SURAT

ઈ-મેઈલથી ધમકીનો હાહાકાર,સુરક્ષા એજન્સીઓ સતર્ક તંત્રની તાબડતોબ કાર્યવાહી

ગુજરાતમાં ફરી એકવાર બોમ્બની ઈ-મેઈલ ધમકીઓથી અફરાતફરીનો માહોલ સર્જાયો છે. સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી પાસપોર્ટ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ તંત્ર દોડતું થયું હતું. સત્તાવાર ઈ-મેઈલ દ્વારા મળેલી આ ધમકીને પગલે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી. ઉમરા પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમોએ સ્થળ પર પહોંચી સમગ્ર પરિસર ખંગાળી નાખ્યું હતું. દરેક ખૂણાની સઘન તપાસ કરવામાં આવી રહી છે અને ઈ-મેઈલના સ્ત્રોત સુધી પહોંચવા માટે સાયબર ટીમ પણ સક્રિય બની છે.

આ જ રીતે ભાવનગરની હેડ પોસ્ટ ઓફિસને પણ ઈ-મેઈલ મારફતે બોમ્બની ધમકી મળી હતી. ડિવિઝનલ કચેરીને મળેલી આ ચેતવણી બાદ પોલીસ તંત્રએ ઓફિસ ખાલી કરાવી તપાસ હાથ ધરી હતી. અમરેલી પોસ્ટ ઓફિસને મળેલી સમાન પ્રકારની ધમકીએ પણ ચિંતા વધારી દીધી છે. ફાયર બ્રિગેડ, બોમ્બ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસની ટીમોએ સ્થળ પર પહોંચી સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી તપાસ શરૂ કરી હતી.

આ પહેલા 16 ફેબ્રુઆરી, 2026ના રોજ વડોદરા અને અમદાવાદની કુલ 40 શાળાઓને ધમકીભર્યા ઈ-મેઈલ મળ્યા હતા. તેમાં 25 શાળાઓ વડોદરા શહેર-જિલ્લાની અને 15 શાળાઓ અમદાવાદની હતી.ધમકી મળતા જ વાલીઓમાં ગભરાટ ફેલાયો અને બાળકોને લેવા શાળાઓ પર ભીડ ઉમટી પડી હતી.

પોલીસ અને બોમ્બ-ડોગ સ્ક્વોડ દ્વારા તમામ શાળાઓમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. ફાયર બ્રિગેડની ટીમોને પણ તાત્કાલિક તહેનાત કરવામાં આવી હતી. સઘન તપાસ બાદ કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.હાલમાં સુરત, ભાવનગર અને અમરેલી સહિતના શહેરોમાં મળેલી તાજી ધમકીઓ અંગે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. બોર્ડ પરીક્ષાના સંવેદનશીલ સમયમાં સરકારી કચેરીઓને નિશાન બનાવતી આવી ઈ-મેઈલ ધમકીઓએ સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત ફરી એકવાર સ્પષ્ટ કરી છે.

Most Popular

To Top