SURAT

કુંભારીયા ગામની કરોડોની કિંમતી જમીન પચાવી પાડનાર મુખ્ય સુત્રધાર રાજેશ કરકર ઝડપાયો

સુરત: શહેરના કુંભારીયા ગામની કરોડો રૂપિયાની કિંમતી જમીન પચાવી પાડવાનું કૌભાંડ આચરનાર મુખ્ય સુત્રધાર રાજેશ રવજી કરકરની ક્રાઈમ બ્રાંચે ગઈકાલે ધરપકડ કરી હતી.

કુંભારીયા ગામના વૃદ્ધ ખેડૂત રણછોડભાઇ પટેલની આજીવિકાની બ્લોક નં .૧૧૧ તથા ૧૧૨ વાળી ખેતીની જમીનો ઉપર સરકારી વ્યાજબી લોન અપાવવાના બહાને ભુમાફિયા ગેંગના સાગરીત રાજેશ રવજીભાઇ કરકરએ બેંક અધિકારી બની અન્ય આરોપીઓ સાથેના મેળાપીપણામાં છેતરપીંડી આચરી હતી. દગાખોરી કરી પાવર ઓફ એટર્ની અને સાટાખતના લેખો ઉપજાવી કાઢયા હતા. પાવરના આધારે મળતીયા ઇસમ અશ્વિન પાનશેરીયાના લાભમાં વેચાણ દસ્તાવેજ પણ ઉભો કર્યો હતો.

ક્રાઈમ બ્રાંચે આ કેસમાં રાજેશભાઇ રવજીભાઇ કરકર, લાલજી કનુભાઇ રાદડીયા, સની મદાસ, પાર્થ સંતોષકુમાર ઝવેરી, ઘનશ્યામ પરસોત્તમભાઇ દેસાઇ, હસમુખ મનુભાઇ તાગડીયા તથા અશ્વિન રમેશભાઇ પાનશેરીયા વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી તપાસ આદરી હતી. તપાસ દરમિયાન ક્રાઈમ બ્રાંચની ટીમએ મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે આ કેસનો વધુ એક આરોપી આશિષ રામોલીયાએ હાલમાં જ બોગસ કોવિડ રીપોર્ટ બનાવી રજુ કરતા ક્રાઈમ બ્રાંચ પી.આઇ. રાઠોડએ સરકાર તરફે ફરીયાદ દાખલ કરાવી હતી. પકડાયેલા આરોપીને કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડની માંગણી કરતા 26 તારીખ સુધીના રિમાન્ડ મંજુર કરાયા છે.

અગાઉ તમામ આરોપીઓની જામીન અરજી નામંજૂર થઈ હતી

તમામ આરોપીઓની જામીન અરજીઓ સેશન્સ કોર્ટે નામંજુર કરી હતી. પોતાના હુકમમાં આરોપીઓએ આચરેલો ગુનો પ્રથમદર્શનીય હોવાથી અને આરોપીઓનો ઇરાદો લેન્ડ ગ્રેબીંગ કરવાનો હોવાથી તે મુજબની નોંધ કરી તમામ આરોપીઓની જામીન અરજી નામંજુર કરી હતી. હાલ અન્ય આરોપીઓ પોલીસ પકડથી ભાગતા ફરી રહ્યા હોવાથી ક્રાઈમ બ્રાંચે તેમની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

મુખ્યસૂત્રધાર સામે અનેક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

મુખ્ય સુત્રધાર રાજેશ કરકર વિરૂદ્ધ કતારગામ પોલીસ સ્ટેશનમાં પણ વર્ષ 2008 માં ગુનો નોંધાયો હતો. જે ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. રાજેશ કરકર વિરૂદ્ધ મહુવા પોલીસ સ્ટેશનમાં પણ બોગસ દસ્તાવેજો બાબતે વર્ષ 2008 થી ગુનો દાખલ થયો છે. જેમાં કોર્ટ દ્વારા વર્ષ 2017 માં 6 વર્ષની સજા ફરમાવી હોવાનું પણ જાણવા મળ્યું છે.

Most Popular

To Top