડકાર છે. આવા વિસ્તારમાં પાક ઉગાડવો મુશ્કેલ બને છે. અનેક ખેડૂતો રસાયણિક ખાતર અને દવાઓનો અતિશય ઉપયોગ કરીને જમીનની કુદરતી ફળદ્રુપતા ઘટાડી દેતા હોય છે. આવા સંજોગોમાં જાગૃત ખેડૂત સરદારસિંહ ઠાકોરે કુદરતી પદ્ધતિ પણ અપનાવી અને 8 વીઘાં જમીનમાં શેરડીનું વાવેતર કર્યું. વધુ ઉત્પાદન મેળવવા માટે માઇક્રોન્યુટ્રીશન ટ્રીટમેન્ટ કરાયું હતું અને ગત ત્રણ વર્ષથી કલ્ચર અપાઈ રહ્યું હતું કે જેથી જમીનની ફળદ્રુપતા વધે. અહીંની કાળી અને ચીકણી માટી સાથે સંકલન કરતા શેરડીના સાંઠામાં મજબૂતાઈ અને જાડાઈ આવી. એક વર્ષ પછી 8 વીઘાંથી 377 મેટ્રિક ટન શેરડીનું મબલખ ઉત્પાદન પ્રાપ્ત થયું, જેમાં એક વીઘાંથી 47.12 મેટ્રિક ટનનું મહત્તમ ઉત્પાદન મળ્યું હતું. સરદારસિંહ ઠાકોર જણાવે છે, જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા માટે યોગ્ય ટ્રીટમેન્ટ અને કુદરતી પદ્ધતિઓ અપનાવવી જરૂરી છે. જો જમીનના સ્વભાવ મુજબ ખેતી કરાય તો ઉત્પાદનની ગુણવત્તા અને માત્રા બંનેમાં વધારો થાય.

