શાયર ઈકબાલનો પ્રસિદ્ધ શેર છે- ‘ખુદી તો કર બુલંદ ઇતના કી હર તકદીર સે પહેલે ખુદા બંદે સે ખુદ પૂછે બતા તેરી રજા ક્યાં હૈ’ આ પ્રસિદ્ધ શેર સાથે જોડાયેલી એક પ્રેરણાત્મક વાત છે. શાયર ઇકબાલ પાસે એક યુવાન આવ્યો અને બોલ્યો, ‘મારે મારા જીવનને ભવ્ય બનાવવું છે.’શાયર ઈકબાલ બોલ્યા, ‘વાહ, સરસ મજાનો ખ્યાલ છે. શેની રાહ જુઓ છો મંડી પડો.’યુવાન બોલ્યો, ‘એક એકદમ હોશિયાર સચોટ ભવિષ્ય જણાવનાર નજૂમીને મળી જાય તેની રાહ જોઉં છું.’શાયર ઈકબાલે પૂછ્યું, ‘નજૂમીની રાહ શા માટે ??’યુવાન બોલ્યો, ‘બસ સારો નજૂમી મળી જાય મારા ભાગ્યનો ખ્યાલ આપે કે ક્યાં મારું ભાગ્ય સાથ આપશે? કયા ક્ષેત્રમાં સફળતા મળશે એ નજૂમી કહે એટલે બસ તરત કામ શરૂ કરી દઈશ.’
શાયર ઇકબાલ હસ્યા અને બોલ્યા, ‘એમાં નજૂમીનું શું કામ છે, તું જ તારો નજૂમી બન.’નાદાન યુવાન શાયર ઈકબાલના વાક્યમાં રહેલું ઊંડાણ ન સમજ્યો.’ બસ ત્યારે જ યુવાનને અને સમાજને સાચી સમજ આપવા શાયર ઇકબાલે આ શેર લલકાર્યો…. ખુદી કો કર બુલંદ ઇતના કી હર તકદીર સે પહેલે ખુદા બંદે સે ખુદ પૂછે બતા તેરી રજા ક્યાં હૈ’ યુવાને પૂછ્યું, ‘આ શેર એનો અર્થ શું? શાયર ઇકબાલ બોલ્યા, ‘અર્થ એટલો કે તું તારી અસ્મિતા, તારી શક્તિ કે તારી મહેનતને એટલી બુલંદ કર કે તારો પ્રત્યેક ભાગ્ય લેખ લખતા પહેલા ભગવાન તને પૂછે કે આ લેખ તને મંજૂર તો છે ને…’આ અર્થ સાંભળી યુવાન બોલી ઉઠ્યો, ‘વાહ આ તો હતી ભવ્ય સ્થિતિ કહેવાય.’
શાયર ઇકબાલ બોલ્યા, ‘તો શેની રાહ જુએ છે? તું પોતે સ્થિતિ પર પહોંચી શકે છે.’યુવાન બોલ્યો, ‘તો મને જલ્દીથી એ સ્થિતિ પર પહોંચાડો ત્યાં કઈ રીતે પહોંચાય તેનો રસ્તો દેખાડો.’ શાયર ઇકબાલે કડક શબ્દોમાં કહ્યું, ‘ભાઈ જો સાંભળ આ ભવ્ય સ્થિતિ પર જાતે જ પહોંચવું પડે આ કામ તારા વગર બીજું કોઈ નહીં કરી શકે. તું પોતે જ તારા જીવનનું જીવનની સફળતાનું સર્જન કરી શકીશ. તું જ તારા જીવનને પ્રગતિના માર્ગે લઈ જઈ શકીશ. આપણે બધા જીવનમાં પ્રગતિ માટે કંઈક કરી બતાવવા માટે ભાગ્યના સાથની, કોઈકના હાથની રાહ જોઈએ છીએ પરંતુ જાણતા નથી કે ખુદી તો કર બુલંદ ઇતના…’ હંમેશા યાદ રાખજો કે આપણે જ આપણી સફળતાના સર્જક છીએ.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.