Dakshin Gujarat

રાજપીપળામાં ધુળેટી પર્વની મોડી સાંજે બે જૂથ વચ્ચે બબાલ, એકનું ગળું દબાવી હત્યા

રાજપીપળા: (Rajpipla) રાજપીપળાના કાળિયાભૂત ચોકડી પાસેની અંબિકાનગર સોસાયટીના એક ખુલ્લા પ્લોટમાં ધુળેટી પર્વની સંધ્યાકાળે એક રિક્ષા ચાલકની ગળું દબાવી કરપીણ હત્યા કરાઈ હોવાની ઘટના સામે આવી છે. હોળી (Holi) પર્વે રંગોત્સવ રમી કરજણ ડેમ બાર ફળીયામાં ઝઘડો થતાં બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. એ ઝઘડામાં એક યુવકનો જીવ ગુમાવ્યો છે. રાજપીપળા પોલીસે (Police) 20થી વધુ લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

આ મામલે નોંધાયેલી પ્રથમ ફરિયાદ મુજબ રાજપીપલા શહેરમાં ધુળેટી પર્વ બાદ સાંજે સંધ્યાકાળે કાળિયાભૂત ચોકડી પાસેની અંબિકાનગર સોસાયટીના એક ખુલ્લા પ્લોટમાં અચાનક વડોદરા પાસિંગની રિક્ષા આવીને ઊભી રહી હતી, જેમાંથી જયેશ ગુલાબસિંહ મકવાણા મૃત હાલતમાં મળી આવ્યો હતો. મૃતકના ભાઈ મહેન્દ્ર મકવાણાએ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેનો ભાઈ જયેશ પોતે રિક્ષા લઇ ઇકો ગાડી અને અન્ય વાહન લઈને કરજણ બાર ફળિયા ધોધ પર નાહવા માટે ગયા હતા. જ્યાં નાહવા બાબતે મિત્રોમાં અંદરોઅંદર બોલાચાલી થઇ હતી. દરમિયાન થયેલી મારામારીમાં પથ્થરમારો કર્યો હતો, જેમાં ઇકો ગાડીનો કાચ તોડી નાંખ્યો ગાડીમાં ભાગી ગયા હતા. અને બીજા અન્ય લોકો તેના ભાઈ જયેશને રિક્ષામાં બેસાડી તેનું અપહરણ કરી ગળું દબાવી હત્યા કરી હતી. જેમાં શંકાના આધારે રાહુલ રામચંદ્ર કહાર, ધ્રુપાલ ઉર્ફે સત્યમ કમલેશ કહાર, રાહુલ હરિપ્રસાદ કહાર, કલ્પેશ નાનુ વસાવા, વિકાસ નાનુ વસાવા, યુવરાજ રાજપૂત, કિશાન દિલીપ વસાવા, રોનક મહેન્દ્ર વસાવા મળી કુલ 8 લોકો સામે હત્યા અને અપહરણનો ગુનો નોંધાવ્યો છે.

બીજી બાજુ રાજપીપલા સિવિલમાં સારવાર લઇ રહેલા ઈજાગ્રસ્ત રાહુલ રામચંદ્ર કહારે મૃતક જયેશ મકવાણા અને અન્ય 10થી 15 માણસો સામે ફરિયાદ નોંધાવી છે એ મુજબ તેઓ બધા ધુળેટી રમી કરજણ ડેમ વણઝર બાર જમવાની તૈયારી સાથે ગયા હતા. સાંજના સમયે પાણી છોડશે ઉપર આવો એવું કહેતાં ઝઘડો થયો હતો અને જયેશ અને તેના માણસોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. આ મારામારીમાં તમામ લોકોમાં નાસભાગ મચી હતી. જયેશ હુમલો કરી રિક્ષા લઈ ભાગવા જતાં તેની રિક્ષાનો પીછો કરી રિક્ષા ઝડપી લીધી હતી. જયેશ ભાગી ન જાય એટલા માટે એનું ગળું દબાવી રાખ્યું હતું, એ દરમિયાન એનું મોત નીપજ્યું હતું.

Most Popular

To Top