જયપુર (Jaipur): વલ્લભનગરના કોંગ્રેસના ધારાસભ્ય ગજેન્દ્ર સિંહ શક્તાવતનું (Gajendra Singh Shaktawat) બુધવારે અવસાન થયુ છે. તે કેટલાક દિવસોથી બીમાર હતા. મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટે (Sachin Piolt) ધારાસભ્યના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. રાજસ્થાન CM અશોક ગેહલોતે (CM Ashok Gehlot) બુધવારે સવારે ટ્વિટ કરીને કહ્યું કે, ‘કોંગ્રેસના ધારાસભ્ય ગજેન્દ્ર શક્તાવતના અવસાનથીી ભેરે દુ:ખ થયુ છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા તેમની તબિયતને લઇને હું છેલ્લા 15 દિવસથી પરિવાર અને ડોકટરો સાથે સંપર્કમાં હતો. ભગવાનને પ્રાર્થના કે શોકગ્રસ્ત પરિવારને શક્તિ આપે.’.
પૂર્વ નાયબ મુખ્યમંત્રી પાયલોટે ધારાસભ્ય ગજેન્દ્ર સિંહ શક્તાવતને હંમેશા તેમના મત વિસ્તારના વિકાસ માટે સમર્પિત એવા નમ્ર પ્રતિનિધિ તરીકે યાદ કરીને શોક વ્યક્ત કર્યો હતો. પક્ષના પ્રદેશ અધ્યક્ષ ગોવિંદસિંહ ડોટાસરા સહિત કેટલાય નેતાઓએ ધારાસભ્ય શક્તાવતના અવસાન પર શોક વ્યક્ત કર્યો છે. પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર શક્તાવત ઘણા દિવસોથી બીમાર હતા.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં ચાર ધારાસભ્યો અકાળ મૃત્યુ પામ્યા છે, જેમાં કોંગ્રેસના ત્રણ અને ભાજપના એક સભ્યનો સમાવેશ થાય છે. શક્તાવત એ સચિન પાયલોટ કેમ્પનો ભાગ હતો જેણે ગયા વર્ષે જુલાઈમાં મુખ્ય પ્રધાન ગેહલોત સામે બળવો કર્યો હતો. તેમણે સચિન પાયલોટની તરફેણમાં કહ્યુ હતુ કે, ‘આપણે બધાને નેતૃત્વમાં પરિવર્તન જોઇતું હતું. જે વ્યક્તિએ રાજસ્થાનમાં સરકાર બનાવવા માટે છ વર્ષ સખત મહેનત કરી હતી, તમે તેના માટે “નિકમ્મા” જેવા શબ્દોનો દુરુપયોગ કરો છો … આ આત્મ-સન્માનની લડાઈ છે. તમે તમારા પોતાના પરિવારના સભ્યો સાથે દુર્વ્યવહાર કરી રહ્યા છો. અમે ક્યારેય ભાજપમાંથી કોઈની સાથે વાત કરી નથી. અમે કોંગ્રેસ છોડવા નથી માંગતા.’.
શક્તાવતના પિતા સ્વ.ગુલાબસિંહ શક્તાવત (Gulab Singh Shaktawat) કોંગ્રેસના મુખ્ય નેતા હતા, જે વલ્લભનગર વિધાનસભા બેઠક પરથી અનેક વખત ચૂંટાયા હતા. શક્તાવતની ઉંમર ચાલીસ વર્ષની આસપાસ હતી, દિલ્હીમાં તેમની સારવાર ચાલી રહી હતી. આજે દિલ્હીમાં સારવાર દરમિયાન તેમનું નાની વયે અવસાન થયુ છે.