રાજકોટ: (Rajkot) રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે (Crime Branch) આયુર્વેદિક કફ સિરપ ભરીને લઈ જતી 5 ટ્રક ઝડપી પાડી છે. પોલીસે ટ્રકોને અટકાવી તલાશી લેતાં તેમાંથી જુદી જુદી 6 જેટલી આયુર્વેદિક (Ayurvedic) બ્રાન્ડની 73,275 સિરપની બોટલ મળી આવી છે. પોલીસના જણાવ્યા મુજબ આ બોટલોની અંદાજિત કિંમત 73.27 લાખ રૂપિયા છે. આ સિરપની બોટલોમાં આલ્કોહોલ કે અન્ય કયા નશીલા પદાર્થ છે તે જાણવા માટે FSL તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની મદદ લેવાઈ રહી છે.
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે 5 ટ્રક ભરીને લઈ જવાતી આયુર્વેદિક કફ સિરપની બોટલો ઝડપી પાડી
દારૂ, ડ્રગ્સની લત બાદ હવે આયુર્વેદિક સિરપનું ચલણ યુવાનોમાં વધતું જોવા મળી રહ્યું છે
સિરપનો આ જથ્થો ક્યાંથી આવ્યો અને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે
રાજકોટના યુવાઓ અલગ જ પ્રકારના નશાના રવાડે ચઢ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. દારૂ, ડ્રગ્સની લત બાદ હવે આયુર્વેદિક સિરપનું ચલણ યુવાનોમાં વધતું જોવા મળી રહ્યું છે. આ દૂષણને અટકાવવા રાજકોટ પોલીસે કમર કસી છે. રાજકોટ શહેરમાં પાનની દુકાનો પર આયુર્વેદિક સિરપના નામે નશીલા પદાર્થ વેચાતા હોવાની ફરિયાદ પોલીસને મળી હતી. જેના આધારે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ અને SOG પોલીસને કડક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી.
દરમિયાન રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે રાજકોટ શહેરમાં આયુર્વેદિક સિરપની બોટલોનો વિશાળ જથ્થો સપ્લાય માટે આવી રહ્યો છે. જેને લઈ પોલીસે હાઈવે તેમજ આંતરિક રસ્તાઓ ઉપર વોચ ગોઠવી હતી. જે દરમ્યાન પોલીસને રાજકોટ ઉપરાંત આસપાસના જિલ્લામાં સપ્લાય માટે નીકળેલી 5 ટ્રક મળી આવી હતી. આ ટ્રકોમાંથી પોલીસને અલગ અલગ 6 જેટલી આયુર્વેદિક બ્રાન્ડની 73,275 સિરપની બોટલ મળી આવી હતી. કહેવાય છે કે આ બોટલોની કિંમત રૂપિયા 73.27 લાખ જેટલી થાય છે.
પોલીસે સિરપમાં આલ્કોહોલનું પ્રમાણ જાણવા માટે સેમ્પલ એફએસએલમાં મોકલી આપ્યા છે. ઉપરાંત ફૂડ એન્ડ ડ્રગ વિભાગને પણ આ અંગેની તપાસ સોંપાઈ છે. આ સિરપનો રિપોર્ટ આવ્યા બાદ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સિરપનો આ જથ્થો ક્યાંથી આવ્યો અને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.