લખનૌ: ઉત્તર પ્રદેશના (UP) ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ (Rain) પડી રહ્યો છે. દરમિયાન હવામાન વિભાગે (Meteorological Department) 10 જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરતા રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે 4 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. રાહત કમિશનરની ઓફિસના એક વરિષ્ઠ અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું કે બહરાઇચ અને બારાબંકીના કેટલાક વિસ્તારોમાં 250 મીમી વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સોમવારે વરસાદના કારણે 19 લોકોના મોત થયા હતા. વરસાદને કારણે વહીવટીતંત્રે કેટલાક જિલ્લાઓમાં 1 થી 2 દિવસ માટે શાળાઓ બંધ કરી દીધી હતી. જણાવી દઈએ કે યુપીમાં છેલ્લા 24 કલાકમાં સામાન્ય કરતાં 398% વધુ વરસાદ થયો છે.
હવામાન કચેરીએ છ જિલ્લાઓ – લખીમપુર ખેરી, બહરાઈચ, શ્રાવસ્તી, સીતાપુર, બારાબંકી અને ગોંડા માટે ભારે વરસાદનું ‘રેડ એલર્ટ’ જાહેર કર્યું છે. તો બીજી તરફ ચાર જિલ્લા – હરદોઈ, લખનૌ, સિદ્ધાર્થનગર અને બસ્તી માટે ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કર્યું છે. ગોંડામાં સવારથી વાતાવરણ સ્વચ્છ રહ્યા બાદ મંગળવારે બપોરે 3.30 વાગ્યાથી વરસાદ શરૂ થયો હતો. રાત્રિ દરમિયાન પડેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જિલ્લા હોસ્પિટલ પરિસરમાં પણ પાણી ભરાયા છે. ગોંડા જિલ્લા પ્રશાસને મંગળવારે સવારે તમામ શાળાઓ અને કોલેજોને બંધ રાખવાનો આદેશ જારી કર્યો હતો.
તમામ જિલ્લાઓમાં ભારે વરસાદને પહોંચી વળવા માટે આપત્તિ વ્યવસ્થાપન માટે તંત્ર સજ્જ છે. અધિકારીએ કહ્યું કે કોઈપણ આપત્તિની સ્થિતિનો સામનો કરવા માટે NDRF અને SDRFને જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવ્યા છે. તેમણે માહિતી આપી હતી કે ફૂડ પેકેટ અને અનાજના વિતરણની સાથે જિલ્લાઓમાં તાડપત્રી અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને મેડિકલ વિભાગ તેમજ પશુપાલન વિભાગની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. અધિકારીએ કહ્યું કે રાહત કમિશનરની કચેરી ખાતેનું સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર 24 કલાક કાર્યરત છે અને સામાન્ય લોકો માટે ટોલ ફ્રી નંબર પણ છે. અધિકારીએ જણાવ્યું કે રાહત કામગીરી માટે જિલ્લાઓને પહેલાથી જ ભંડોળ ફાળવવામાં આવ્યું છે.
આ તરફ દેશના અન્ય રાજ્યોમાં પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. મધ્યપ્રદેશમાં આગામી 2 થી 3 દિવસ સુધી હળવા ઝરમર ઝરમર વરસાદ પડશે જ્યારે 15 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઝારખંડ, નાગાલેન્ડ, ત્રિપુરા, મણિપુર, મિઝોરમમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. જ્યારે પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, બિહારમાં હળવો વરસાદ પડશે.