Comments

રામાસ્વામી પેરિયાર દ્રવિડિયન રાજકીય ચળવળના આદ્ય પ્રણેતા હતા

તામિલનાડુના મંત્રી અને ડીએમકેના વડા એમ.કે. સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિને ચેન્નાઇમાં યોજાયેલી સભામાં સનાતન ધર્મ પરની તેમની ટિપ્પણીથી ભારે વિવાદ સર્જ્યો હતો. ઉદયનિધિ સ્ટાલિને તે ભાષણ દરમિયાન અને એક દિવસ પછી ભાષણની પ્રતિક્રિયાનો સામનો કરતી વખતે રામાસ્વામી પેરિયારનું નામ લીધું હતું. ઉદયનિધિએ કહ્યું હતું કે “અમે પેરિયાર, અન્નાદુરાઈ અને કલાઈગ્નારના અનુયાયીઓ, સામાજિક ન્યાયને જાળવી રાખવા અને સમાનતાવાદી સમાજની સ્થાપના માટે હંમેશ માટે લડીશું.’રામાસ્વામી પેરિયારનું નામ ઉદયનિધિ સ્ટાલિન સહિત તમિલનાડુના મોટા ભાગના રાજકારણીઓના હોઠ પર સતત રહ્યું છે.

કોઈ પણ પક્ષ જ્યાં સુધી પેરિયારના શપથ ન લે ત્યાં સુધી તમિળ રાજકારણમાં સફળ થવાની આશા રાખી શકાય નહીં. છેલ્લાં ૫૦ વર્ષથી તામિલનાડુનું રાજકારણ પેરિયારની વિચારધારા મુજબ જ ચાલી રહ્યું છે. પેરિયાર ઇ.વી. રામાસ્વામીને ‘દ્રવિડિયન ચળવળના પિતા’તરીકે આદર આપવામાં આવે છે. ૧૭ સપ્ટેમ્બર, ૧૮૭૯ના રોજ મદ્રાસ પ્રેસિડેન્સીના એક ભાગ ઇરોડમાં જન્મેલા પેરિયાર સનાતન ધર્મમાં જોવા મળતાં બ્રાહ્મણવાદી વર્ચસ્વ અને જાતિ અને લિંગ અસમાનતાના કટ્ટર વિરોધી હતા. તેમની જન્મજયંતિ ૨૦૨૧થી થી તામિલનાડુમાં ‘સામાજિક ન્યાય દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.

તેઓ ૧૯૧૯ માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા હતા; પરંતુ તેમણે ૧૯૨૫ માં રાજીનામું આપી દીધું, કારણ કે તેમને લાગ્યું કે કોંગ્રેસ પાર્ટી મુખ્યત્વે બ્રાહ્મણોના હિતોની સેવા કરી રહી હતી. પેરિયારે ૧૯૨૬માં સ્વ-સન્માન ચળવળની સ્થાપના કરી હતી, જેનો હેતુ જાતિ, ધર્મ અને ભગવાનથી મુક્ત સમાજ બનાવવાનો હતો. ચળવળના ઉદ્દેશ્યોમાં બ્રાહ્મણવાદી સત્તાને નાબૂદ કરવી અને તેલુગુ, મલયાલમ, કન્નડ અને તમિળ જેવી દ્રવિડિયન ભાષાઓનું પુનરુત્થાન સામેલ હતું.

કોંગ્રેસ દ્વારા સમર્થિત ભારતીય ઓળખથી વિપરીત પેરિયારે તમિળ ઓળખનું સમાનતાવાદી આદર્શ વ્યવસ્થા તરીકે પુનઃનિર્માણ કર્યું હતું, જે તેમના ખ્યાલ મુજબ જાતિ પ્રણાલી દ્વારા અશુદ્ધ હતી. તેમણે કહ્યું હતું કે ‘જેઓ સંસ્કૃત બોલતા હતા તેવા બ્રાહ્મણ આર્યો ઉત્તર ભારતમાંથી આવ્યા હતા. તેઓ જાતિવાદને તમિળ પ્રદેશમાં લાવ્યા હતા.’આર્યો વિરુદ્ધ દ્રાવિડોની માન્યતાનો પાયો પણ પેરિયારે નાખ્યો હતો. પેરિયારે હિન્દીને ફરજિયાત વિષય તરીકે લાદવા સામે મજબૂત બળવો પણ કર્યો હતો.

