રાજપીપળા: (Rajpipla) નર્મદા જિલ્લામાં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી (Assembly elections) ઓના પ્રથમ ચરણમાં 1 ડિસેમ્બરે યોજાયેલા મતદાનમાં જિલ્લામાં સમાવિષ્ટ નાંદોદ (Nandod) અને ડેડિયાપાડા (Dediapada) વિધાનસભા મતવિસ્તારની બંને બેઠકના વિસ્તારમાં જિલ્લાના મતદારોએ બંને બેઠકોમાં સરેરાશ 78.42 ટકા જેટલું અભૂતપૂર્વ અને ઐતિહાસિક મતદાન કરતાં મતદાનની ટકાવારીમાં રાજ્યભરમાં પુનઃ ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યુ હતું.નર્મદા જિલ્લો ગત વિધાનસભા-2017ની સામાન્ય ચૂંટણીમાં જિલ્લાની બંને બેઠકોના મતદાનમાં 79.15 ટકાની સરેરાશ ટકાવારી સાથે રાજ્યભરમાં મોખરે રહ્યો હતો. હાલ-2022ની વિધાનસભાની ચૂંટણીમાં ડેડિયાપાડા વિધાનસભા મત વિસ્તારમાં 82.71 ટકાના મતદાન સાથે રાજ્યભરની 89 બેઠકની થયેલી ચૂંટણીમાં ડેડિયાપાડા સમગ્ર રાજ્યમાં મતદાનની ટકાવારી સાથે મોખરે રહ્યો છે.
જ્યારે નાંદોદ વિધાનસભા મતવિસ્તારમાં હાલની ચૂંટણીમાં 74.73 ટકા મતદાન નોંધાયું છે. ગત-2017ની વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં પણ ડેડિયાપાડા મતવિસ્તાર ૮૪.૬૩ મતદાન સાથે સમગ્ર રાજ્યમાં મોખરે રહ્યો હતો. જ્યારે નાંદોદ વિધાનસભા મત વિસ્તારમાં ૭૪.૩૪ ટકા મતદાન નોંધાયું હતું.
જિલ્લાની ડેડિયાપાડા બેઠક 70.82 ટકા
નર્મદા જિલ્લો ગત વિધાનસભા 2012ની સામાન્ય ચૂંટણીમાં પણ ઉક્ત બંને બેઠકો માટે 82.21 ટકાની સરેરાશ ટકાવારી સાથે રાજ્યભરમાં મોખરે રહ્યો હતો, જેમાં ડેડિયાપાડા વિધાનસભા મત વિસ્તાર 88.31 મતદાન સાથે સમગ્ર રાજ્યમાં મોખરે રહ્યો હતો. અને નાંદોદ વિધાનસભા મત વિસ્તારમાં 77.07 ટકા મતદાન નોંધાયું હતું.અત્રે એ ઉલ્લેખનીય છે કે, ગત ૨૦૦૭ની વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં ડેડિયાપાડા મત વિસ્તારમાં 70.82 ટકા અને નાંદોદ મત વિસ્તારમાં 68.09ટકા મતદાન નોંધાયું હતું.2007ની વિધાનસભામાં પણ સૌથી વધુ મતદાનવાળી 15 જેટલી બેઠકોમાં નર્મદા જિલ્લાની ડેડિયાપાડા બેઠક 70.82 ટકા સાથે રાજ્યમાં મતદાનની ટકાવારીમાં પાંચમા ક્રમે રહી હતી.
નર્મદા જિલ્લામાં શરૂઆતથી જ ૭૩ ટકાની આસપાસ મતદાન
નર્મદા જિલ્લાની આ બંને બેઠકની ઐતિહાસિક અને વિક્રમસર્જક મતદાનની ઊંચી ટકાવારીના વિશ્લેષણ તરફ એક દૃષ્ટિપાત કરીએ તો, નર્મદા જિલ્લો શરૂઆતથી જ 73 ટકાની આસપાસ મતદાનની ટકાવારીમાં રાજ્યભરમાં અગ્રેસર રહ્યો છે. અત્રે એ પણ નોંધવું જરૂરી છે કે, ગત લોકસભા સામાન્ય ચૂંટણીઓ-2014માં જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ સ્વીપ અંતર્ગત મતદાર જાગૃતિની ઘનિષ્ઠ ઝુંબેશને લીધે જિલ્લામાં મતદાનની ટકાવારીનો ગ્રાફ ઊંચો રહ્યો હતો અને બહુલ આદિવાસી વસતી ધરાવતા નર્મદા જિલ્લો “ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝ”ની સાથોસાથ “લિમ્કા બુક ઓફ રેકોર્ડ્ઝ”માં પણ ગૌરવવંતુ સ્થાન પામતાં જિલ્લાના મતદારો આ ગૌરવના યશભાગી બન્યા હતા.