Dakshin Gujarat

દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ, નવસારી તાલુકામાં બે ઇંચ વરસાદ

નવસારી, વલસાડ, ઘેજ, પારડી, વાંસદા, સેલવાસ: ચીખલી પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસતા માર્ગો પરથી પાણી વહેતા થઇ ગયા હતા સાથે ખેડૂતોની મુશ્કેલી વધી જવા પામી હતી. છેલ્લા ઘણા દિવસોથી વાદળછાયા વાતાવરણ વચ્ચે અસહ્ય ઉકળાટ અનુભવાઈ રહ્યો હતો. આ દરમ્યાન બપોરના સમયે અચાનક વરસાદ (Rain) થયો હતો અને મલિયાધરા, ઘેજ, સોલધરા, સહિતના વિસ્તારમાં સતત અડધો કલાક વરસાદ વરસતા માર્ગો પરથી પાણી વહેતા થઇ ગયા હતા. જોકે બપોરબાદ વાતાવરણ ખુલી જવા પામ્યું હતું. તાલુકામાં હજુ પણ આંબાવાડીમાં કેરી ઉતારવાનું ચાલુ હોય ખેડૂતોની મુશ્કેલી વધી જવા પામી હતી એપીએમસી, ખેતરો, પિપલગભણ સ્થિત કેરી ડેપોમાં કેરી વેચવા આવેલા ખેડૂતોએ કેરીને તાડપત્રીથી ઢાંકવાની ફરજ પડી હતી આ ઉપરાંત ઉનાળુ ડાંગરના પાકને લઇને પણ ખેડૂતોની ચિંતા વધી હતી.


નવસારી તાલુકામાં બે ઇંચ વરસાદ

નવસારી : નવસારીમાં (Navsari) સોમવારે મહત્તમ તાપમાન 1.5 ડિગ્રી ગગડ્યું હતું. જયારે લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી વધ્યું હતું. જોકે સવારે નવસારી તાલુકામાં બે ઇંચ વરસાદ પડ્યો હતો. નવસારીમાં ગત શુક્રવારથી વરસાદ વરસી રહ્યો છે. સવારે વાદળછાયું વાતાવરણ રહે છે જયારે બપોરે ગરમી સાથે બફારાથી લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે. સોમવારે મહત્તમ તાપમાનમાં 1.5 ડિગ્રી ગગડતા 31.5 ડિગ્રી નોંધાયું હતું. જયારે લઘુત્તમ તાપમાન 1.1 ડિગ્રી વધતા 25.5 ડિગ્રી નોંધાયું હતું. સોમવારે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 88 ટકા હતું. જે બપોરબાદ વધીને 92 ટકાએ રહ્યું હતું. જયારે દિવસ દરમિયાન ઉત્તર-પશ્ચિમ દિશાએથી 7.4 કિ.મી. ઝડપે પવનો ફૂંકાયા હતા. વાંસદા તાલુકામાં રવિવારે પડેલ વરસાદ બાદ બીજા દિવસે જૂજ ગામે સાંજના સમયે આકાશમાં વાદળોનું એક મનમોહક પ્રાકૃતિક દૃશ્ય જોવા મળ્યું હતું.

વલસાડના વાતાવરણમાં પલટો, ઝરમર વરસાદ
વલસાડ (Valsad) શહેરમાં સોમવારે સવારે અચાનક કાળા વાદળો છવાઈ જતા વાતાવરણમાં પલટો આવ્યો હતો. ઝરમર વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જોકે ત્યાર બાદ વરસાદે ઉઘાડ લીધો હતો. પરંતુ બપોરે ફરી વાતાવરણ બદલાયું હતું અને થોડા સમય સુધી ફરી ઝરમર વરસાદ વરસવાનું શરૂ થયું હતું. વરસાદને લઈ વાતાવરણમાં ભલે ઠંડક થઈ હોય પરંતુ ખેડૂતોમાં ભારે ચિંતા નું વાતાવરણ ફેલાયું હતું.વિશેષ કરી આબાની વાડીઓ ધરાવતા ખેડૂતોમાં વૃક્ષો ઉપર બાકી કેરી હોઈ વહેલી તકે પાડી લેવાની કામગીરી હાથ ધરી હતી.

પારડી પંથકમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાયા
પારડી શહેર અને તાલુકા પંથકમાં આજે સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ફરી વરસાદની પધરામણી થઈ હતી. 15 થી 20 મિનિટ ધોધમાર વરસાદ પડતા રસ્તા પર પાણી પાણી ફરી વળ્યું હતું. તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં ઉમરસાડી, કોટલાવ, બાલદા, ઉદવાડા વગેરે વિસ્તારમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આ વરસાદથી કેરીના પાકને નુકશાન થવાની ભીતિને લઇ ખેડૂતો માં ચિંતાના વાદળો છવાયા હતા. દાદરા નગર હવેલીમા સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યુ હતુ જેની સાથે રીમઝીમ રીમઝીમ વરસાદ પણ પડયો હતો.આ રિમઝિમયા વરસાદ અને વાદળના કારણે આખો દિવસ ઉકળાટ વાળુ વાતાવરણનો અહેસાસ થયો હતો સાંજે થોડી ઠંડકની અસર જોવા મળી હતી.

Most Popular

To Top