રાજપીપળા: (Rajpipla) તિલકવાડાની દેવલિયા ચોકડી તરફથી એક કન્ટેનરચાલક પોતાના કબજાનું કન્ટેનર (Container) પૂરઝડપે હંકારી લાવતાં તિલકવાડા ચોકડી નજીક આવતા અચાનક સ્ટિયરિંગ ઉપર કાબૂ ગુમાવતાં એક ટેમ્પો, એક ઇક્કો ગાડી અને ચારથી પાંચ બાઈકને અડફેટે લેતાં ગંભીર અકસ્માત (Accident) સર્જાયો હતો. આ અકસ્માતમાં બે મહિલા અને એક યુવક ગાડી નીચે દબાતાં કલાકોની મહેનત બાદ દબાયેલા લોકોનું રેસ્ક્યુ કરી તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
- તિલકવાડા ચોકડી પર કન્ટેનર ચાલક બેફામ બન્યો: ટેમ્પો, કાર અને ચારથી વધુ બાઇકને અડફેટે લીધી
- અકસ્માત બાદ કન્ટેનર પલટી ગયું, બેભાન થઈ ગયેલા ચાલકને કાચ તોડી બહાર કઢાયો
- રોડની સાઈડમાં ઊભેલી બે મહિલા તથા એક યુવક ગાડી નીચે દબાઈ ગયાં, કલાકોની મહેનત બાદ બહાર કઢાયાં
મળતી માહિતી અનુસાર એક કન્ટેનર ચાલકે ફૂલ સ્પીડમાં હંકારી લાવતા તિલકવાડા ચોકડી આગળ આવતાં ઓચિંતા અકસ્માત સર્જાયો હતો. અચાનક ચાલકે ગાડીના સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગુમાવી દેતાં રોડની સાઈડમાં ઊભેલી એક 407 ટેમ્પો, એક ઇકો ગાડી તથા રોડની સાઈડમાં ઊભેલી અંદાજિત ચારથી પાંચ બાઈકને અડફેટે લીધી હતી અને કન્ટેનર પલટી મારી જતાં વાહનો કન્ટેનર નીચે દબાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં રોડની સાઈડમાં ઊભેલી બે મહિલા તથા એક યુવક ગાડી નીચે દબાઈ ગયાં હતાં. સાથે ટેન્કરચાલક પણ બેભાન હાલતમાં હતો. જેથી ગાડી ચાલકનું કાચ તોડીને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જ્યારે ત્રણ જેસીબી તથા એક હાઇડ્રાની મદદથી પોલીસકર્મીઓ અને સ્થાનિક લોકો દ્વારા કલાકોની જહેમત બાદ ગાડી નીચે દબાયેલા બે મહિલા અને એક યુવકનું રેસ્ક્યુ કરવામાં આવ્યાં હતાં. આ અકસ્માતમાં બંને મહિલા અને એક યુવકને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતને પગલે પોલીસકર્મીઓ, આરોગ્યકર્મીઓ, મામલતદાર તથા આગેવાનો અને સ્થાનિક લોકો ખૂબ મોટી સંખ્યામાં સ્થળ પર ઊમટી પડ્યા હતા. આખો વિસ્તાર 108 એમ્બ્યુલન્સના સાઇરનથી ગૂંજી ઊઠ્યો હતો. આ બનાવ બાદ તિલકવાડા ચોકડી આગળ બેરિકેટ અને સ્પીડ બ્રેકર મૂકવા લોકમાંગ ઊઠી છે.
અંકલેશ્વરમાં એસ.ટી. બસના ચાલકે મોપેડને ટક્કર મારતાં 3 ઘાયલ
અંકલેશ્વર: અંકલેશ્વર-ભરૂચ જૂના નેશનલ હાઇવે ઉપર ડિસેન્ટ હોટલ પાસે એસટી બસચાલકે મોપેડસવારોને ટક્કર મારતાં ત્રણને ઈજા પહોંચી હતી. ગત રોજ રાતના સમયે મોપેડ નં.(જી.જે.૧૬.બી.એમ.૮૯૧૦) લઇ ત્રણ યુવાન અંકલેશ્વર-ભરૂચ જૂના નેશનલ હાઇવે ઉપરથી પસાર થઇ રહ્યા હતા. દરમિયાન પૂરઝડપે ધસી આવેલા અમદાવાદ-માલેગાંવ જતી એસટી બસના ચાલકે મોપેડસવારોને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણેયને ઈજા પહોંચતાં તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ અકસ્માત અંગે બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.