કેમિસ્ટ્રી ભણેલા ખેડૂતે ભીંડાની ખેતીમાં મેદાન માર્યું


ગામના 50 વર્ષિય નીલેશસિંહ રણજીતસિંહ ઠાકોર BSC કેમિસ્ટ્રી સુધી ભણેલા છે. છતાં તેમને ખેતીનો શોખ છે. યુવાન વયથી અવનવા પ્રયોગો કરીને ઉત્તમ ખેતી કરે છે. તેમની 32 વીઘાંની જમીનમાં શેરડી, ડાંગર, ઘઉં અને શાકભાજીની ખેતી કરે છે. તેમણે 7 વીઘાંમાં ભીંડાનો પાક લીધો હતો, જેમાં બિયારણ, ખાતર, દવા, મજૂરી અને અન્ય મળીને 3.50 લાખનો ખર્ચ કર્યો હતો. ભીંડાનું ઉત્પાદન આવતાં રૂપિયા નવ લાખની કમાણી કરી હતી. ખર્ચ કાઢતાં 5.50 લાખનો નફો મેળવ્યો હતો. આ અંગે તેમણે જણાવ્યું હતું કે, જમીન અને વાતાવરણ માફક આવે તો ધારેલું પરિણામ મેળવી શકાય છે. ભીંડાના પાકમાં મહેનત અમને સારું ઉત્પાદનનું ફળ મળ્યું છે. જો કે, દિન-પ્રતિદિન ખેતી કરવી હવે મોંઘી બનતી જાય છે.
સોંદામીઠાના વતની અને અંકલેશ્વરની ઔદ્યોગિક નગરીમાં શૈક્ષણિક ક્ષેત્રે ધૂણી ધખાવતા અનિલસિંહ ઠાકોર
સોંદામીઠા ગામના અને અંકલેશ્વરની ભૂમિમાં રહીને અનિલસિંહ ઠાકોરે ભરૂચ જિલ્લામાં અગ્રેસર રંગ ઇન્ટરનેશનલ સ્કૂલ સ્થાપી છે. સોંદામીઠા ગામના અનિલસિંહ ઠાકોરનું બાળપણ ગરીબી અને સંઘર્ષ વચ્ચે પસાર થયું. શાળાના પ્રાથમિક દિવસોમાં જ તેમને શિક્ષણ પ્રત્યે ઊંડો રસ હતો. ધો.1થી 3 સુધી તેમણે પોતાના ગામ સોંદામીઠામાં અભ્યાસ કર્યો, પછી રાજનગર, ટકારમા અને ઓલપાડમાં શિક્ષણ મેળવ્યું. કોલેજના સમયગાળામાં ઓલપાડ કોલેજમાંથી ગ્રેજ્યુએશન, સુરતની MTB આર્ટ્સ કોલેજમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન અને VT ચોકસી કોલેજમાંથી B.Ed પૂર્ણ કર્યા બાદ, તેમણે વાડિયા વિમેન્સ કોલેજમાં એક વર્ષ માટે એડ્હોક પ્રોફેસર તરીકે કામ કર્યું. તેમનો અભિગમ નવા અભ્યાસક્રમો અને શિક્ષણ પદ્ધતિઓ અપનાવવા તરફ વધુ રહ્યો, જેનાથી 2003માં LP સવાણી સ્કૂલ, સુરતમાં શિક્ષક તરીકે જોડાયા. એમની શૈક્ષણિક યાત્રા અહીં અટકી નહીં. તેઓએ દિવ્યજીવન સાધના વિદ્યાલયમાં આચાર્ય તરીકે બે વર્ષ સુધી શૈક્ષણિક જવાબદારી સંભાળી. 2006થી 2018 સુધી તેઓ ફરી LP સવાણી એકેડમી, વેસુમાં ડિરેક્ટર તરીકે કાર્યરત રહ્યા. 2020માં અનિલસિંહ ઠાકોર અને તેમની ટીમે અંકલેશ્વરમાં એક આધુનિક અને સુવિધાસંપન્ન શાળાનું સ્વપ્ન જોયું. ખૂબ જ ઝીણવટભરી યોજના અને મજબૂત આયોજન સાથે, 2023માં ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના વરદ હસ્તે રંગ ઇન્ટરનેશનલ સ્કૂલનું ઉદઘાટન થયું. આ સ્કૂલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ સમાન NEP-2020 અનુસારની નવીન પદ્ધતિઓ સાથે ભવિષ્યના શિક્ષણની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી. દરેક વર્ગખંડમાં ડિજિટલ બોર્ડ, વૈજ્ઞાનિક શૈક્ષણિક સાધનો અને હાઈ-ટેક લેબ્સના કારણે ભવિષ્યની સ્કૂલોના મોડલ તરીકે આ શાળાને ગણી શકાય. વિદ્યાર્થીઓ માટે શિક્ષણ અને પ્રેક્ટિકલ લર્નિંગ માટે વિવિધ સ્ટુડિયો બનાવવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ માટે શાળાની કેન્ટીનમાં આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ ભોજન આપવામાં આવે છે અને માસિક આરોગ્ય ચકાસણી કરાય છે. સાથે જ સ્કૂલના પરિવહન માટે GPS ટ્રેકિંગ અને CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. શાળાની બસમાં કેરટેકર બહેનોની નિમણૂક પણ કરવામાં આવી છે, જે ભરૂચમાં સૌપ્રથમવાર છે, જેથી વિદ્યાર્થી અને વાલીઓ સંપૂર્ણ સુરક્ષિતતા અનુભવી શકે. અનિલસિંહ ઠાકોરનું માનવું છે કે, આજની પેઢી માટે માત્ર શિક્ષણ પૂરતું નથી, સંસ્કાર પણ જરૂરી છે. બાળક ભવિષ્યમાં સુસંસ્કારી અને સજ્જન નાગરિક બને એ માટે સ્કૂલ દ્વારા વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ, દેશભક્તિની લાગણી અને પરંપરાના સંસ્કાર વિકસાવવામાં આવે છે. અનિલસિંહ ઠાકોર એ એક માત્ર શાળા સંચાલક નથી, પરંતુ ‘સ્વનિર્ભર શાળા સંચાલક મહા મંડળ ગુજરાત’ના (દક્ષિણ-ઝોન)ના ખજાનચી તરીકે સેવા પણ સેવા આપી છે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ-સુરતના ઝોનલ સેક્રેટરી તરીકે પણ કામગીરી બજાવી છે. તેઓ સમયાંતરે પોતાના ગામ સોંદામીઠાની મુલાકાત લઈને પોતાનાં બાળપણનાં સંસ્મરણોને તાજા કરે છે અને પોતાના સમાજના કોઈપણ કાર્યક્રમમાં અગ્રેસર રહીને સામાજિક જવાબદારી પણ નિભાવે છે. રંગ ઇન્ટરનેશનલ સ્કૂલ એકમાત્ર શૈક્ષણિક સંસ્થા નથી, પણ તે એક શિક્ષણક્રાંતિ છે, જ્યાં ટેક્નોલોજી, સંસ્કૃતિ અને નૈતિક મૂલ્યોનો સમાન સમન્વય છે.

Most Popular

To Top