સાપુતારા: ડાંગ જિલ્લામાં (Dang District) સાર્વત્રિક વરસાદથી અંબિકા નદીને જોડતા ત્રણથી વધુ કોઝવે અને ખાપરી નદીને જોડતા ત્રણ કોઝવે સવારનાં અરસામાં પાણીમાં ગરક થતા 10થી વધુ ગામડાઓનું (Village) જનજીવન અસરગ્રસ્ત બન્યુ હતુ. ડાંગ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ડાંગ જિલ્લામાં બે દિવસથી વરસાદી માહોલ જામતા સર્વત્ર પાણી પાણીની રેલમછેલ ફરી વળી છે. ડાંગ જિલ્લામાં વરસાદી માહોલનાં પગલે લોકમાતાઓમાં અંબિકા, ગીરા, ખાપરી અને પુર્ણા નદીઓમાં પાણીની આવક વધતા બન્ને કાંઠે થઈ વહેતી જોવા મળી હતી. ડાંગ જિલ્લામાં મંગળવારે રાત્રીનાં અરસામાં કેચમેન્ટ અને ઉપરવાસમાં ભારે વરસાદ (Rain) પડતા અંબિકા અને ખાપરી નદી (River) ગાંડીતૂર બની વહેતી થઈ છે. ડાંગની અંબિકા નદીને સાંકળતો ઘોડવહળ કોઝવે, સૂપદહાડ કોઝવે, કુમારબંધ કોઝવે તથા ખાપરી નદીને જોડતા ગાયખાસ અને ચવડવેલ તેમજ વાંગણ કોઝવે આજરોજ દિવસ દરમ્યાન સમયાંતરે અવરોધાયા હતા.
ડાંગ જિલ્લામાં અંબિકા અને ખાપરી નદીનાં નીચાણવાળા કોઝવે બુધવારે સવારના અરસામાં પાણીમાં ગરક થઈ જતા 10 થી વધુ ગામડાઓનાં પશુપાલકો, દૂધ વ્યવસાય સાથે જોડાયેલી મહિલાઓ પ્રભાવિત થઈ હતી. ડાંગ જિલ્લામાં વરસાદી માહોલનાં પગલે પ્રવાસન સ્થળો નિખરી ઉઠ્યા હતા. ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર મંગળવારે સાંજે 6 વાગ્યાથી બુધવારે સાંજે 6 વાગ્યા સુધીનાં 24 કલાક દરમ્યાન આહવા પંથકમાં 29 મી.મી. અર્થાત 1.16 ઈંચ, સુબિર પંથકમાં 26 મી.મી. અર્થાત 1.04 ઈંચ, વઘઇ પંથકમાં 61 મી.મી. અર્થાત 2.44 ઈંચ, જ્યારે સૌથી વધુ સાપુતારા પંથકમાં 92 મી.મી. અર્થાત 3.68 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
ડાંગ જિલ્લાનો 24 કલાકનો વરસાદ
સાપુતારા 3.68 ઈંચ
વઘઇ 2.44 ઈંચ
આહવા 1.16 ઈંચ
સુબિર 1 ઈંચ
નવસારી વલસાડમાં ધોધમાર વરસાદ
નવસારી : નવસારી જિલ્લામાં આજે પણ વરસાદ યથાવત રહેતા ચીખલીમાં સાડા ત્રણ ઇંચ તેમજ નવસારી અને વાંસદામાં 2-2 ઇંચ વરસાદ નોંધાયો હતો. નવસારી જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસાદ જોરદાર બેટિંગ કરી રહ્યો છે. ગત રોજ આખો દિવસ વરસાદ પડ્યો હતો. ગત સાંજે વરસાદે ફરી બેટિંગ ચાલુ કરતા શહેરના રસ્તાઓ તેમજ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. જેમાં મોડી રાત્રે 2 થી 4 દરમિયાન ચીખલી તાલુકામાં અઢી ઇંચ વરસાદ પડ્યો હતો. જોકે ત્યારબાદથી વરસાદનું જોર ઓછું થયું હતું.
આજે સવારથી વરસાદની જોર ઘટ્યું હતું. જેથી વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. છતાં પણ બુધવારે મહત્તમ તાપમાન 0.5 ડિગ્રી વધીને 30 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 2.3 ડિગ્રી ગગડતા 22.2 ડિગ્રી નોંધાયું હતું. આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 100 ટકા હતું. જે બપોરબાદ ઘટીને 88 ટકાએ રહ્યું હતું. આજે પવનોએ દિશા બદલતા દક્ષિણ-પશ્ચિમ દિશાએથી 5 કિ.મી. ની ઝડપે પવનો ફૂંકાયા હતા.
જિલ્લામાં 24 કલાકમાં પડેલો વરસાદ
ચીખલી 3.6 ઇંચ
નવસારી 2.2 ઇંચ
વાંસદા 2 ઇંચ
ગણદેવી 1.9 ઇંચ
ખેરગામ 1.5 ઇંચ
જલાલપોર 1.5 ઇંચ
વલસાડ જિલ્લામાં મેઘાની સવારી જારી, ઉમરગામ-વાપીમાં 3-3 ઈંચ
વાપી : વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે મેઘરાજાની સવારી અવિરત જારી રહી હતી. બે-ત્રણ દિવસથી જિલ્લાના તમામ વિસ્તારોમાં મેઘાની રિમઝીમ સવારી ચાલુ રહી છે. જોકે, બુધવારે પણ જિલ્લાના તમામ 6 તાલુકામાં વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે. જેમાં ઉમરગામ અને વાપીમાં 3 ઈંચ વરસાદ વરસ્યો હતો. અન્ય તાલુકામાં વલસાડ 2.5 ઈંચ, ધરમપુર અને કપરાડામાં 2-2 ઈંચ અને પારડીમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેને લઈ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા.
જિલ્લાનો 24 કલાકનો વરસાદ
વાપી 78 મીમી
ઉમરગામ 82 મીમી
વલસાડ 62 મીમી
કપરાડા 56 મીમી
ધરમપુર 54 મીમી
પારડી 27 મીમી
જિલ્લામાં મોસમનો કુલ વરસાદ
ઉમરગામ 1928 (75 ઈંચ)
કપરાડા 1810 (71 ઈંચ)
ધરમપુર 1506 (59 ઈંચ)
પારડી 1413 (55 ઈંચ)
વલસાડ 1443 (56 ઈંચ)
વાપી 1761 (69 ઈંચ)