બોલિવૂડમાં જેમ ફિલ્મસ્ટારોનો ઇતિહાસ લખાય છે તેમ તેમના બંગલાનો પણ ઇતિહાસ પ્રસિદ્ધ હોય છે. અમિતાભ બચ્ચનનો પ્રતીક્ષા બંગલો જેમ વિખ્યાત છે તેમ શાહરૂખ ખાનનો મન્નત બંગલો પણ વિશ્વપ્રસિદ્ધ છે. દર રવિવારે સવારે તેમનાં હજારો ચાહકો પોતાના માનીતા સ્ટારની ઝલક મેળવવા માટે બંગલાની બહાર ટોળે વળતાં હોય છે. કોઈ કાળે ચેમ્બુરમાં રાજ કપૂર પરિવારનો આર. કે. સ્ટુડિયો પણ વિખ્યાત હતો. જો કે તે બધા વચ્ચે રાજેશ ખન્નાનો આશીર્વાદ બંગલો કોઈ અલગ જ મહત્ત્વ ધરાવે છે. આશીર્વાદ બંગલો રાજેશ ખન્ના ઉપરાંત પચાસના દાયકાના વિખ્યાત ફિલ્મસ્ટાર રાજેન્દ્ર કુમારના પણ ઉત્થાન અને પતનનો સાક્ષી હતો. રાજેન્દ્રકુમારે તે બંગલો ૧૯૫૯માં માત્ર ૬૫,૦૦૦ રૂપિયામાં ખરીદ્યો હતો. તેમણે ૧૯૬૯માં રાજેશ ખન્નાને તે બંગલો સાડા ત્રણ લાખ રૂપિયામાં વેચ્યો હતો. વર્ષ ૨૦૧૪માં આ બંગલો ૯૦ કરોડ રૂપિયામાં વેચાયો હતો. તેના સ્થાને આજે બહુમાળી ઈમારત ઊભેલી જોવા મળે છે.
દરિયાકિનારે આવેલો આશીર્વાદ બંગલો રાજેશ ખન્નાનાં લાખો ચાહકો માટે આકર્ષણનું કેન્દ્ર હતો. ૬૦૩ ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવતો આ સી-ફેસિંગ બંગલો ઓલકાર્ગો લોજિસ્ટિક્સ કંપનીના એક્ઝિક્યુટિવ ચેરમેન શશિ કિરણ શેટ્ટીએ દસ વર્ષ પહેલાં ૯૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. બંગલો વેચતાંની સાથે જ વિવાદ શરૂ થયો હતો. રાજેશ ખન્નાના લિવ-ઈન પાર્ટનર હોવાનો દાવો કરતી અનિતા અડવાણીનું કહેવું હતું કે તે બંગલાના વેચાણનો વિરોધ કરશે. અનિતાએ કહ્યું હતું કે તે આ બંગલામાં એક મ્યુઝિયમ બનાવશે અને રાજેશ ખન્નાની પણ આ જ ઈચ્છા હતી. અનિતા તેમના અંતિમ દિવસોમાં રાજેશ ખન્ના સાથે રહેતી હતી. જો કે છેવટે આ બંગલાના વેચાણથી દિવંગત સુપરસ્ટારની પુત્રીઓ ટ્વિંકલ અને રિંકી ખન્નાને ફાયદો થયો હતો. ટ્વિંકલ ખન્ના જાણીતા અભિનેતા અક્ષય કુમારની પત્ની છે. સુપરસ્ટાર રાજેશ ખન્નાએ અભિનેતા રાજેન્દ્ર કુમાર પાસેથી બાંદ્રા પશ્ચિમના કાર્ટર રોડ પર દરિયાકિનારે આવેલ આશીર્વાદ બંગલો ખરીદ્યો હતો. રાજેન્દ્ર કુમારે આ બંગલો ખરીદ્યો તે પહેલાં તે ભૂત બંગલા તરીકે ઓળખાતો હતો.
