Business

રાજનાથ સિંહે રક્ષામંત્રીનો કાર્યભાર સંભાળ્યો, કહ્યું- સુરક્ષા સાથે અર્થતંત્રને પણ કરશે સપોર્ટ

નવી દિલ્હી: દેશની 18મી સંસદની રચના બાદ રાજનાથ સિંહને (Rajnath Singh) ફરી એકવાર રક્ષા મંત્રીની જવાબદારી સોપવામાં આવી હતી. તેમજ તેમણે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે જ રક્ષામંત્રી પદના (Defense Minister post) સપથ લીધા હતા. તેમજ હવે તેમણે આજે પોતાનો મંત્રી પદનો કાર્યભાર સંભાળી લીધો હતો. આ સાથે જ તેમણે કહ્યું હતું કે તેઓ માત્ર દેશની રક્ષા જ નહીં પણ દેશના અર્થતંત્રમાં પણ સહયોગ કરશે.

રક્ષામંત્રી રાજનાથ સિંહે ગુરુવારે દિલ્હીમાં ચાર્જ સંભાળ્યો હતો. જણાવી દઇયે કે તેમને સતત બીજી વખત આ જવાબદારી સોંપવામાં આવી છે. 2014માં ગૃહમંત્રીની જવાબદારી સંભાળનાર રાજનાથ સિંહ 2019થી સંરક્ષણ મંત્રાલય સંભાળી રહ્યા છે. ત્યારે સતત બીજી વખત સંરક્ષણ મંત્રાલય મળવા પર તેમણે કહ્યું હતું કે આગામી પાંચ વર્ષમાં તેમનો ઉદ્દેશ્ય દેશને સુરક્ષિત રાખવાનો અને આત્મનિર્ભર ભારતને આગળ વધારવાનો રહેશે. આ રીતે તેમણે દેશની અર્થવ્યવસ્થામાં યોગદાન આપવાનું પણ લક્ષ્ય રાખ્યું છે.

બીજી વખત રક્ષા મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ રાજનાથ સિંહે કહ્યું, “પીએમ મોદીએ મને ફરી એકવાર રક્ષા મંત્રાલયની જવાબદારી સોંપી છે. અમારી પ્રાથમિકતાઓ પહેલા જેવી જ રહેશે. તેમજ સુરક્ષા પર સંપૂર્ણ ધ્યાન આપવામાં આવશે. આપણે એક મજબૂત આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરીશું. અમે ડિફેન્સ મેન્યુફેક્ચરિંગમાં આત્મનિર્ભર બનવા માંગીએ છીએ. અમે 21,000 કરોડ રૂપિયાથી વધુના શસ્ત્રો અને સંરક્ષણ સાધનોની નિકાસ કરી છે. અમારું લક્ષ્ય આગામી પાંચ વર્ષમાં આ આંકડાને રૂ. 50,000 કરોડ સુધી લઈ જવાનો છે. અમને અમારી ત્રણ સેવાઓ પર ગર્વ છે: આર્મી, નેવી અને એરફોર્સ.”

ધર્મેન્દ્ર પ્રધાને પણ ચાર્જ સંભાળ્યો હતો

રાજનાથ સિંહ ઉપરાંત ધર્મેન્દ્ર પ્રધાને પણ આજે શિક્ષણ મંત્રીનો ચાર્જ સંભાળ્યો હતો. NEET પરીક્ષામાં કથિત હેરાફેરી અંગે તેમણે કહ્યું કે કોઈ કૌભાંડ થયું નથી. મામલો કોર્ટમાં છે અને તપાસ ચાલી રહી છે. હું તમામ બાળકો અને તેમના માતા-પિતાને ખાતરી આપવા માંગુ છું કે કોઈ અયોગ્ય રમત થઈ નથી. અમે કોર્ટનો આદેશ સ્વીકારીશું. ધર્મેન્દ્ર પ્રધાનની સાથે રાષ્ટ્રીય લોકદળના જયંત ચૌધરીને પણ શિત્રા મંત્રાલયમાં રાજ્યમંત્રીની જવાબદારી સોંપવામાં આવી હતી. જોકે જયંત ચૌધરીનું કામ ધર્મેન્દ્ર પ્રધાનને મદદ કરવાનું રહેશે.

Most Popular

To Top