SURAT

નશામાં ધુત કાપડ વેપારી નો તાંડવ

વેસુમાં કારચાલકે લારી અને બાઈકને ઉડાવ્યા,મહિલાઓ સહિત અનેક ઘાયલ

સુરતના વેસુ વિસ્તારમાં મોડી રાત્રે દારૂના નશામાં એક કારચાલકે બેદરકારીથી વાહન હંકારી ભયાનક અકસ્માત સર્જ્યો હતો. આ ઘટનામાં રસ્તા પર ઉભેલી પાણીપુરીની લારી તેમજ બે ટુ-વ્હીલરને ટક્કર મારતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનામાં બે મહિલા સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે પોલીસે હાલ ત્રણ લોકોને ઈજા થયાની પુષ્ટિ કરી છે

વેસુ પોલીસ પાસે થી મળતી માહિતી અનુસાર રાત્રે આશરે 10.30 વાગ્યાના સમયે કારચાલક નશાની હાલતમાં ફુલસ્પીડમાં કાર રિવર્સ લઈ રહ્યો હતો. તે દરમિયાન રસ્તા પર ઉભેલી પાણીપુરીની લારીને જોરદાર ટક્કર મારી દીધી હતી. અચાનક બનેલી આ ઘટનાથી આસપાસના લોકો દોડીને બહાર આવી ગયા હતા

અકસ્માત સર્જ્યા બાદ ચાલકે ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ભાગતા ભાગતા સામેથી આવતી બુલેટ અને મોપેડને પણ ટક્કર મારી દીધી હતી. એટલું જ નહીં, રસ્તા પર પાર્ક કરેલી બીજી કાર સાથે પણ તેની કાર ભટકાઈ ગઈ હતી. આ દરમિયાન કારમાં સવાર બે યુવકોમાંથી એક યુવક મિત્રની બાઈક પર બેસીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો

સ્થાનિક લોકોએ હિંમત બતાવી કારચાલકને સ્થળ પર જ પકડી પાડ્યો હતો અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની માહિતી મળતા જ વેસુ પોલીસ સ્ટેશનના PI સહિતનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે કારની તપાસ કરતા અંદરથી દારૂની અડધી ભરેલી બોટલ અને એક બેગ કબજે કરી હતી

અકસ્માતમાં ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પાણીપુરીની લારી ચલાવતો યુવક અને બે મહિલાઓને વધુ ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. કારની ટક્કર એટલી જોરદાર હતી કે તેમાં એરબેગ પણ ખુલી ગઈ હતી

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે કારચાલકનું નામ આશિષ શાહ છે, જે વેસુ વિસ્તારમાં રહે છે અને રિંગ રોડની ટેક્સટાઇલ માર્કેટમાં કાપડનો વેપાર કરે છે. હાલ પોલીસ ફરાર થયેલા યુવકની શોધખોળ શરૂ કરી છે અને નશામાં વાહન ચલાવનાર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે

Most Popular

To Top