ભીલવાડા: (Bhilwada) સરકારના તમામ પ્રયાસો છતાં બાળલગ્ન (Child marriage) જેવી કુપ્રથા પર અંકુશ આવ્યો નથી. જાગૃતિના અભાવે આજે પણ માસૂમ બાળકોના લગ્ન ભણવાની ઉંમરે જ થઈ રહ્યા છે. રાજસ્થાનમાં (Rajasthan) હજુ પણ બાળ લગ્ન જેવા દુષ્કર્મો સામે આવે છે. સરકાર દ્વારા બાળ લગ્ન રોકવા માટેના કાયદાઓ અને તમામ જાગૃતિ અભિયાનો છતાં રાજ્યના 16 જિલ્લામાં સૌથી વધુ બાળ લગ્નો થઈ રહ્યા છે. તેમાં ભીલવાડા જિલ્લો ટોચ પર છે. ભીલવાડામાં બુધવારે 10 સગીરોના (Minors) લગ્ન કરાવવાનો મામલો સામે આવ્યો છે.
ભીલવાડાના માંડલ શહેરમાં બુધવારે રાત્રે 10 સગીર યુગલોના લગ્ન પૂરા ધામધૂમથી કરવામાં આવ્યા હતા. ત્રણ દિવસ સુધી તમામ ધાર્મિક વિધિઓ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ લંગર કા ખેડા ગામમાં અલગ-અલગ જગ્યાએથી લગભગ 17 વરઘોડા આવ્યા હતા. આ બાળ લગ્નમાં હજારો લોકો માટે સત્કાર સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. હજારો લોકોની હાજરીમાં સગીર વર-કન્યાએ સ્ટેજ પર માળા પહેરાવી હતી અને તેમનું ફોટોશૂટ પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત ભોજન સમારંભનું પણ યોજવામાં આવ્યું હતું. પરંતુ પોલીસ પ્રશાસન જાણે ગાઢ નિંદ્રામાં સૂતું હતું. એક એનજીઓએ પોલીસને આ બાળ લગ્ન અંગેની માહિતી પણ આપી હતી પરંતુ પોલીસ દ્વ્રારા ત્યારે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
માંડલ પોલીસ સ્ટેશનના ઇનચાર્જ મુકેશ કુમાર વર્માના જણાવ્યા અનુસાર, બાળ કલ્યાણ સમિતિ દ્વારા ગુરુવારે સાંજે લંગર કા ખેડામાં 19 એપ્રિલે સગીર યુગલોના લગ્ન કરાવવા પર કેસ નોંધવામાં આવ્યો હતો. બાળ લગ્ન એ બિનજામીનપાત્ર ગુનો છે. તેથી બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમની કલમ 9, 10 અને 11 હેઠળ કેસ નોંધીને આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. આ સાથે આ લગ્નમાં કયા પંડિત, ફોટોગ્રાફર અને અન્ય લોકો કામ કર્યું છે તે અંગે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.
ગુરુવારે બાળ લગ્નની માહિતી મળતાં ચાઈલ્ડ વેલફેર કમિટી અને ચાઈલ્ડ લાઈનના સભ્યોની ટીમ ભીલવાડાના આ ગામમાં પહોંચી હતી. ત્યાં બાળ વિવાહ અંગેની માહિતી એકત્ર કર્યા બાદ માંડલ પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારબાદ કહેવામાં આવી રહ્યું છે કે 23 એપ્રિલે ગામમાં બીજા બે બાળ લગ્ન થવાના હતા. પરંતુ પોલીસે હવે તે લગ્ન રોકી દીધા છે.