હિન્દીને રાષ્ટ્રભાષા જાહેર કરવાનાં પગલાંને તેઓ દક્ષિણ ભારતના લોકો ઉપર “ઉત્તર ભારતીય સામ્રાજ્યવાદ’સ્થાપિત કરવાના પ્રયાસો તરીકે જોતા હતા. સ્વતંત્રતાના ૭૫ વર્ષ પછી પણ હિન્દી રાષ્ટ્રભાષા નથી બની શકી તેમાં પેરિયારનો ફાળો બહુ મોટો છે. ૧૯૩૯માં રામાસ્વામી પેરિયાર જસ્ટિસ પાર્ટીના વડા બન્યા હતા, જેનું નામ તેમણે ૧૯૪૪માં બદલીને દ્રવિડ કઝગમ કર્યું હતું. બાદમાં સી.એન. અન્નાદુરાઈ દ્વારા પાર્ટીનું વિભાજન કરવામાં આવ્યું, જેના કારણે ૧૯૪૯માં દ્રવિડ મુનેત્ર કઝગમ (ડીએમકે) ની રચના થઈ હતી.

ઉદયનિધિ સ્ટાલિન ડીએમકેના ત્રીજી પેઢીના નેતા છે. તેમના દાદા એમ. કે. કરુણાનિધિ પાંચ વખત તામિલનાડુના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. ઉદયનિધિના પિતા એમ.કે. સ્ટાલિન રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી અને ડીએમકેના વડા છે. તામિલનાડુની રાજનીતિના અન્ય મુખ્ય પક્ષ અન્ના ડીએમકેના રાજકીય સિદ્ધાંતો પણ પેરિયારના આંદોલન પર આધારિત છે. એમ.જી. રામચંદ્રનને કરુણાનિધિ દ્વારા ડીએમકેમાંથી હાંકી કાઢવામાં આવ્યા તે પછી તેમના દ્વારા અન્ના ડીએમકેની સ્થાપના કરવામાં આવી હતી. જયલલિતા એમ.જી. રામચંદ્રનના વારસદાર તરીકે તામિલનાડુના રાજકારણમાં દાયકાઓ સુધી છવાયેલાં રહ્યાં હતાં. તેઓ પણ પેરિયારની વિચારધારામાં માનતાં હતાં.

આજે પણ પેરિયારનો વારસો તામિલનાડુના રાજકારણને પ્રભાવિત કરવાનું ચાલુ રાખે છે. તેમના તર્કવાદ, સ્વાભિમાન, મહિલા અધિકારો અને જાતિ નાબૂદીના સિદ્ધાંતો આજે પણ તામિલનાડુમાં ગૂંજી રહ્યા છે. તેમ જ તેમનું હિન્દી વિરોધી વલણ પણ ચાલુ છે. પેરિયાર અને તેમના સમર્થકોએ ૧૯૫૦ના દાયકાથી હિંદુ દેવી-દેવતાઓના પોસ્ટરો અને પૂતળાંઓ સળગાવ્યાં હતાં. તેમણે પોતાના સમર્થકોને ગણેશજીની મૂર્તિઓને અપવિત્ર કરવા માટે પણ આમંત્રણ આપ્યું હતું. વિરોધનું આ કાર્ય ૧૯૭૦ના દાયકા સુધી ચાલુ રહ્યું. એવું કહેવાય છે કે નીચલી જાતિના હિંદુઓને બ્રાહ્મણોના જુલમથી બચાવવા માટે પેરિયારે ધર્મપરિવર્તનની હિમાયત પણ કરી હતી.

