વડતાલ: શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્યતીર્થ સ્થાન વડતાલ ખાતે તા.6 ઠ્ઠી ઓગસ્ટના રોજ 79 મી રવિસભા યોજાઈ હતી. રવિસભામાં વચનામૃત કથાના વક્તા અને મંદિરના મુખ્ય કોઠારી ડૉ.સંત સ્વામીએ ગઢડા પ્રથમના 78મા વચનામૃતની છણાવટ કરી હતી. છણાવટ સાથેનું વક્તવ્ય આપતાં વધુમાં જણાવ્યું હતું કે દેશ, કાળ, ક્રિયા, મંત્ર, દેવતાનું ધ્યાન અને શાસ્ત્રના શિક્ષણ જેના સારા હોય તો પુરૂષની બુધ્ધિસારી જ રહે છે અને જેના ખરાબ હોય તો પુરૂષ તેની બુધ્ધિ ખરાબ રહે છે યજમાનો વતી કરમસદના મનીષભાઈ પટેલે પોથી તથા વક્તા સંતશ્રીનું પૂજન કર્યું હતું. વડતાલ મંદિરમાં બિરાજમાન શ્રી રણછોડરાયનો પાટોત્સવ જીમેશ વિનોદભાઈ પટેલ, શ્વેતાબેન જીમેશભાઈ પટેલ હસ્તે ફલક જીમેશભાઈ પટેલ – ખંભાત (યુ.એસ.એ.) ના યજમાનપદે ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવાયો હતો.
જેના પ્રેરણાસ્તોત્ર ચેરમેન દેવપ્રકાશ સ્વામી તથા ગોવિંદ સ્વામી – મેતપુરવાળા હતા અને રવિસભામાં ઉપસ્થિત રહ્યા હતા. રવિસભા હોલમાં પાટોત્સવ અંગે તીર્થજલ પૂજન કરવામાં આવ્યું હતું. આ પૂજનમાં બ્રહ્મચારી હરિસ્વરૂપાનંદજી બેઠા હતા. શ્રી રણછોડરાય મહારાજના પાટોત્સવમાં પૂ.લાલજી સૌરભપ્રસાદજી તથા નાના લાલજી દ્વીજેન્દ્રપ્રસાદજીના હસ્તે અભિષેકવિધિ યોજાઈ હતી. અભિષેક બાદ દેવોને અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. જેનો હજ્જારો હરિભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્યામ સ્વામીએ કર્યું હતું.