જયપુર: ભર બપોરે બે વ્યક્તિઓ આવ્યા અને રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના (Rajput Karni Sena) પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીને જયપુરમાં (Goli) ગોળી મારી (Firing) ફરાર થઇ ગયા. ઘટના આજે મંગળવારે સવારે બની હતી. રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ પોતાના ઘરે હતા. દરમિયાન તેમની 4 ગોળી મારી હત્યા (Murder) કરી નાંખવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસ (Police) તંત્ર દોડતું થયું હતું. તેમજ સીસીટીવીના (CCTV) આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. ઉપરાંત કરણી સેના દ્વારા આવતીકાલે બુધવારે રાજસ્થાન બંધનું એલાન કરવામાં આવ્યું છે. એટલું જ નહીં જ્યાં સુધી સુખદેવ સિંહના હત્યારા સામે ન આવે ત્યાં સુધી રાજ્યમાં શપથગ્રહણ સમારોહ થવા ન દેવાની પણ ચિમકી ઉચ્ચારવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ રાજસ્થાનના જયપુરમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીને ગોળી મારી દેવામાં આવી હતી. સુખદેવ સિંહને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત નાજુક બની હતી. પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. ત્યારે ફાયરિંગ અને હત્યાની આ ઘટના બાદ હવે શહેરભરના પોલીસ અધિકારીઓએ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. તેમજ ફાયરિંગના સ્થળે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
સુખદેવ સિંહ ગોગામેડી મંગળવારે બપોરે લગભગ 1:45 વાગ્યે શ્યામ નગર જનપથ સ્થિત ઘરમાં તેમના મિત્રો સાથે વાત કરી રહ્યા હતા. દરમિયાન બે ઇસમો ઘરની અંદર દાખલ થયા હતા. ત્યાર બાદ અચાનક હુમલાખોરોએ ગોગામેડી પર ગોળીબાર કર્યો હતો. માહિતી મળતાં જ શ્યામનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર ફાયરિંગ બાદ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. તેમજ ગોગામેડીને તાત્કાલિક મેટ્રો માસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટના સમયે ગોગામેડી સાથે હાજર અજીત સિંહ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. હાલ રાજસ્થાન પોલીસે સમગ્ર વિસ્તારના રસ્તાઓ ઉપર નાકાબંધી ગોઠવી છે. તેમજ તમામ વાહનોની ચકાસણી કરી રહ્યા છે.
આ ગેંગએ લીધી જવાબદારી
પોલીસે જણાવ્યું કે મંગળવારે બપોરે કેટલાક લોકો હથિયાર સાથે શ્યામનગર વિસ્તારમાં ગોગામેડીના ઘરમાં ઘૂસી ગયા અને તેમના પર ઉપરાછાપરી ગોળીબાર શરૂ કરી દીધો હતો. સીસીટીવી ફૂટેજ બતાવે છે કે ગોગામેડી, તેનો એક ગાર્ડ અને અન્ય એક વ્યક્તિ ગોળીઓથી ઘાયલ થયા છે. જયપુરના પોલીસ કમિશનર બિજુ જ્યોર્જ જોસેફે પુષ્ટિ કરી કે ગોગામેડીનું સારવાર દરમિયાન મોત થયું છે. મળતી માહિતી મજુબ રોહિત ગોદારાએ હત્યાની જવાબદારી લીધી છે. જે લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સભ્ય છે. બીજી તરફ ક્રોસ ફાયરિંગમાં માર્યા ગયેલા બદમાશની ઓળખ નવીન સિંહ શેખાવત તરીકે થઈ છે.