ભારતને આઝાદી મળી ત્યારે કામરાજ જેવા બ્રાહ્મણ નેતાઓનું તામિલનાડુના રાજકારણમાં વર્ચસ્વ હતું. રામાસ્વામી પેરિયારની ચળવળે તમિલનાડુના રાજકારણમાં બ્રાહ્મણોની સત્તા પર જે પકડ હતી તેનો અંત લાવી દીધો હતો. છેલ્લા બે-ત્રણ દાયકામાં બ્રાહ્મણ વસ્તીનો મોટો હિસ્સો તામિલનાડુમાંથી બહાર નીકળી ગયો છે, જેને આઇ.ટી. અને નાણાંકીય સેવાઓમાં આવેલી તેજીથી પણ મદદ મળી છે. હિંદુ દેવી-દેવતાઓનાં પોસ્ટરો સળગાવવાની ઝુંબેશ પેરિયારના આંદોલનના સૌથી વિવાદાસ્પદ પ્રકરણોમાંની એક હતી.

આજે પણ તેની ટીકા પણ કરવામાં આવી રહી છે. કેટલાક લોકો તેને વિરોધના આત્યંતિક સ્વરૂપ તરીકે જુએ છે. વર્ષ ૨૦૨૦ માં દક્ષિણના સુપરસ્ટાર રજનીકાંતે પેરિયારની ટીકા કરી હતી અને કહ્યું હતું કે “૧૯૭૧ માં સાલેમ ખાતે પેરિયારે એક રેલી કાઢી હતી, જેમાં ભગવાન શ્રી રામચંદ્રની અને સીતાની મૂર્તિની સેન્ડલની માળા સાથે વસ્ત્રો વગરની છબીઓ દર્શાવવામાં આવી હતી. કોઈ સમાચાર આઉટલેટે તેને પ્રકાશિત કરી ન હતી.’

રજનીકાંતની ટીકાના પગલે દ્રવિડિયન પક્ષો તેમના વિરોધમાં રસ્તા પર ઊતરી આવ્યા હતા. તેમણે રજનીકાંતને માફી માંગવા દબાણ કર્યું હતું, પરંતુ ભાજપની હિંદુત્વની વિચારધારાથી પ્રભાવિત સુપરસ્ટાર રજનીકાંતે માફી માગવાનો ઇનકાર કર્યો હતો. દર વર્ષે તા. ૨૫ જાન્યુઆરી ‘તામિલનાડુ ભાષા શહીદ દિવસ’તરીકે ઉજવાય છે, જે રાજ્યમાં હિન્દી વિરોધી આંદોલન દરમિયાન પોતાનો જીવ આપનારા લોકોની યાદમાં યોજાય છે.

મુખ્ય પ્રધાન એમ.કે. સ્ટાલિને આરોપ મૂક્યો હતો કે “એક રાષ્ટ્ર, એક ચૂંટણી, એક ધર્મની જેમ, ભાજપ એક ભાષા સાથે દેશની વિવિધ સંસ્કૃતિને નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહી છે.’સ્ટાલિને કહ્યું હતું કે ‘કેન્દ્રની ભાજપ સરકાર વહીવટથી શિક્ષણ સુધી હિન્દી લાદવાનો પ્રયાસ કરી રહી છે અને તામિલનાડુ હંમેશા તેનો વિરોધ કરશે.’ગયા વર્ષે તામિલનાડુ વિધાનભાએ હિન્દી ભાષા લાદવા વિરુદ્ધ ઠરાવ અપનાવ્યો હતો અને કેન્દ્ર સરકારને રાજભાષા પરની સંસદીય સમિતિના અહેવાલની ભલામણોને લાગુ ન કરવા જણાવ્યું હતું.

આજે પેરિયારને યાદ કરવામાં આવે તો પણ તેમનો જાતિવિરોધી સામાજિક સંદેશો ખોવાઈ રહ્યો છે. તેમની ચળવળની શાખાઓ ડીએમકે અને અન્ના ડીએમકે ચૂંટણી લડવા માટે જાતિવાદી રાજકારણનો ઉપયોગ કરી રહી છે. તામિલનાડુમાં વધુ જાતિઆધારિત પક્ષો ઉભરી આવ્યા છે; પરંતુ પેરિયાર હજુ પણ તેમને વોટ અપાવી શકે છે. પેરિયારનું મહત્ત્વ એ હકીકત પરથી સમજી શકાય છે કે તેમની વિચારધારા તેમના મૃત્યુની અડધી સદી પછી પણ તમિલનાડુનું રાજકારણ ચલાવી રહી છે.

Most Popular

To Top