સુરત: શહેરના પાલનપુર પાટીયા ખાતે રહેતા ટ્રાવેલ્સ સંચાલકે બેંક પાસેથી હરાજીમાં લક્ઝરી બસ ખરીદી હતી. આ બસ વાયરિંગ કરવા મુકી ત્યારબાદ ચોરી થતા રાજપીપળા પાસેથી મળી હતી. પરંતુ બાદમાં ત્યાંથી પણ બસમાંથી જીપીએસ સીસ્ટમ કાઢી તેને ગાયબ કરી દેવાઈ હતી. આ અંગે સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.
સરથાણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, પાલનપુર પાટીયા ખાતે સીમાનગર સોસાયટીમાં રહેતા 41 વર્ષીય મહેશભાઈ મહેન્દ્રભાઈ રાઠોડ રવિક્રિષ્ણા તથા દેવકૃપાના નામથી ટુર્સ એન્ડ ટ્રાવેર્લ્સનો ધંધો કરે છે. ડિસેમ્બર 2019માં ઉધના દરવાજા ખાતે આવેલી ઇન્ડસઈન્ડ બેંક તરફથી હરાજીમાં વર્ષ 2015ના મોડેલની લક્ઝરી બસ (જીજે-04-એટી-7020) 7 લાખમાં ખરીદી કરી હતી. આ બસ રમેશભાઈ ઉકાભાઈ વઘાસીયાના નામની હતી. તેમને બેંકમાં લોનના નાણા ન ભરતા સીઝ કરી હરાજી કરાઈ હતી. મહેશભાઈએ બસ ખરીદી વાયરિંગનું કામ કરવાનું હોવાથી ગત 15 એપ્રિલ 2021ના રોજ બસનો ડ્રાઈવર પ્રતાપ ખુમાણ વાલકપાટીયા ખોડીયાર પાર્કિંગમાં આવેલા ન્યુ પાટીદાર ઓટો ઇલેક્ટ્રિક નામના ગેરેજમાં વાયરિંગ કામ માટે મુકી આવ્યો હતો. વાયરિંગમાં ચારેક દિવસ લાગશે તેવું ગેરેજ માલીક જયેશ ગાંગડીયાએ કહ્યું હતું. બસમાં જીપીએસ સીસ્ટમ હોવાથી બુકિંગ કરતા ઘનશ્યામભાઈ બાબુભાઈ ઉકાણીના મોબાઈલમાં સીસ્ટમ દેખાય છે.
ગત 19 એપ્રિલ 2021ના રાત્રે દસેક વાગે લક્ઝરી બસનું બુકિંગકામ સંભાળતા ઘનશ્યામભાઈએ મોબાઈલમાં જીપીએસ સીસ્ટમમાં જોતા બસનું લોકેશન સાયણનું બતાવતું હતું. જેથી ઘનશ્યામભાઈ, વાયરિંગનું કામ કરતા જયેશભાઈ અને મહેશભાઈ ખોડીયાર પાર્કિંગ ખાતે પહોંચી ગયા હતા. જીપીએસ સીસ્ટમથી ફરી જોતા બસનું લોકેશન ઓલપાડ બતાવતું હતું. ત્યારબાદ તેઓ લોકેશન ટ્રેક કરી બસની પાછળ જતા બસ અંકલેશ્વર પાસે ઉભી મળી હતી. અંકલેશ્વર પાસે હોમગાર્ડના માણસો ઉભા હોવાથી તેમને બસ ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું. હોમગાર્ડના માણસોને સાથે રાખીને લોકેશન જોઈને રાજપીપળા ચોકડી પાસે જનતાનગર આગળ ખુલ્લા મેદાનમાં બસ પડેલી હતી.
સવારે બસના કાગળ લાવવાનું કહી રાત્રે ગાયબ કરી દેવાઈ
બસ જ્યાં મળી આવી હતી ત્યાં રહેતા રાણાભાઈ મેરએ પાસે આવીને જણાવ્યું કે, આ લક્ઝરી બસ જયસુખભાઈ તથા સુરેશભાઈ લેવા આવવાના છે. જેથી તમે સવારે ગાડીના અસલ કાગળ લઈને આવજો. કાગળ લાવો ત્યાં સુધી ગાડી કસે નહી જાય તેવો વિશ્વાસ અપાવ્યો હતો. મહેશભાઈ અને ઘનશ્યામભાઈ સુરત આવી ગયા હતા. બીજા દિવસે સવારે રાણાભાઈને ફોન કરીને કાગળ લઈને આવતા હોવાનું કહ્યું હતું.
રાણાભાઈ મેરએ રાત્રે તેમના ગયા પછી જયસુખ જીવાણી આવીને બસ લઈ ગયો હોવાનું જણાવ્યું હતું. અને મહેશભાઈને ધમકી આપી હતી કે હવે બસ બાબતે પુછપરછ કરવી નહી કે ફોન કરવો નહી, નહીતર તમને ટ્રાવેલ્સનો ધંધો છોડાવી દઈશ. ત્યારબાદ જીપીએસ સીસ્ટમ જોતા બસ દેખાતી બંધ થઈ ગઈ હતી.