Gujarat

રાજકોટના નેતાઓ CMને ભલામણ કરવા ગયા પણ દાદાએ ખખડાવી નાંખ્યા

ગાંધીનગર : ફાયર સેફટી તથા બીયુ પરમીશનના મુદ્દે રાજકોટ સહિત તમામ મહાનગર પાલિકામાં હાલ સીલ મારવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે સમગ્ર મામલે ગુજરાત હાઈકોર્ટે હવે લાલ આંખ કરતાં રાજકોટ મનપાની ભાજપની નેતાગીરી આજે ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના શરણે આવી ગઈ હતી. જે મિલકતોની સીલ લગાવાયા છે, તેના માલિકોએ વચલો માર્ગ કાઢીને સીલ ખોલી નાંખવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.

જો કે આંતરિક જાણકાર સૂત્રોના કહેવા મુજબ મુખ્યમંત્રીએ રાજકોટ ભાજપની નેતાગીરીને ઠપકો આપ્યો છે કે, આ ગેમઝોન ગેરકાયદે હતો તો 2021થી 2024 સુધી કેવી રીતે ચાલ્યો… ? કેમ કોઈ જવાબદાર હોદ્દેદારની આ બાબત પર નજર નહીં પડી અને નજર હતી તો તેને તાત્કાલિક બંધ કેમ નહીં કરાવ્યો? સમગ્ર મામલો હાલમાં તો ગુજરાત હાઈકોર્ટની ડિવીઝન બેંચ સમક્ષ પડતર છે ત્યારે સરકારને આ મામલે કોઈ પણ નિર્ણય લેતા પહેલા કાનૂની સલાહ લેવી પડે તેવુ સીએમ પટેલે વલણ અપનાવ્યુ છે.

રાજકોટના મેયર, ડે. મેયર , સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, રાજકોટના એકાદ ઘારાસભ્ય, રાજકોટ ભાજપના મનપાના નેતા સહિતના અગ્રણીઓ બપોર પછી સીએમ ભૂપેન્દ્ર પટેલને મળ્યા હતા. સીએમ પટેલે રાજકોટ મનપાના પદાધિકારીઓની રજૂઆત શાંતિથી સાંભળી પણ હતી. એટલું જ નહીં કાનૂની સલાહ લેવાશે, તેમ જવાબ આપ્યો હોવાનું જાણવા મળ્યુ છે. ગુજરાત હાઈકોર્ટની ડિવીઝન બેન્ચે તાજતેરમાં સુનાવણી દરમિયાન રાજ્ય સરકારને એવો પ્રશ્ન કર્યો હતો કે , તમે રાજકોટ મનપાના કમિશ્નરને સસ્પેન્ડ કેમ ના કર્યા ?

તાજેતરમાં દાદા દિલ્હીથી પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારની શપથ વિધીમાંથી પરત આવ્યા છે એટલું જ નહીં, હાઈકમાન્ડના નેતાઓ સાથે અલગ અલગ બેઠક કરી છે, જેમાં દાદાને નબળી સરકાર તથા વહીવટીતંત્ર પર કોઈ કાબૂ જ નથી, તેવી છાપ દૂર કરવા જરૂર પડે આકરા પગલા લેવા પડે તો લ્યો…પરંતુ સ્થિતિ એકદમ કાબૂમાં રાખો, તેવી સલાહ અપાઈ છે. જેના પગલે જેવા દાદા બપોરે લંચ પછી ઓફિસ આવ્યા કે તુરંત જ સુરતમાં ડુમ્મસની જમીન સરકારી પડતર હોવા છતાં , તેમાં ગણોતિયો કેવી રીતે દાખલ થઈ ગયો તે મામલે પીએમઓના મેઈલના પગલે ઊંડી તપાસ બાદ સુરતના તત્કાલીન કલેકટર આયુષ ઓકને સસ્પેન્ડ કરીને તેમને સસ્પેશન દરમ્યાન પાટણ ખાતે પોસ્ટિંગ આપ્યુ છે.

હવે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન મામલે સીએમ ભૂપેન્દ્ર પટેલ આકરૂ વલણ અપનાવે તેવી પૂરેપૂરી સંભાવના છે.એકાદ આઈએએસ કે આઈપીએસ સસ્પેન્ડ થાય તેવી સંભાવના નકારી શકાય નહીં, બીજુ કે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન મામલે જે રીતનો ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે, તે જોતા ભાજપ શાષિત રાજકોટ મનપા સુપરસીડ થવાની સંભાવના પણ નકારી શકાય નહીં, કારણ કે અગાઉ રાજય સરકારે મોરબી નગરપાલીકામા પોતાનું શાસન હોવા છતાં તેને સુપર સીડ કરી હતી.

Most Popular

To Top