National

રણજીત સિંહ હત્યા કેસમાં કોર્ટે ડેરા સચ્ચાના રામ રહીમને આજીવન કેદની સજા સંભળાવી

રણજીત સિંહ હત્યા કેસમાં દોષિત ઠરેલા ડેરા સચ્ચા સોદાના (Dera Sachcha Soda) પ્રમુખ રામ રહીમ (Ram Rahim) સહિત 5 આરોપીઓને કોર્ટે આજે આજીવન કારાવાસની સજા સંભળાવી છે. રામ રહીમ ઉપરાંત આ કેસમાં જસબીર, અવતાર, કૃષ્ણ લાલ અને સબદીલ આરોપી છે. પંચકૂલાના CBI ના જ્જ સુશીલ ગર્ગે રામ રહીમને 31 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. અન્ય ચાર આરોપીઓને 50-50 હજારનો દંડ કરાયો છે. રામ રહીમને આ અગાઉ પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યા કેસમાં આજીવન કેદની સજા થઈ ચૂકી છે. આ સિવાય બે સાધ્વીઓના યૌન શોષણના કેસમાં પણ રામ રહીમને 10-10 વર્ષની સજા થઈ ચૂકી છે.

કોર્ટે ચૂકાદો આપ્યો ત્યાર બાદ CBI ના વકીલ એચપીએસ વર્માએ કહ્યું કે, રામ રહીમ આજીવન જેલમાં જ વીતાવશે. તે મૃત્યુ પામે ત્યાં સુધી હવે જેલની બહાર નહીં નીકળી શકે. રણજીત સિંહ હત્યા કેસમાં જે સજા થઈ છે તે સજા અગાઉ કરાયેલી સજાની સાથે જ કાપવાની રહેશે. આરોપીને આજીવન કેદની સજા થતાં સ્વ. રણજીતસિંહના પુત્ર જગસીરે કોર્ટના ચૂકાદા પર સંતોષ વ્યક્ત કર્યો હતો.

વર્ષ 2002ની 10 જુલાઈના રોજ રણજીત સિંહની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. રણજીત સિંહે સાધ્વી યૌન શોષણ કેસમાં પોતાની બહેન પાસે નનામી પત્ર લખાવ્યો હોવાની શંકાના આધારે રામ રહીમે હત્યા કરાવી હતી. પોલીસ તપાસથી અસંતુષ્ટ રણજીત સિંહના પિતાએ જાન્યુઆરી 2003માં પંજાબ અને હરીયાણા હાઈકોર્ટમાં અરજી કરી CBI તપાસની માંગ કરી હતી.

અરજી કોર્ટે મંજૂર કરતા CBI એ રામ રહીમ સહિત 5 લોકો વિરુદ્ધ કેસ નોંધી તપાસ કરી હતી. 2007માં CBI ની સ્પેશ્યિલ કોર્ટે આરોપીઓ પર ચાર્જ ફ્રેમ કર્યા હતા અને 8 ઓક્ટોબર 2021ના રોજ તમામ આરોપીને દોષિત જાહેર કર્યા હતા. નોંધનીય છે કે, ડેરાની બે સાધ્વિઓના જાતીય શોષણ મામલામાં 28 ઓગસ્ટ 2017એ ડેરા પ્રમુખ રામ રહીમને 20 વર્ષની સજા આપવામાં આવી હતી.

Most Popular

To Top