બાંદ્રા પશ્ચિમ મુંબઈનું પ્રખ્યાત ઉપનગર છે. આજે અહીંના બાંદ્રા બેન્ડસ્ટેન્ડ અને નજીકના કાર્ટર રોડને એક સીમાચિહ્ન સ્થાન તરીકે ઓળખવામાં આવે છે. દરિયાની સામે આવેલા આ પોશ વિસ્તારમાં આજે પણ ઘણા મોટા ફિલ્મ સ્ટાર્સ અને બિઝનેસમેન રહે છે. આજકાલ આ વિસ્તાર ઘણી ઊંચી ઇમારતોને કારણે ખૂબ ભરચક લાગે છે, પરંતુ જો તમે નજીકથી જોશો તો આ આલીશાન અને ઊંચી ઈમારતોની વચ્ચે આજે પણ તમને કેટલીક જર્જરિત ઈમારતો અને જૂના બંગલા જોવા મળશે જે વર્ષોથી ઊભા છે. આ ઈમારતો અને બંગલાઓ પોતાની અંદર એક સંપૂર્ણ ઈતિહાસ ધરાવે છે. ૧૯૫૦-૬૦ના દાયકામાં કાર્ટર રોડ પર ઘણા બંગલા હતા. આમાંના મોટા ભાગના પૂર્વ ભારતીય અને પારસી સમુદાયના હતા. આ જ કાર્ટર રોડ પર આવેલ સમુદ્ર તરફનો બંગલો આશિયાના તે સમયે હિન્દી સિનેમાના શ્રેષ્ઠ સંગીતકાર નૌશાદનો હતો.
આશિયાના પાસે બીજો બે માળનો બંગલો હતો, જે ખૂબ જર્જરિત અને ખરાબ હાલતમાં હતો. ઈન્ટરનેટ પર ઘણા લેખોમાં એવું કહેવામાં આવ્યું છે કે તે પહેલાં બંગાળી અભિનેતા ભારતભૂષણનો હતો, પરંતુ આ દાવો સાચો નથી. આ બંગલાની બહારની દીવાલ પર અંગ્રેજીમાં બાનો વિલા લખેલું હતું. નજીકનાં લોકો આ બંગલાને શાપિત બંગલો અથવા ભૂત બંગલો કહેતાં હતાં. તેને ખરીદવા કોઈ તૈયાર નહોતું. આ સમયગાળાની આસપાસ અભિનેતા રાજેન્દ્ર કુમારને મધર ઈન્ડિયા અને પછી ધૂલ કા ફૂલમાં નાની ભૂમિકાથી થોડી સફળતા મળી હતી. તેમના ઘરે એક પુત્રીનો જન્મ થયો, જેનું નામ તેઓએ ડિમ્પલ રાખ્યું હતું. જેમ જેમ પરિવાર વધતો ગયો તેમ તેમ રાજેન્દ્ર કુમાર સાંતાક્રુઝમાં ભાડાના તેના નાના ફ્લેટમાંથી મોટા મકાનમાં શિફ્ટ થવા માંગતા હતા.
રાજેન્દ્ર કુમારને કોઈ દલાલે ભૂત બંગલો બતાવ્યો. તેમણે જોયું કે આ જૂનો બંગલો સમુદ્રની સામે હતો, જ્યાંથી ઠંડી હવા આવી રહી હતી. તેને તરત જ તેના પારિવારિક જ્યોતિષીના શબ્દો યાદ આવ્યા, જેમણે કહ્યું હતું કે રાજેન્દ્ર કુમારનું નવું ઘર દરિયાની નજીક હશે. રાજેન્દ્ર કુમાર પહેલી નજરમાં જ બાનો વિલાના પ્રેમમાં પડી ગયા હતા. જ્યારે પ્રોપર્ટી બ્રોકરને ભાડા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે ઘરનો માલિક ભાડે આપવા માંગતો નથી પણ વેચવા માંગે છે. ૬૫,૦૦૦ રૂપિયામાં સોદો ફાઇનલ થયો હતો. ભૂતિયા ઘર વિશે સાંભળીને રાજેન્દ્ર કુમારની પત્ની ડરી ગઈ હતી, પરંતુ પત્નીની માતાએ કહ્યું કે બોમ્બે જેવા શહેરમાં માણસો માટે રહેવાની કોઈ જગ્યા નથી, ભૂતને રહેવું હોય તો રહેવા દો. નજીકના મિત્ર અભિનેતા મનોજ કુમારની સલાહ પર રાજેન્દ્ર કુમાર ઘરમાં પ્રવેશતાં પહેલાં ભૂતોને ભગાડવા માટે હવન કરવાનું ભૂલ્યા નહીં. દીકરીના નામ પરથી તેનું નવું નામ ડિમ્પલ રાખ્યું. આ ઘરે રાજેન્દ્ર કુમારનું ભાગ્ય બદલી નાખ્યું હતું.
