સુરત: સુરત શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન ફરી એક વખત ભારે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. હવામાન વિભાગના અંદાજ અનુસાર દક્ષિણ ગુજરાતમાં આગામી 31 ઓગસ્ટ સુધી વરસાદી પરિસ્થિતિ યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ પાસેથી મળતી માહિતી મુજબ શહેરમાં સોમવારે દિવસભર છૂટાછવાયા ઝાપટા વરસ્યા હતા. વિતેલા 24 કલાકમાં કુલ 47 મીમી (લગભગ 2 ઇંચ) વરસાદ નોંધાયો હતો. સતત વરસાદી વાતાવરણ હોવા છતાં મહત્તમ તાપમાનમાં અડધો ડિગ્રીનો વધારો જોવા મળ્યો હતો, તેમ છતાં શહેરવાસીઓને ઠંડકનો અહેસાસ થયો હતો. ઉમરપાડા તાલુકામાં સૌથી વધુ 89 મીમી વરસાદ નોંધાયો હતો, જ્યારે પલસાણા (70 મીમી) અને માંડવી (53 મીમી)માં પણ નોંધપાત્ર વરસાદ પડ્યો હતો. હવામાન નિષ્ણાતો મુજબ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આવતા દિવસોમાં છૂટાછવાયા તેમજ ભારે ઝાપટા પડી શકે છે. ખાસ કરીને દરિયાકાંઠાના જિલ્લાઓમાં વરસાદી તીવ્રતા વધુ રહેવાની સંભાવના છે. સુરત શહેરમાં આજે મહત્તમ તાપમાન 29.2 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 24.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાં 85 ટકા ભેજની સાથે 12 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમનો પવન ફૂંકાયો હતો.
તાલુકાવાર વરસાદી આંકડા (મીમીમાં)
તાલુકા વરસાદ – (મીમી)
ઓલપાડ-26
માંગરોળ-34
ઉમરપાડા-89
માંડવી-53
કામરેજ-35
સુરત-47
ચોર્યાસી-20
પલસાણા-70
બારડોલી-42
મહુવા-38
ઉકાઈ ડેમમાં સતત બીજા દિવસે 67 હજાર ક્યુસેક પાણીની આવક-જાવક, સપાટી 335.71 ફૂટ
સુરત: ઉકાઈ ડેમના ઉપરવાસ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલે ફરી જોર પકડ્યું છે. છૂટાછવાયા વરસાદને કારણે નદીઓ અને નાળામાં પાણીનો પ્રવાહ વધી રહ્યો છે. ઉકાઈ ડેમ સુધી પાણીની આવક વધતા તંત્ર સાવચેત બની ગયું છે. ઉકાઈ ડેમમાંથી 67 હજાર ક્યુસેક પાણીની આવક અને જાવક યથાવત રહી હતી. છેલ્લા 24 કલાક દરમિયાન ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં આવેલા અનેક સ્થળોએ વરસાદ નોંધાયો છે. જેમાંથી મુખ્ય સ્થાનો પર પડેલા વરસાદની વાત કરીએ તો ટેસ્કામાં 45 મીમી, ચીકલધરામાં 13 મીમી, કુરાનખેડામાં 10 મીમી, દેડતલાઈમાં 21 મીમી, વાનખેડામાં 12 મીમી, સેલગાવ 37 મીમી, બુરહાનપુર 14 મીમી, સારંગખેડા 30 મીમી, ડામરખેડા 17 મીમી, વેલદા 15 મીમી, ચાંદપુર 18 મીમી, નંદુરબાર 12 મીમી અને નિઝરમાં 14 મીમી વરસાદ નોંધાયો છે.
આ વરસાદના કારણે નદીઓમાં પાણીની આવકમાં વધારો થયો છે. વરસાદને કારણે મહારાષ્ટ્રના હથનુર ડેમમાંથી 22 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે તેમજ પ્રકાશા ડેમમાંથી પણ એટલું જ 22 હજાર ક્યુસેક પાણી છોડાયું છે. ઉપરવાસમાંથી છોડાયેલા પાણીનો સીધો લાભ ઉકાઈ ડેમને થઈ રહ્યો છે. ઉપરવાસમાંથી વધેલા પાણીના પ્રવાહને કારણે ઉકાઈ ડેમમાં આજે સતત બીજા દિવસે પાણીની ભારે આવક નોંધાઈ છે. ડેમમાં 67 હજાર ક્યુસેક પાણીની આવક થતી રહી છે. આવકને અનુરૂપ તંત્ર દ્વારા એટલું જ પાણી, એટલે કે 67 હજાર ક્યુસેક પાણી, છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમની સપાટી આજે 335.71 ફૂટ સુધી પહોંચી છે. ડેમની કુલ સપાટી ક્ષમતા 345 ફૂટની આસપાસ હોય, હાલની સ્થિતિને મધ્યમ સ્તરનું સંતુલન માનવામાં આવી રહ્યું છે. તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.