ખેડા: ખેડા જિલ્લામાં કરવામાં આવતાં વિવિધ સરકારી કામોમાં ગેરરીતી અને ભ્રષ્ટાચારના વારંવાર આક્ષેપો થતાં રહે છે. ખેડા નગરપાલિકા દ્વારા શહેરના વોર્ડ નં 2 માં રસ્તાની કામગીરીમાં ગેરરીતી આચરી, મસમોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ મામલે પાલિકાના જ કાઉન્સિલરે પ્રાદેશિક કમિશ્નરને લેખિત રજુઆત કરી તપાસની માંગ કરી છે. ખેડા શહેરના વોર્ડ નં 2 માં આવેલ ખુમરવાડા ચોકડીથી ખેડા કેમ્પ દૂધ મંડળી થઈ રામાપીર મંદિર સુધીના માર્ગ પર પાલિકા દ્વારા થોડા દિવસ અગાઉ નવો રસ્તો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રસ્તો બનાવવાની આ કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા ગેરરીતી આચરવામાં આવતી હોવાનું પાલિકાના સ્થાનિક કાઉન્સિલર પ્રભાતસિંહ ઉદેસિંહ સોલંકીના ધ્યાને આવ્યું હતું.
જેથી તેઓએ તાત્કાલિક પાલિકાના ચીફઓફિસરને આ અંગે રજુઆત કરી હતી અને કામમાં ધ્યાન આપી, વ્યવસ્થિત, મજબુત અને ટકાઉ રોડ બનાવવા ટકોર કરી હતી. જોકે, પાલિકાના ચીફઓફિસરે કાઉન્સિલરની આ રજુઆત ધ્યાને લીધી ન હતી. પરિણામ સ્વરૂપ ચીફઓફિસરની રહેમનજર હેઠળ કોન્ટ્રાક્ટરે જેમ તેમ વેઠ ઉતારી રસ્તો બનાવી દીધો હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. જોકે, લાખો રૂપિયાના ખર્ચે બનાવાયેલો આ રસ્તો ખુબ જ ટુંકા ગાળામાં જર્જરિત થવાની પુરેપુરી શક્યતાઓ હોવાથી પાલિકાના કાઉન્સિલર પ્રભાતસિંહ સોલંકીએ આ મામલે પ્રાદેશિક કમિશ્નરને લેખિત રજુઆત કરી છે. જેમાં જણાવ્યું છે કે, રસ્તો બનાવવાની આ કામગીરીમાં મંજુર થયેલ કામના એસ્ટીમેટ મુજબ કામગીરી કરવામાં આવી નથી.
સ્ટીલ અંતર માત્રામાં વાપરવામાં પણ ઘોર બેદરકારી કરવામાં આવી છે. કોન્ટ્રાક્ટર દ્વારા આચરવામાં આવતી ગેરરીતી મામલે પાલિકાના ચીફઓફિસર અને એન્જીનીયરનું ધ્યાન દોરવા છતાં તેઓએ કોઈ કાર્યવાહી કરી ન હોવાથી તેમની પણ મીલીભગત હોવાની શંકા ઉઠી છે. આથી થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શન કરાવ્યાં બાદ જ બીલનું ચુકવણું કરવામાં આવે તેવી માંગ ઉચ્ચારી છે.