ગંભીર કેસોમાં દોષિત ઠરાવવામાં આવેલા ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમને ફરી એકવાર ફરી જેલમાંથી બહાર આવવાની મંજૂરી મળી છે. હરિયાણાની રોહતક સ્થિત સુનારિયા જિલ્લા જેલમાં સજા ભોગવી રહેલા રામ રહીમને આ વખતે 40 દિવસ માટે પેરોલ આપવામાં આવ્યા છે. પેરોલ દરમિયાન તે સિરસામાં આવેલા ડેરા સચ્ચા સૌદાના મુખ્ય આશ્રમમાં રહેશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ગઈકાલે 3 જાન્યુઆરી સાંજે હરિયાણા જેલ વહીવટીતંત્ર દ્વારા રામ રહીમની પેરોલ અરજીને મંજૂરી આપવામાં આવી હતી. મંજૂરી મળ્યા બાદ જેલ પ્રશાસને તેને મુક્ત કરવાની તમામ કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. જોકે આ પેરોલ સમયગાળા દરમિયાન રામ રહીમ પર અનેક શરતો લાગુ રહેશે.
વહીવટી અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે પેરોલ દરમિયાન રામ રહીમ કોઈપણ જાહેર સભા, ધાર્મિક કાર્યક્રમ કે રાજકીય પ્રવૃત્તિમાં ભાગ લઈ શકશે નહીં. તે ડેરા પરિસરની બહાર નહીં જઈ શકે અને તેની હલચલ પર પોલીસ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવશે. સુરક્ષા વ્યવસ્થાને પણ વધુ કડક બનાવવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ગુરમીત રામ રહીમ વર્ષ 2017થી જેલમાં બંધ છે. બે સાધ્વીઓ પર દુષ્કર્મ કરવાના કેસમાં તેને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી. આ ઉપરાંત પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યાના કેસમાં પણ તે દોષિત સાબિત થયો હતો. આ કેસોના ચુકાદા બાદ હરિયાણામાં વ્યાપક હિંસા અને તણાવ સર્જાયો હતો.
રામ રહીમને અગાઉ પણ અનેક વખત પેરોલ અને ફર્લો આપવામાં આવ્યા છે. ખાસ કરીને ચૂંટણીના સમયગાળામાં મળેલી છૂટને લઈને રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા અને વિવાદ થયો હતો. તેમ છતાં સરકાર અને જેલ વિભાગનું કહેવું છે કે આ વખતે આપવામાં આવેલી પેરોલ પણ નિયમો અને કાયદાકીય પ્રક્રિયા મુજબ જ છે.
પેરોલનો સમય પૂર્ણ થતાં જ રામ રહીમને ફરીથી સુનારિયા જેલમાં હાજર થવું ફરજિયાત રહેશે.