ગાંધીનગર: વિધાનસભામાં રાજકોટ (Rajkot) અને દાહોદ (Dahod) જિલ્લામાંથી પકડાયેલા ડ્રગ્સ (Drugs) મુદ્દે પૂછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, તા.૩૧મી ડિસેમ્બર ૨૦૨૨ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં રાજકોટ શહેરમાં પોલીસ દ્વારા ૨૬ દરોડાઓ પાડી ૪૧ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ દરોડામાં ૯.૪૧ લાખનો ગાંજો, રૂ.૪.૫૦ લાખના પોષડોડા, રૂ. ૧૬ હજારનું હેરોઇન અને રૂ.૨૫.૧૮ લાખનું મેફેડ્રન ડ્રગ્સ પકડવામાં આવ્યું છે.
એવી જ રીતે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાંથી પોલીસ દ્વારા ૨૦ સફળ દરોડા પાડીને ૩૫ આરોપીઓની ધરપકડ કરી કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં રૂ.૪૨.૬૮ લાખનો ગાંજો તેમજ રૂ.૨૫ હજારનું ચરસ જપ્ત કરવામાં આવ્યું છે.
દાહોદ જિલ્લામાંથી પોલીસ દ્વારા ૯ દરોડા પાડીને ૧૫ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં રૂ.૫૬.૦૬ લાખનો ગાંજો, રૂ.૫૧.૯૩ લાખના અફીણના ઝીંડવા (પોષ ડોડા) અને રૂ. ૨.૭૪ લાખના લીલા-સૂકા અફીણ પોષ ડોડા તથા અફીણના છોડ પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.