રાજકોટ: (Rajkot) રાજકોટમાં રખડતા ઢોરની સમસ્યા વિકટ બની ગઈ છે. રવિવારે શહેરમાં સંત કબીર રોડ પર શાકમાર્કેટમાં (Vegetable market) એક ગાયે (Cow) બે વર્ષની બાળકીને (2 years old girl) ઢીંક મારી તેનો જીવ લેવા પ્રયાસ કર્યો હતો. જોકે, બાળકીની માતાએ ગાય સાથે બાથ ભીડી બચાવી લીધી હતી. બાદમાં બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અહીં તેને માથામાં 10 ટાકા આવ્યા હતા.
- રાજકોટના સંતકબીર રોડ ઉપર રહેતા લીલાવતીબેન દીકરી સાથે બજારમાં શાકભાજી ખરીદવા ગયા હતા
- બજારથી પરત ફરતી વેળા ગાયે માતા-પુત્રી પર પાછળથી હુમલો કર્યો હતો
- બે વર્ષની બાળકીને ઢસડીને પગથી ખૂંદી નાંખી હતી, માતાએ ગાય સાથે બાથ ભીડતા પુત્રીનો જીવ બચ્યો
- ગાયની ઢીંકથી બાળકીનું માથુ ફાટી ગયું જેથી 10 ટાકા આવ્યા : જાગનાથમાં ગાયે ટલ્લો મારતાં વૃદ્ધાને ગંભીર ઈજા
સંતકબીર રોડ ઉપર આંબાવાડીમાં રહેતા લીલાવતીબેન સંજયભાઈ પ્રજાપતિ રવિવારે બપોરના સમયે તેમની બે વર્ષીય પુત્રી આસી સાથે બજારમાં હટાણું કરવા ગયા હતા. ત્યારે પરત ફરતી વેળાએ ગાયે માતા-પુત્રીને પાછળથી શીંગડામાં ભરાવી ઉછાળીને પટકી હતી. 2 વર્ષની બાળકીને ઢસડીને પગ વડે ખૂંદી નાખી હતી. ઈજાગ્રસ્ત પુત્રીને છોડવા ગયેલી માતાએ ગાય સાથે બાથ ભીડતા પુત્રીનો જીવ બચી ગયો હતો.
ગાયના મારથી પુત્રીને બચાવવા પડેલી માતાનો સાહસ જોઈ અન્ય શાકભાજીના ધંધાર્થી અને ફ્રૂટના ધંધાર્થીઓએ દોડી જઈ લાકડી વડે ગાયને માર મારી માતા-પુત્રીને છોડાવ્યા હતા. ઈજાગ્રસ્ત માતા-પુત્રીને કુવાડવા રોડ પર આવેલી ગોકુલ હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બાળકીનું માથું ફાટી જતા ડોક્ટર દ્વારા 10 ટાકા લેવામાં આવ્યા હતા. જ્યારે માતાના પગમાં ગાયના હુમલાને કારણે ઇજા થઇ હતી.
બીજા બનાવમાં જાગનાથમાં મહિલા અંડરબ્રિજ પાસે ગાયોના ટોળામાં રોટલી દેવા ગયેલા લાભુબેન ચંદુલાલ સિસોદિયા (ઉં.વ 70)ને એક ગાયે ઢીંક મારી ઉલાળતા ગંભીર ઇજા થઈ હતી. બનાવ અંગેની જાણ થતા પરિવારજનોએ દોડી જઈ ગંભીર વૃદ્ધાને સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.
તમને જણાવી દઈએ કે બે મહિના પહેલાં રાજકોટ ઉપરાંત સુરત, વડોદરા અને અમદાવાદમાં રખડતાં ઢોરનો મુદ્દો ખૂબ ગાજ્યો હતો. રાજકોટમાં રખડતાં ઢોરથી પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ હોઈ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિશેષ પોલિસી બનાવવામાં આવી છે. રાજકોટમાં રખડતાં ઢોરના કિસ્સામાં પશુપાલકોને દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે. સુરતમાં પશુઓ પર ચીપ લગાડવાની પોલીસી બનાવાઈ છે, તો અમદાવાદ અને વડોદરામાં મોટા પાયે રખડતા ઢોરને પાંજરે પૂરવાનું અભિયાન ચલાવવામાં આવ્યું હતું, તેમ છતાં હજુ સુધી રખડતા પશુઓની સમસ્યાથી શહેરોને છૂટકારો મળ્યો નથી.