Gujarat

રાજકોટ ક્રિકેટ સ્ટેડિયમનું નામ બદલાશે, IND vs ENG ની ત્રીજી ટેસ્ટ પહેલા સ્ટેડિયમને અપાશે આ નવું નામ

રાજકોટ: (Rajkot) રોહિત શર્માની કપ્તાનીમાં ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી રમી રહી છે. ભારતીય ટીમને ઈંગ્લેન્ડ સામેની પ્રથમ મેચમાં 28 રને હારનો સામનો કરવો પડ્યો હતો પરંતુ આ પછી ભારતીય ટીમે ધમાકેદાર વાપસી કરી અને બીજી મેચ 106 રને જીતી લીધી. આ જીત સાથે ભારતીય ટીમે શ્રેણી 1-1થી બરાબર કરી લીધી છે. બંને ટીમો વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના મેદાનમાં (Saurashtra Cricket Association Ground) રમાવાની છે. પરંતુ હવે આ સ્ટેડિયમનું નામ મેચ પહેલા જ બદલવામાં આવશે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ પહેલા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમનું નામ ભૂતપૂર્વ ફર્સ્ટ ક્લાસ પ્લેયર અને વરિષ્ઠ એડમિનિસ્ટ્રેટર નિરંજન શાહના નામ પર રાખવામાં આવશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 15 ફેબ્રુઆરીથી અહીં શરૂ થઈ રહેલી ત્રીજી ટેસ્ટની પૂર્વસંધ્યાએ ખંડેરી ખાતેના સ્ટેડિયમનું નામ બદલીને નિરંજન શાહ સ્ટેડિયમ રાખવામાં આવશે એમ SCA મીડિયાના એક નિવેદનમાં જણાવાયું છે. પ્રથમ મેચના 11 વર્ષ બાદ સ્ટેડિયમના નવા નામનું અનાવરણ બીસીસીઆઈ સેક્રેટરી જય શાહ દ્વારા કરવામાં આવશે.

નિરંજન શાહની ક્રિકેટ કારકીર્દી
નિરંજન શાહે 1960 ના દાયકાના મધ્યથી 1970 ના દાયકાની શરૂઆતમાં સૌરાષ્ટ્ર માટે 12 ફર્સ્ટ-ક્લાસ મેચ રમી હતી. તે દેશના સૌથી વરિષ્ઠ ક્રિકેટ એડમિનિસ્ટ્રેટર્સમાંથી એક છે અને SCA પર લાંબા સમયથી પ્રભાવ ધરાવે છે. તેમના પુત્ર અને ભૂતપૂર્વ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર જયદેવ શાહ સ્થાનિક ક્રિકેટ ગવર્નિંગ બોડીના વર્તમાન પ્રમુખ છે. જયદેવે સૌરાષ્ટ્રની કેપ્ટનશિપ પણ કરી હતી અને આઈપીએલમાં પણ રમ્યા હતા. નિરંજન શાહે 12 ફર્સ્ટ ક્લાસ મેચમાં 281 રન બનાવ્યા છે.

Most Popular

To Top