સિત્તેરના દાયકાની શકિતશાળી અભિનેત્રી રાખીની અભિનયયાત્રાની સંઘેડાધાર રજૂઆત શો ટાઇમ પૂર્તિમાં કરવામાં આવી છે. ૧૯૮૨ માં રજૂ થયેલી દિલીપકુમાર, રાખી તથા અમિતાભ બચ્ચન અભિનીત ફિલ્મ ‘શકિત’માં રાખીએ ખૂબ જ સશકત અભિનય કરેલો. ૨૫ વર્ષ, ઉંમરમાં મોટા એવા અભિનયસમ્રાટ દિલીપકુમારનાં પત્નીનો ભારેખમ રોલ રાખીએ શકિતમાં કરેલો. તો સામે છેડે એ વખતના ખૂબ જ પોપ્યુલર થયેલા એન્ગ્રીયંગમેન અમિતાભ બચ્ચનની માનો રોલ, એ ફિલ્મમાં રાખીએ, બ-ખૂબી ભજવેલો. પતિ અશ્વિનીકુમાર (દિલીપકુમાર) એક સમર્પિત પોલીસ અધિકારી છે.
જયારે પુત્ર વિજય (અમિતાભ) પિતાના આદર્શોને કોરાણે મૂકીને જીવનારો યુવક છે. પુત્ર સમજે છે કે કાયદો, માણસનું કયારેય ભલું કરી શકતો નથી. કાયદાને હાથમાં લઇને જીવવાથી જ, જીવન જીવી શકાય છે. જયારે પિતા તો એક સંનિષ્ઠ પોલીસ અધિકારી છે, એટલે એ તો સ્વયં ફરજને અને કાયદાને જ પોતાના જીવથી વધુ મહત્ત્વ આપે છે. કાયદાની ઐસી-કી-તૈસી કરનાર પુત્ર, ખરાબ હાથોમાં સપડાઇ જાય છે. પિતા એને કયારેક સમજાવે પણ છે કે, ‘દીકરા વિજય, કાયદાને હાથમાં લઇને જીવવું નહિ જોઇએ. કાનૂનના હાથ ઘણા લાંબા છે.’ આમ પિતા અને પુત્ર વચ્ચેના સર્જાતા સંઘર્ષમાં રાખી બળીને ખાખ થઇ જાય છે. બે મહાશય યોદ્ધાઓ વચ્ચે રાખી પિસાઇ જાય છે.
પિસાતી રાખીનો અભિનય એની પરાકાષ્ઠાએ છે. પતિની કર્તવ્યનિષ્ઠા અને પુત્રની ગુંડાગીર્દીવાળી જિંદગીથી, રાખી હતાશ થઇ જાય છે અને છેવટે અસાધ્ય રોગમાં પટકાય છે અને મૃત્યુ સામે હારી જાય છે. સમગ્ર ફિલ્મના દર્શન દરમ્યાન, દર્શક વર્ગની જબ્બરદસ્ત સહાનુભૂતિ, રાખી તરફ વળે છે. અહિંયાં ત્રણે પાત્રો પોતાની જગ્યાએ યોગ્ય હોવા છતાં, દર્શક રાખી તરફ વધુ ઢળતો જાય છે. સાચે જ રાખીએ, એની તમામ અભિનયશકિતને ‘શકિત’માં ઠાલવી દીધી છે. ‘શકિત’ની શકિતશાળી રાખી, કયારેય ભૂલાય એમ નથી. ભારતની દસેક શકિતશાળી અભિનેત્રીઓમાં રાખીને અવશ્ય સ્થાન મળ્યું છે.
સુરત – બાબુભાઇ નાઇ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.