Gujarat

યુવતીને માતાજી આવે છે કહી સાસરિયા ત્રાસ આપતા, યુવતીના માતા-પિતા આવતા તો તેમની સાથે પણ…

રાજકોટ: રાજકોટ (Rajkot) શહેરના ભગવતીપરા વિસ્તારમાં માતા પિતા સાથે રહેતી અને મહારાષ્ટ્રમાં (Maharastra) સાસરું ધરાવતી યુવતીએ ત્રાસ આપનાર સાસરિયાં સામે ફરિયાદ નોંધાવી હતી. તેમણે ફરિયાદમાં નોંધાવ્યું છે કે, તમારી દીકરીને માતાજી આવે છે તેમ કહી તેના સાસરિયા પરિણીતાને તેના પતિ સાથે રહેવા દેતા નહીં અને પતિ દ્વારા તેની મારપીટ કરવામાં આવતી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, ભગવતીપરામાં રહેતી અશ્વિની પાટીલે મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મહારાષ્ટ્રના શિરપુર તાલુકાના ઝવડ ગામે રહેતા પતિ હેમરાજ પાટીલ, સાસુ સિંધુબાઇ પાટિલ, સસરા નારાયણ માનિક પાટિલ અને બે નણંદ નલિની તથા જ્યોત્સના પાટિલના નામ આપ્યા હતા. અશ્વિનીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, દસ વર્ષ પૂર્વે તેના લગ્ન હેમરાજ પાટીલ સાથે થયા હતા અને સંતાનમાં બે પુત્ર છે. લગ્નના બે મહિના પછી પતિ સહિતના સાસરિયાનો ત્રાસ શરૂ થયો હતો, સાસરિયાઓ અશ્વિનીને ઘરમાં કયાંય અડવા દેતા નહોતા. ઉપરાંત તને માતાજી આવે છે જેથી તમે પતિ-પત્ની સાથે રહી શકો નહીં તેમ કહી અશ્વિનીને મકાનના નીચેના રૂમમાં એકલી રાખવામાં આવતી હતી. જેમાં લાઇટ કે પંખા જેવી સામાન્ય વ્યવસ્થા પણ નહોતી, પતિ મારપીટ કરતો હતો અને અશ્વિનીના માતા-પિતા ત્યાં જતાં તો તેમની સાથે પણ મારપીટ કરવામાં આવતી હતી. સાસરિયાના ત્રાસથી કંટાળી અશ્વિની બંને સંતાનો સાથે રાજકોટ પિયર આવી ગઇ હતી. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.

વાંકાનેડાની પાટીચાલમાં 62 હજારના દારૂ સાથે બે મહિલા ઝડપાઈ
પલસાણા: પલસાણાના વાંકાનેડા ગામે પાટીચાલ ખાતે રહેતી એક વિધવા તેના પુત્ર તથા પુત્રવધૂ સાથે મળી વિદેશી દારૂનો ધંધો કરતી હોવાની બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલને મળતાં તેમણે અલગ અલગ બે સ્થળે રેઇડ કરી ૬૨ હજારથી વધુનો દારૂ કબજે કરી બે મહિલાને ઝડપી પાડ્યા હતા. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે ઇસમને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ કડોદરા પોલીસમથકની હદમાં પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે તેમને બાતમી મળી હતી કે, પલસાણાના વાંકાનેડા ગામે પાટીચાલ ખાતે રહેતી એક વિધવા મહિલા તેનો પુત્ર તથા તેની વહુ મળીને વિદેશી દારૂનો ધંધો કરી રહ્યા છે. જેના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વાંકાનેડા ગામે પાટીચાલ ખાતે આવી બાતમીવાળા ગલ્લામાં તપાસ કરતાં તેમાં બેઠેલા લક્ષ્મીબેન વાડીલાલભાઇ પટેલને પોલીસે ઝડપી પાડી ગલ્લામાં વિદેશી દારૂ તથા બિયરનો જથ્થો કબજે કર્યો હતો. તેમજ તેમના ઘરે જઇ તપાસ કરતાં ત્યાંથી પણ વિદેશી દારૂ દારૂનો જથ્થો મળી કુલ બાટલી નંગ ૩૨૪ કિંમત ૬૨૨૧૦ રૂપિયા તથા રોકડ મળી કુલ ૬૩૧૧૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી પોલીસે દારૂનું વેચાણ કરતાં લક્ષ્મી વાડીલાલ પટેલ, હિના જિગ્નેશ પટેલને પોલીસે ઝડપી પાડ્યા હતા. તેમજ જિગ્નેશભાઇ પટેલ તથા દારૂ આપનાર સન્ની ઉર્ફે સોહન કિશોરભાઇ પટેલને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી હતી.

Most Popular

To Top