ભરૂચ,અંકલેશ્વર : અંકલેશ્વર પોલીસે સસ્તી કિંમતે સોનું વેચવાના નામે લોકોને ઠગતી ટોળકીને ઝડપી પાડી 1 મહિલા સહીત ૬ ઈસમોની ધરપકડ કરી છે. ટોળકી હાથની સફાઈમાં માહિર છે જે અસલી સોનું બતાવી લેવડ -દેવડ સમયે નકલી સોનું પધરાવી ઠગાઈ કરતી હતી. આણંદ પોલીસ સાથે જોઈન્ટ ઓપરેશનમાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ટોળકીને ઝડપી પાડી અંકલેશ્વરમાં જવેલર્સ સાથે થયેલી છેતરપિંડીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. આરોપીઓ રાજસ્થાન ફરાર થઇ જવાની પેરવીમાં હતા એ વેળા ભરૂચ પોલીસની માહિતીના આધારે વાસદ પોલીસે ઠગ ટોળકીના સાગરીતોને ઝડપી બે ગુનાઓના ભેદ ઉકેલવા સાથે મુદ્દામાલ પણ રિકવર કર્યો છે.
- સસ્તી કિંમતે સોનું વેચવાની લાલચ આપી નકલી ઘરેણાં પધરાવી છેતરામણી કરતી ૬ જણાની ટોળકી ઝબ્બે કરતી અંકલેશ્વર પોલીસ,રૂ.૨.૬૫ લાખના મુદ્દામાલ કબજે
- તા-૫ માર્ચે અંકલેશ્વરના જવેલર્સને છેતર્યો હતો, અંકલેશ્વર પોલીસે આણંદ પોલીસ સાથે જોઈન્ટ ઓપરેશનમાં ટોળકી ઝડપી લીધી
પ્રાપ્ત માહિતી અનુસાર ગઈ તા.૫મી માર્ચ-૨૦૨૩ના રોજ અંકલેશ્વર શહેર વિસ્તારમાં આવેલ “પદ્મનાભ ગોલ્ડ” નામની જવેલર્સની દુકાનમાં અજાણ્યા ઇસમો દ્વારા અસલી સોનું બતાવી નકલી સોનું પધરાવી ફરિયાદી પાસેથી રોકડા રૂ.૯૬૦૦૦/- તથા સોના ચાંદીના દાગીના સાથે કુલ રૂ. ૧.૬૪ લાખની છેતરપીંડી કરી રફુચક્કર થઇ ગયા હતા.
તપાસ દરમ્યાન ગુનાના આરોપીઓ આણંદ જીલ્લાના વાસદ વિસ્તારમાં હોવાની વિગતો મળતા ટીમ રવાના કરાઈ હતી જોકે આ તમામ આરોપીઓ રાજસ્થાન તરફ રવાના થઇ રહ્યા હોવાનું જાણવા મળતા આણંદ જીલ્લાના વાસદ પોલીસ તથા એસ.ઓ.જી. આણંદના સંકલનમાં રહી આણંદ જીલ્લા પોલીસની મદદથી ૬ આરોપીઓની કુલ રૂ.૨.૬૫ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી. જેમાં ઝડપાયેલા (૧) મુકેશ હરજી કનૈયા ભોપા(નાયક) ઉ.વ.૫૦, (૨) પ્રહલાદ રામ કનૈયાલાલ ભોપા(નાયક) ઉ.વ.૫૦, (૩)રાજુ રામ કનૈયાલાલ ભોપા (નાયક) ઉ.વ.૨૦, (૪)જગદીશ હરજી દનૈયા ભોપા(નાયક) ઉ.વ.૩૫, (૫) પ્રેમબાઇ હરજીભાઇ કનૈયાલાલ ભોપા(નાયક) ઉ.વ.૬૦, તમામ પાંચ આરોપી (રહે- ગામ-ચાક્ષુ, સરકારી સ્કુલ પાસે તા.જી.જયપુર, રાજસ્થાન) અને (૬) સુમેરસીંગ રામપ્રસાદ ગણેશા ભોપા(નાયક) ઉ.વ.૩૦ રહે.ગામ-જોનાઇ, સરકારી સ્કુલ પાસે તા.વૃંદાવન જી.મથુરા (ઉત્તરપ્રદેશ) સમાવેશ થાય છે.
તમામ આરોપીઓને અંકલેશ્વર શહેર “એ ડીવી. પો.સ્ટે. લાવી પુછપરછ કરતા અંકલેશ્વરના “પદ્મનાભ ગોલ્ડ” માં છેતરપિંડીના ગુના સિવાય અન્ય એક ગુનાની કબુલાત કરી હતી. આરોપીઓએ તા-૫/3/૨૦૨૩ ના રોજ બોરભાઠા વિસ્તારમાં શિવ જવેલર્સના શો રૂમના સોનીને અસલી સોનુ બતાવી નકલી સોનુ પધરાવી સોના ચાંદીના દાગીના કિંમત રૂ.૩૫૦૦૦/-ના મેળવી છેતરપીંડી આચરેલ હતી. આ બંન્ને ગુનાની વધુ તપાસ અંકલેશ્વર શહેર “એ” ડીવી પો.સ્ટે.ના PSI આર.જી.પટેલ નાઓ ચલાવી રહ્યા છે.