ગાંધીનગર: છેલ્લા કેટલાક દિવસોથી દક્ષિણ ગુજરાતના (South Gujarat) જિલ્લાઓમાં મુશળધાર વરસાદ (Rain) વરસી રહ્યો છે. રાજ્યમાં હજુ પણ ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. મંગળવારને ૧૧મી જુલાઈએ રાત્રે ભારે વરસાદના કારણે નર્મદા જિલ્લામાં વહેતી કરજણ નદીમાં (River) વરસાદી પાણીની ભારે આવક થઇ હતી. જેથી નદીના પટમાં રાજપીપળા સ્મશાન ઘાટ નજીકના વિસ્તાર સુધી નદીનું પાણી આવી પહોંચતા ૨૧ વ્યક્તિઓ નદીના વહેણમાં ફસાયા હતા.
રાત હોવાથી એક બાજુ અંધારું અને બીજી બાજુ પાણીનું વહેણ વધારે હોવાથી ફસાયેલા વ્યક્તિઓને રેસ્ક્યુ કરવા માટે હેલિકોપ્ટરની માંગણી કરવામાં આવી હતી. પરંતુ સ્થિતિ ગંભીર હોવાથી હેલિકોપ્ટર સ્થળ પર પહોંચે ત્યાં સુધીનો સમય ન હોવાથી NDRF અને SDRFની ટીમ દ્વારા રાત્રીના અંધારામાં જ દિલધડક ઓપરેશન હાથ ધરીને તમામ ૨૧ લોકોને બહાર કાઢી સલામત સ્થળ સુધી પહોંચાડવામાં આવ્યા હતા.
રાજ્યમાં હજુ પણ ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. આવા વિસ્તારોમાં રાજ્ય સરકાર દ્વારા આગવું આયોજન કરી નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોના સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે, NDRF- SDRFની ટીમોને પણ તૈનાત કરવામાં આવી છે, લોકોને સલામત સ્થળે ખસેડી તેમના આરોગ્ય અને ખોરાક જેવી વિવિધ બાબતોની પણ કાળજી લેવામાં આવી રહી છે. આ ઉપરાંત જિલ્લાના વહીવટી તંત્રો દ્વારા પણ જરૂરી કાર્યવાહી કરીને ચોમાસા દરમિયાન રાજ્યમાં ‘ઝીરો કેઝ્યુલીટી’ના અભિગમ અને સુદ્રઢ આયોજન સાથે સતત કામ કરવામાં આવી રહ્યું છે.
વાગરામાં નાળા પરથી વહેતા પાણીમાં કાર ખેંસાય, પાંચ લોકોને રેસ્ક્યુ કરી બચાવ્યા
ભરૂચ: વાગરા તાલુકાના વસ્તી ખંડાલી ગામે નાળા પર પાણીનો પ્રવાહ ધીરે ધીરે વધતા ત્યાંથી પસાર થતી વેગનઆર ગાડી નાળા પરથી નીચે ઉતરવા માંડી હતી. સમગ્ર ઘટનાને પગલે વાગરા પોલીસ વિભાગને મેસેજ મળતા તરત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જો કે સ્થાનિક લોકોના સહારે ગાડીમાં બેઠેલા લોકોને સલામત બહાર કાઢ્યા હતા. આખી ઘટનાના પગલે પોલીસ કાફલો અને સ્થાનિકોની મદદથી સરકારી બોલેરો ગાડીને વેગનઆરને ટોઈંગ કરી રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવી હતી.આ નાળું ગામ તરફ જવા માટેનો એકમાત્ર વિકલ્પરૂપ રસ્તો હોવાથી હાલમાં પાણી ઓછું થાય ત્યાં સુધી બંધ કરવામાં આવ્યો હતો.
હાંસોટ તાલુકાનાં ચાર ગામના 405 અસરગ્રસ્તને અન્યત્ર સલામત સ્થળે ખસેડવાની કવાયત
અંકલેશ્વર: છેલ્લા ચાર દિવસથી હાંસોટ તાલુકામાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. આજુબાજુના તાલુકામાં પણ વઘુ વરસાદ પડતાં નર્મદા નદી તથા કીમ નદીમાં પાણીનું સ્તર સતત વધતાં હાંસોટ તાલુકાના કીમ નદી નજીકનાં ગામોમાં ભય વધતાં હાંસોટ તાલુકાનાં ચાર ગામો કઠોદરા, પાંજરોલી, ઓભા તથા આસરમા ગામના 405 જેટલા અસરગસ્તોને સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી હાંસોટ તાલુકાના મામલતદાર હાર્દિક બેલરિયા તથા સ્ટાફ તથા ગામના સરપંચ તથા તલાટીની મદદથી કરાઇ રહી છે. તમામને ગામની પ્રાથમિક શાળામાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવનાર છે, જેમાં કઠોદરામાંથી 54 પાંજરોલીમાંથી 107 ઓભા ગામેથી 96 તથા આસરમા ગામેથી 148 મળી કુલ 405 અસરગ્રસ્તને સલામત સ્થળે ખસેડવામાં આવનાર છે. તાલુકાનો સિઝનનો 30 ટકા વરસાદ તો ચાર દિવસમાં જ પડી ગયો છે. આ લખાય છે ત્યાં સુધી 462 મી.મી. વરસાદ પડી ગયો છે. આમ, લગભગ 18 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે.