Gujarat

રાજકોટની જેલમાં કોઈ હેરાનગતિ ન કરે તે માટે સાગઠીયાએ પ્રોટેક્શન મની તરીકે ચાર લાખ આપ્યાની ચર્ચા

ગાંધીનગર: (Gandhinagar) રાજકોટ (Rajkot) ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ કેસમાં રાજકોટ મનપાના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર આરોપી મનસુખ સાગઠીયાની રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ તેને રાજકોટ જેલમાં રાખવામાં આવ્યો હતો. આ જેલવાસ દરમિયાન સાગઠીયા પાસેથી માથાભારે શખ્સએ રૂપિયા 4 લાખ રૂપિયા પડાવ્યા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.

આ અંગે મળતી માહિતી મુજબ ગેમઝોન અગ્નિકાંડ મામલે ધરપકડ કરાયેલા આરોપી મનસુખ સાગઠીયાના રિમાન્ડ પૂરાં થયા બાદ જેલમાં રાખવામાં આવ્યા છે. આ જેલમાં અન્ય ગુનાઓમાં સંડોવાયેલા માથાભારે શખ્સો દ્વારા સાગઠીયાને બેરેકની બહાર શૌચાલયની બાજુમાં સુવા માટે મજબૂર કરાયા હતા. સાથે જ આ માથાભારે શખ્સ દ્વારા તેને પરેશાન કરવામાં આવતા હતા. જો આ બધી પરેશાનીનો સામનો ન કરવો હોય તો, તેને પ્રોટેક્શન મની આપવી પડશે, તેવી વાત માથાભારે શખ્સે કરી હતી.

આમ મળતી માહિતી મુજબ મનસુખ સાગઠીયાએ ચાર લાખ રૂપિયાની વ્યવસ્થા કરી આપી હતી. બીજી તરફ હાલમાં આરોપી મનસુખ સાગઠીયાની એસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે, અને તે એસીબીના રિમાન્ડ પર છે. પરંતુ રિમાન્ડ પૂર્ણ થયા બાદ ફરી પાછું જેલમાં જવાનું હોવાથી કોઈ પ્રકારની તેને કોઈ હેરાનગતિ ન કરે તે માટે રૂપિયા 4 લાખની પ્રોટેક્શન મની સાગઠીયા દ્વારા આપવામાં આવી હોવાની વાત બહાર આવી છે. આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આવી નથી, પરંતુ સાગઠીયા દ્વારા ચાર લાખ આપવામાં આવ્યા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.

સાગઠિયાની કરોડોની બેનામી પ્રોપર્ટીના કૌભાંડની તપાસ માટે એસીબીએ સીટની રચના કરી
ગાંધીનગર: ટીઆરપી ગેમ ઝોન આગકાંડમાં રાજકોટ મનપાના ટાઉન પ્લાનર મનસુખ સાગઠિયાની કરોડોની બેનામી પ્રોપર્ટીના કૌભાંડની તપાસ કરવા માટે આજે એસીબી દ્વારા એક નવી સીટની રચના કરાઈ છે. એસીબી દ્વારા તાજેતરમાં રાજકોટમાં સાગઠિયાની ખાનગી સીલ કરેલી ઓફિસમાં દરોડો પાડીને તેમાંથી 3 કરોડ રોકડા તથા 15 કરોડનું સોનું તથા વિદેશી ચલણી નોટો જપ્ત કરી લીધી છે. આ ઉપરાંત અગાઉ સાગઠિયાની 10 કરોડની બેનામી પ્રોપર્ટી પણ જપ્ત કરી લેવાઈ છે.

સાગઠિયાની બેનામી પ્રોપર્ટીની તપાસ કરવા આજે રચાયેલી 6 સભ્યોની સીટમાં (1) એસીબીના અધિક ડાયરેકટર, (2) એસીબીના ગાંધીનગરના ડીવાયએસપી (3) એસીબીના ડીવાયએસપી કે. એચ. ગોહિલ (4) એસીબીના પોઈ એમ. એમ. લાલીવાલ (5) એસીબીના રાજકોટના પોઈ જે. એમ. આલ અને (6) એસીબીના કાનુની સલાહકાર વી. બી. ગુપ્તાનો સમાવેશ થાય છે.

Most Popular

To Top