સાપુતારા : રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી મેઘરાજાએ વિરામ લીધો હતો. ડાંગ જિલ્લામાં વરસાદી માહોલે વિરામ લેતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હતી. જેમાં સોમવારે બપોર સુધી ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં હળવો તડકો પડ્યો હતો. સોમવારે બપોરબાદ આહવા અને વઘઇ પંથકમાં ઝરમરીયો વરસાદ નોંધાયો હતો. જ્યારે સાપુતારા પંથકમાં વીજળીનાં કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જામતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી હતી.
ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, શામગહાન સહિત સરહદીય પંથકોમાં વરસાદી માહોલ જામતા માર્ગો પર પાણીની રેલમછેલ ફરી વળી હતી. સાથે નાગલી જેવા પાકોને જીવતદાન મળ્યુ હતુ. ગિરિમથક સાપુતારા ખાતે સતત ત્રીજા દિવસે પ્રવાસીઓનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી માહોલ બાદ ગાઢ ધુમ્મસિયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ રહેતા જોવાલાયક સ્થળોનું વાતાવરણ આહલાદક બની જવા પામ્યુ હતુ. ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન સુબિર પંથક વરસાદ વિના કોરોકટ રહ્યો હતો. જ્યારે આહવા પંથકમાં 07 મીમી, વઘઇ પંથકમાં 06 મીમી તથા સાપુતારા પંથકમાં સૌથી વધુ 38 મીમી અર્થાત 1.52 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
નવસારી, જલાલપોર અને ખેરગામમાં કડાકા-ભડાકા સાથે વરસાદ
નવસારી : નવસારી જિલ્લામાં બપોરે અચાનક વાતારણમાં પલટો આવતા નવસારી, જલાલપોર અને ખેરગામમાં કડાકા-ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. જેમાં ખેરગામમાં 1 ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે નવસારી અને જલાલપોરમાં વરસાદી ઝાપટું પડ્યા બાદ વિરામ લેતા રક્ષાબંધનના તહેવારની ઉજવણી ધોવાતાં રહી ગઈ હતી.
નવસારી જિલ્લામાં વરસાદી ઝાપટા પડ્યા બાદ છેલ્લા થોડા દિવસોથી વરસાદની ગેરહાજરી રહી હતી. જેથી વાતાવરણમાં પણ ઉઘાડ રહેતા લોકો ગરમીથી અકળાયા હતા. આજે પણ નવસારી જિલ્લામાં ગરમી સાથે બફારો વધુ રહેતા લોકો પરસેવે રેબઝેબ થયા હતા. જોકે સવારે વાતાવરણમાં ઉઘાડ હતો. પરંતુ બપોરે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. તો બીજી તરફ આજે રક્ષાબંધન હોવાથી રાખડી બાંધવાનું મુહૂર્ત પણ બપોરે 2 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધીનું હતું. જેથી બહેનો બપોરબાદ તેમના ભાઈઓને રાખડી બાંધવા માટે નીકળી હતી.
ખેરગામ તાલુકામાં ગણેશ મંડપ આયોજકોમાં દોડધામ મચી
ખેરગામ : ખેરગામ તાલુકામાં સોમવાર બપોરે બે થી ચાર કલાક વચ્ચે ૧ ઇંચ (૨૭ મીમી) વરસાદી પાણી ઝીંકાયું હતું. જેને કારણે ગણેશ મંડપ આયોજકોમાં દોડધામ મચી ગઈ હતી. તો બીજી તરફ ખેતી પાકને જીવતદાન મળ્યું હતું. ખેરગામ તાલુકામાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થવા સાથે સોમવારે ધૂમધડાકે વરસાદ વરસ્યો હતો. જેને કારણે ગણેશ મંડળો રઘવાયા બન્યા હતા. ગણેશ મંડપ, શામિયાણા સજ્જ કરતા ભક્તો ઝઝુમ્યા હતા. તો બીજી તરફ જગતના તાતે રાહત અનુભવી હતી. ખેરગામ તાલુકામાં મોસમનો ૨૩૮૯ મીમી (૯૫.૫૬ ઇંચ) વરસાદ વરસી ચુક્યો છે. જે ખેરગામ તાલુકામાં વીતેલા પાંચ વર્ષના સરેરાશ વરસાદ ૨૨૫૩ મીમી કરતા ૧૩૬ મીમી વધુ છે. આમ ચાલુ વર્ષે ખેરગામ તાલુકામાં રેકર્ડબ્રેક વરસાદ વરસ્યો છે. હજુ શ્રાવણ અને ભાદરવો વરસવાનો બાકી છે. જૂજ ડેમ ૧૬૭.૫૦ ભયજનક સપાટી વટાવી ૧૬૭.૬૦ ફૂટે અને કેલીયા ડેમ ૧૧૩.૪૦ની સપાટીથી ૧૧૩.૫૦ ફૂટે ઓવરફ્લો થયો હતો.
પરંતુ બપોરે બદલાયેલા વાતાવરણને કારણે ગાજવીજ શરૂ થઇ હતી. અને કડાકા-ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. જોકે નવસારી અને જલાલપોર તાલુકાઓમાં થોડી વાર વરસાદી ઝાપટું પડ્યા બાદ વરસાદે વિરામ લીધો હતો. જેથી લોકોએ રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરી હતી. પરંતુ બફારો અને ગરમી વધી ગયો હતો. નવસારી અને જલાલપોર તાલુકાઓમાં માત્ર વરસાદી ઝાપટા પડ્યા હતા. પરંતુ ખેરગામ તાલુકામાં 27 મી.મી. એટલે કે 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જોકે ખેરગામ તાલુકામાં પણ વરસાદે વિરામ લીધો હતો. જ્યારે ગણદેવી, ચીખલી અને વાંસદા તાલુકાઓ સદંતર કોરા રહ્યા હતા.