રામપુરઃ સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનની મુશ્કેલીઓ ફરી એકવાર વધી ગઈ છે. રામપુર MP MLA સ્પેશ્યિલ કોર્ટે તેમને ડુંગરપુર બસ્તીમાં હુમલો, લૂંટ અને ગુનાહિત કાવતરાના કેસમાં 10 વર્ષની જેલની સજા સંભળાવી છે. આ ઉપરાંત તેમના પર 14 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
ડુંગરપુરના એક કેસમાં સાંસદ-ધારાસભ્ય વિશેષ અદાલત (સેશન ટ્રાયલ) એ ગુરુવારે સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ આઝમ ખાનને 10 વર્ષની અને તેમના નજીકના કોન્ટ્રાક્ટર બરકત અલીને સાત વર્ષની સજા ફટકારી છે. બુધવારે બંનેને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આઝમ ખાન સીતાપુર જેલમાં છે અને કોન્ટ્રાક્ટર રામપુર જેલમાં છે. આ બંનેની જેલમાંથી જ વીડિયો કોન્ફરન્સ દ્વારા સુનવણી કરાઈ હતી.
શું છે ડુંગરપુર મામલો?
સપા સરકાર દરમિયાન 2016માં ડુંગરપુર બસ્તીમાં રહેતા લોકોના ઘરો તોડીને શેલ્ટર હોમ બનાવવામાં આવ્યા હતા. વર્ષ 2019માં 12 બેઘર લોકોએ ગંજ કોતવાલીમાં અલગ-અલગ FIR નોંધાવી હતી. આરોપ છે કે સપા સરકારમાં આઝમ ખાનના કહેવા પર પોલીસ અને એસપીએ બળજબરીથી તેમના ઘર ખાલી કરાવ્યા હતા. તેમનો સામાન લૂંટી લેવામાં આવ્યો હતો અને મકાનો તોડી પાડવામાં આવ્યા હતા.
આ પહેલા આઝમ ખાન વિરુદ્ધ આઠ કેસમાં ચુકાદો આવી ચૂક્યો છે. પાંચમાં તેઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે જ્યારે ત્રણમાં તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. એક કેસમાં તેમને સાત વર્ષની જેલની સજા થઈ હતી. જેમાં તેમને હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા છે. પરંતુ અન્ય કેસોમાં દોષિત હોવાને કારણે તેમને છોડી શકાયા ન હતા. આઝમ સામે હજુ 84 કેસ પેન્ડિંગ છે.
નકલી જન્મ પ્રમાણપત્ર કેસમાં જામીન
આ પહેલા 24 મેના રોજ અલ્હાબાદ હાઈકોર્ટે નકલી જન્મ પ્રમાણપત્ર કેસમાં આઝમ ખાન, તેમની પત્ની ફાતિમા અને પુત્ર અબ્દુલ્લા આઝમ ખાનને જામીન આપ્યા હતા. રામપુર કોર્ટ દ્વારા પરિવારના ત્રણ સભ્યોને બનાવટના આરોપમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. હાઈકોર્ટના આદેશ છતાં આઝમ ખાન અને અબ્દુલ્લા આઝમે જેલના સળિયા પાછળ રહેવું પડશે કારણ કે તેમની સામે અન્ય ઘણા કેસ પેન્ડિંગ છે. ફાતિમા ગયા વર્ષે 28 ઓક્ટોબરથી સ્થાનિક કોર્ટ દ્વારા દોષિત ઠેરવ્યા બાદ જેલમાં હતી.