SURAT

સુરતમાં રામાયણ થીમ પર યોજાયો 84 કપલ્સનો સમૂહ લગ્નોત્સવ

સુરત: અગ્રણી ડાયમંડ કંપનીના ચેરમેન અને રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાના નેતૃત્વમાં રામકૃષ્ણ એક્સપોર્ટ્સ (SRK)ની CSR આર્મ SRK નોલેજ ફાઉન્ડેશન (SRKKF) દ્વારા શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સ્મૃતિમાં શનિવારે તા. 24 ફેબ્રુઆરીએ સુરત ખાતે રામાયણ થીમ પર સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

અબ્રામા સ્થિત ગોપીન ગામ ખાતે “પ્યોર વિવાહ” ના શીર્ષક હેઠળ યોજાયેલ સમૂહ લગ્નોત્સવમાં 84 યુગલો લગ્નગ્રંથિથી જોડાયા હતા. આ લગ્નોત્સવનું ખાસ આકર્ષણ એ હતું કે વર અને વધૂ રામ સીતાના પરિધાનમાં હતાં અને આયોજન સ્થળે રામાયણના પ્રસંગોને જીવંત કરવામાં આવ્યા હતા. બેટી બચાવો, ઓર્ગન ડોનેશન, પૈસા બચાવોના સંદેશા દરેક લોકો સુધી પહોંચાડવા પ્યોર વિવાહના પરિસરમાં રામ લલ્લાની શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરત શહેરના સિનિયર સિટીઝનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ અંગે ગોવિંદ ધોળકિયા એ જણાવ્યુ હતું કે અયોધ્યા ધામ ખાતે 500 વર્ષ પછી ભગવાન રામના મંદિરનું નિર્માણ થવા સાથે ભગવાન શ્રીરામ ની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ત્યારે આ પ્રસંગની સ્મૃતિમાં SRK ફેમિલી દ્વારા 24 ફેબ્રુઆરીના રોજ “પ્યોર વિવાહ” શીર્ષક હેઠળ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લગ્નોત્સવ અબ્રામા સ્થિત ગોપિન ગામ ખાતે સાંજે 4 વાગે જાન આગમન સાથે શરૂ થયો હતો અને રાત્રે 9 વાગે કન્યા વિદાય સાથે પૂર્ણ થયો હતો.

રામાયણ થીમ પર આયોજિત આ સમૂહ લગ્નોત્સવમાં કાર્યક્રમ સ્થળે શબરી રામ મુલાકાત સહિત વનવાસ દરમ્યાન બનેલા પ્રસંગોને જીવંત કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં પણ યુગલોએ પણ ભગવાન શ્રી રામ અને માતા સીતાના રૂપમાં સપ્તપદીના ફેરા લીધા હતા. કુલ 84 યુગલોએ પરિણયસૂત્રમાં બંધાઈ દાંપત્ય જીવનની શરૂઆત કરી હતી.

આ પ્રસંગે કાર્યક્રમના ઉદઘાટક તરીકે રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ નવ દંપતીઓને આશીર્વાદ આપવા રજસ્વી રત્નો તરીકે ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી, મંત્રી મુકેશભાઈ પટેલ, મંત્રી પ્રફુલ્લભાઈ પાનશેરિયા, મેયર દક્ષેશભાઈ માવાણી સહિત સુરતના તમામ ધારાસભ્યો સાથે સુરત જિલ્લા કલેકટર ડૉ. સૌરભભાઈ પારઘી, મનપા કમિશનર શાલિનીબેન અગ્રવાલ અને ઇન્ચાર્જ સુરત શહેર પોલીસ કમિશનર વાબાંગ જામિર ઉપસ્થિત રહ્યા હતા. SRKKF દ્વારા વર્ષ 2015થી યોજાતા આ “પ્યોર વિવાહ” માં અત્યાર સુધી 813 થી પણ વધુ યુગલે પ્રભુતામાં પગલાં પાડ્યા છે.

Most Popular

To Top