Gujarat

રાજકોટ અગ્નિકાંડ: દસ્તાવેજો સાથે ચેડા કરવા બદલ બે સ્થાનીય અધિકારીઓની ધરપકડ, પાંચ દિવસના રિમાંડ

રાજકોટ: (Rajkot) રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના બે અધિકારીઓની ગયા મહિને થયેલી ગેમિંગ ઝોનમાં (Gaming Zone) આગની ઘટનાને લગતા દસ્તાવેજો સાથે ચેડા કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. તેમના પાંચ દિવસના રિમાંડ મંજૂર કરવામાં આવ્યા છે. પોલીસે રવિવારે આ જાણકારી આપી. પોલીસે જણાવ્યું હતું કે આ સાથે રાજકોટ શહેરના TRP ગેમિંગ ઝોનમાં 25 મેના રોજ બનેલી ઘટનાના સંદર્ભમાં અત્યાર સુધીમાં છ સરકારી કર્મચારીઓ સહિત 12 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આગની આ ઘટનામાં 28 લોકોના મોત થયા હતા.

મદદનીશ ટાઉન પ્લાનીંગ ઓફિસરની ધરપકડ
શહેર ક્રાઈમ બ્રાન્ચે શનિવારે રાજકોટ મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર રાજેશ મકવાણા અને મદદનીશ ઈજનેર જયદીપ ચૌધરીની આગની ઘટના બાદ સત્તાવાર રજિસ્ટર સાથે ચેડા કરવાના આરોપમાં ધરપકડ કરી હતી. ડેપ્યુટી પોલીસ કમિશનર (ક્રાઈમ) પાર્થરાજસિંહ ગોહિલે આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે આગની ઘટના પછી તેઓએ TRP ગેમિંગ ઝોન સંબંધિત સરકારી દસ્તાવેજો સાથે છેડછાડ કરી હતી. તેઓએ નકલી દસ્તાવેજો પણ બનાવ્યા હતા. તેમની ધરપકડ બાદ તેમને દસ્તાવેજો સાથે ચેડા કરવાનું કહેનાર લોકોના ચેહરા બહાર આવી શકે છે. ગોહિલે કહ્યું કે અત્યાર સુધી અમે TRP ગેમિંગ ઝોનમાં લાગેલી આગના સંબંધમાં છ સરકારી કર્મચારીઓ અને અન્ય છ લોકોની ધરપકડ કરી છે.

અગાઉ જે ચાર સરકારી કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી હતી તેમાં રાજકોટના ટાઉન પ્લાનિંગ ઓફિસર એમડી સાગઠિયા, મદદનીશ ટાઉન પ્લાનિંગ ઓફિસર મુકેશ મકવાણા અને ગૌતમ જોષી અને કાલાવડ રોડના ભૂતપૂર્વ ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાનો સમાવેશ થાય છે. ગત ગુરુવારે ગેમિંગ ઝોનના કો-ઓનર અશોકસિંહ જાડેજાએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. જાડેજા ‘ટીઆરપી ગેમિંગ ઝોન’ના છ માલિકોમાંથી એક છે. તેમાંથી પાંચની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવી છે અને 25 મેના રોજ આગમાં એકનું મોત થયું હતું. આ કેસમાં ગેમિંગ ઝોનના એક મેનેજરની પણ ધરપકડ કરવામાં આવી છે.

એક ગેમિંગ ઝોન માલિક આગમાં મૃત્યુ પામ્યો હતો
પોલીસના જણાવ્યા અનુસાર કેસની તપાસ દરમિયાન એવી પુષ્ટિ થઈ હતી કે એક સહ-માલિક પ્રકાશ હિરેન આગમાં બળીને મૃત્યુ પામ્યો હતો કારણ કે આગ લાગી ત્યારે તે ગેમિંગ ઝોનની અંદર હાજર હતો. સીસીટીવી કેમેરાના ફૂટેજમાં બહાર આવ્યું છે કે ગ્રાઉન્ડ ફ્લોર પર વેલ્ડીંગના કામ દરમિયાન થર્મોકોલ (પોલિએસ્ટર) શીટ્સ પર તણખા પડતાં આગ લાગી હતી. ત્યાં હાજર કર્મચારીઓએ અગ્નિશામક સાધનોની મદદથી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આગ પ્રસરી ગઈ હતી અને ગેમિંગ ઝોનને લપેટમાં લીધું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર આ ગેમિંગ ઝોન રાજકોટ મહાનગરપાલિકાના ફાયર વિભાગના ફાયર સેફ્ટી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ વગર ચલાવવામાં આવી રહ્યું હતું. જણાવી દઈએ કે રાજકોટની ઘટના બાદ રાજ્યભરના કેટલાક ગેમિંગ ઝોન અને અન્ય મનોરંજન કેન્દ્રોને સીલ કરવામાં આવ્યા હતા અને કોઈપણ પરવાનગી વિના આવી સુવિધાઓ ચલાવવા બદલ તેમના માલિકો સામે એફઆઈઆર પણ નોંધવામાં આવી હતી.

Most Popular

To Top