રાજકોટ: રાજકોટમાં મહિલા તબીબે વાકાનેરમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મહિલા હોમિયોપેથી ડોક્ટર હતી. દીકરીના મોત બાદ માતાએ પરિવારજનો સામે ગંભીર આરોપો લગાવ્યા છે. માતાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, મારી દીકરીને સાસરિયાઓએ 10 વર્ષ સુધી સખત ત્રાસ આપ્યો, તેનો દિયર બેફામ ગાળો ભાંડતો હતો. ઘટનાને પગલે ડોક્ટર પિતાને સાંત્વના પાઠવવા ડોક્ટર મિત્રો સિવિલ હોસ્પિટલ ઉમટી પડ્યા હતા. પોલીસે તેના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો.
રાજકોટના વાંકાનેરમાં રહેતા જાનકીબેન રજનીભાઈ વોરાએ બુધવારના રોજ પોતાના જ ઘરે ગળેફાંસો ખાઇને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે બાદમાં સારવાર અર્થે જાનકીબેનને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે સારવાર દરમ્યાન જાનકીનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવા સિવિલ હોસ્પિટલમાં જાનકીના મૃતદેહને ખસેડવામાં આવ્યો હતો. જાનકીના મૃત્યુના સમાચાર સાંભળી પોસ્ટમોર્ટમ રૂમે પરિવારજનો અને તબીબો દોડી આવ્યા હતા. પરિવારના લોકો લાડકી દીકરીના આપઘાતના આઘાતમાં આંસુ સારતા નજરે પડ્યા હતા. મૃતક જાનકીના 10 વર્ષ રજનીક સુરેશભાઈ વોરા સાથે લગ્ન થયા હતા. તેને સંતાનમાં એક પાંચ વર્ષની દીકરી છે. પતિ રજનીક સુરેશભાઈ વોરા વાંકાનેરની પીરમસાયક હોસ્પિટલમાં ઓર્થોપેડિક તબીબ છે. તેમજ જાનકીએ હોમિયોપેથિક તબીબનો અભ્યાસ કર્યો છે. તે હાલ ઘરકામ કરતી હતી. જાનકીના પિતા મનસુખભાઈ રામજીભાઈ ઘોરવાડિયા રાજકોટની યસ હોસ્પિટલમાં એનેસ્થેશિયા વિભાગમાં તબીબ છે.
દિયર બેફામ ગાળો ભાંડતો હતો : માતાનો આક્ષેપ
મૃતકના માતા-પિતાએ આક્ષેપ કર્યો છે કે, જાનકીના પતિ, સાસુ, સસરા, દિયર, કાકાજી, કાકીજી સહિતે ખૂબ ત્રાસ આપ્યો છે. સાસરિયાવાળાઓને સમજાવીએ તો તેઓ છૂટાછેડા આપવાનું દબાણ કરતા હતા. મારી દીકરી આબરૂ જવાના ડરે અને હમણા બધું સારું થઈ જશે તેમ વિચારીને મૂંગા મોઢે સહન કરતી હતી. 11 તારીખે જાનકીની વર્ષગાંઠ હતી. ત્યારે લગ્ન જીવનના 10 વર્ષ પૂર્ણ કર્યાના ગણતરીના જ દિવસોમાં આ પ્રકારે પરિણીતાએ પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે.
જાનકીના માતા લતાબેને રડતા રડતા જણાવ્યું હતું કે, તેના દિયર અને સાસુનો સખત ત્રાસ રહેતો હતો. મારી દીકરી સાસરિયાવાળા સાથે રહેતી ત્યારે તેનો દિયર ખૂબ જ અપશબ્દો કહેતો. મારી દીકરી ભણેલી ગણેલી છે, ડોક્ટર છે છતાં મારી દીકરીને અસહ્ય ત્રાસ આપવામાં આવ્યો હતો. મારી દીકરીને 5 વર્ષની દીકરી છે પરંતુ આ પગલું શું કામ ભરે? પરંતુ સખત ત્રાસથી કંટાળી મારી દીકરીએ આ પગલું ભરી લીધું છે. તેના દિયર સંદિપને એવું છે કે, મારે રાજકારણીઓ સાથે સંબંધો વધારે છે, મારા સસરા ખુદ વકીલ છે એટલે મને કોઈ કંઇ નહીં કરી શકે.
જમાઈએ ટોર્ચરિંગ કરી આપઘાતમાં ખપાવવા ટ્રાય કરી હશે : પિતા
જાનકીના પિતા ડો.મનસુખ ઘોરવાડિયાએ જણાવ્યું હતું કે, મારી દીકરી જાનકીનું વાંકાનેરમાં મૃત્યુ થયું છે, એમાં મને શંકા છે કે, મારા જમાઇએ ટોર્ચરિંગ કરી આપઘાતમાં ખપાવવા ટ્રાય કરી હોય એવું લાગે છે. પોતે પોતાની રીતે ટ્રીટમેન્ટ કરી રાજકોટ ખાનગી હોસ્પિટલમાં શિફ્ટ કરી હતી. પરંતુ અહીં તેને મૃત જાહેર કરવામાં આવી હતી. આથી મારી અરજ છે કે, આરોપી જમાઇને સખતમાં સખત સજા થાય, શંકાના દાયરામાં મારા જમાઇ પછી તેના મમ્મી ઇન્દુબેન, તેનો ભાઇ સંદિપ, તેના કાકા અજયભાઇ અને તેના કાકીજી પુષ્પાની ચડામણી 100 ટકા છે, આથી મને ન્યાય અપાવો, હું કાયદેસર ફરિયાદ કરવા માગું છું. જો કે મહિલાના આપઘાતના પગલે પાંચ વર્ષની દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી છે.