૧૯૬૯માં રાજેશ ખન્નાની સફળતા બોલિવૂડમાં તોફાનની જેમ ત્રાટકી હતી. તે એવો પ્રથમ ફિલ્મ સ્ટાર હતો, જેના માટે સુપરસ્ટાર શબ્દ પ્રચલિત થયો હતો. બોમ્બેમાં ઉછરેલો રાજેશ ખન્ના સમુદ્રને પ્રેમ કરતો હતો અને સમુદ્ર તરફનું ઘર ખરીદવાનું તેનું જૂનું સપનું હતું. તેને આ બંગલો તેનાં સપનાંની એકદમ નજીકનો લાગતો હતો. એક સાંજના દિગ્દર્શકો રમેશ બહલ અને રાજેશ ખન્ના રાજેન્દ્ર કુમારના ઘરે બેઠા હતા ત્યારે રાજેશ ખન્નાએ રાજેન્દ્ર કુમારને કહ્યું કે પાપાજી, કાર્ટર રોડ પરનો તમારો બંગલો ખાલી છે અને મારે ઘર ખરીદવું છે. રાજેન્દ્ર કુમારે જવાબ આપ્યો કે મારે તે ઘર વેચવાની જરૂર નથી. રાજેશ ખન્નાએ લાંબા સમય સુધી આજીજી કરી. રાજેન્દ્ર કુમારે બંગલો વેચ્યો ત્યારે તેની પત્ની ખૂબ ગુસ્સે થઈ ગઈ હતી. તેણે રાજેન્દ્ર કુમારને કહી દીધું કે અમને પૈસાની જરૂર નહોતી, તેમ છતાં તમે તે ઘર માત્ર સાડા ત્રણ લાખમાં વેચી દીધું.
સુપરસ્ટાર રાજેશ ખન્ના ખૂબ જ ધામધૂમથી બંગલામાં શિફ્ટ થયો હતો. તેણે પિતા ચુન્નીલાલ ખન્નાને બંગલાનું નામ પૂછ્યું. પિતાએ કહ્યું હતું કે આ બંગલાનું નામ આશીર્વાદ રાખવું જોઈએ. આની પાછળનો વિચાર એ હતો કે તેમનો પુત્ર હંમેશા આશીર્વાદની છાયામાં રહેશે. તેના સરનામામાં રાજેશ ખન્ના ઉપરાંત આશીર્વાદ લખવાનું રહેશે; એટલે કે રાજેશ ખન્ના તેમના ઘરે આવતા દરેક પત્ર અને સંદેશ દ્વારા આશીર્વાદ મેળવતા રહેશે. બંગલામાં શિફ્ટ થતાંની સાથે જ રાજેન્દ્ર કુમાર કરતાં પણ વધુ પ્રભાવશાળી સફળતા રાજેશ ખન્નાના જીવનમાં આવી હતી. તેની સતત પંદર ફિલ્મો સુપરહિટ ગઈ હતી. સુપરસ્ટારના નવા બંગલાની તસવીરો ફિલ્મ મેગેઝીન અને અખબારોમાં છપાઈ હતી. આશીર્વાદ બંગલો પણ રાજેશ ખન્નાની જેમ પ્રખ્યાત થઈ ગયો અને બોમ્બેનું ખાસ પર્યટન સ્થળ બની ગયો હતો. દેશભરમાંથી બોમ્બે આવતાં લોકોની ખાસ માંગ હતી કે સુપરસ્ટારનો બંગલો બતાવવામાં આવે. દરરોજ તેને ચાહકો તરફથી આવા હજારો પત્રો મળતા હતા, જેમાં માત્ર સરનામું લખેલું રહેતું હતું – રાજેશ ખન્ના, આશીર્વાદ, બોમ્બે.
માર્ચ ૧૯૭૩માં, તેની પ્રથમ ફિલ્મ બોબીની રિલીઝ પહેલાં જ ડિમ્પલે રાજેશ ખન્નાના જીવનસાથી તરીકે આશીર્વાદમાં પ્રવેશ કર્યો હતો. બંનેના લગ્ન તે સમયે બોમ્બેના જ નહીં પરંતુ દેશના સૌથી મોટા લગ્ન તરીકે જાણીતાં થયાં હતાં. શરૂઆતનાં વર્ષો સફળતા અને ખુશીનાં વર્ષો હતાં. ડિમ્પલે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું હતું. અમિતાભની એન્ટ્રી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં રોમેન્ટિક ફિલ્મોની વિરુદ્ધ એક્શન ફિલ્મોના નવા યુગે સમય બદલી નાખ્યો હતો. થોડાં જ વર્ષોમાં અમિતાભ એક નવા સુપરસ્ટાર તરીકે ઉભરી આવ્યો હતો. રાજેશ ખન્નાની ખરતી કારકિર્દીએ તેને હચમચાવી દીધો હતો. આશીર્વાદ બંગલો સુપરસ્ટારના પતનનો પણ સાક્ષી બની રહ્યો હતો.– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.