સુરત: (Surat) સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હવે વરસાદ (Rain) ધીમે ધીમે વિદાય તરફ છે. આજે જિલ્લાના મહુવામાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ સિવાય શહેરમાં સામાન્ય વરસાદી ઝાપટાં નોંધાયાં હતા. તો બીજી તરફ ઉપરવાસમાં પણ સામાન્ય વરસાદને પગલે ઉકાઈ ડેમમાં (Ukai Dam) 36 હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઇ હતી. જ્યારે ડેમની સપાટી 341.58 ફુટ નોંધાઈ છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ વરસાદ હવે ધીમે ધીમે વિદાય તરફ છે. હાલ બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઇ છે. પરંતુ આ સિસ્ટમ ગુજરાતમાં વરસાદ આપે તેવી કોઈ સંભાવનાઓ હાલ નથી. આ સિસ્ટમને કારણે અરબ સાગર પરથી વાદળો ખેંચાતા દક્ષિણ ગુજરાતમાં સામાન્ય છૂટાછવાયા વરસાદની અસર યથાવત રહેશે. આજે પણ શહેરમાં સવારથી કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. જ્યારે બપોર બાદ સામાન્ય વરસાદી ઝાપટાં નોંધાયાં હતા. જિલ્લાના મહુવા તાલુકામાં ૩૧ મિમી વરસાદ નોંધાયો હતો. તો બારડોલીમાં આઠ અને માંગરોળમાં પાંચ મીમી વરસાદ નોંધાયો છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાં પણ કુલ ૧૩૭ મીમી વરસાદ નોંધાતા ડેમમાં સવારે ૩૬ હજાર ક્યુસેક પાણીની આવક થઇ હતી. જે સાંજે ઘટીને ૧૮ હજાર ક્યુસેક નોંધાઈ હતી. ઉકાઈ ડેમની સપાટી ૩૪૧.૫૮ ફૂટે પહોંચી છે.
વલસાડમાં મેઘાએ ધમધમાટ બોલાવ્યો
વાપી : વલસાડ જિલ્લામાં સતત વરસાદી માહોલ વચ્ચે છેલ્લા અઠવાડિયાથી મેઘાની ઘબરાટી ચાલી રહી છે. જિલ્લામાં વરસી રહેલા વરસાદથી તમામ નદીઓ બંને કાંઠે વહી રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદથી જિલ્લામાં પણ વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી માહોલ છવાઈ ગયો છે. ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોએ હાલાકીમાં મુકાવાનો વારો આવ્યો હતો. વલસાડ જિલ્લામાં ગઈકાલે સાંજે 6 થી આજે સાંજે 6 દરમિયાન છેલ્લા ચોવીસ કલાકમાં વરસી રહેલા વરસાદમાં કપરાડા સૌથી વધુ વરસાદ 8 ઈંચ નોંધાયો હતો. જ્યારે ધરમપુર 5 અને પારડીમાં 3 ઈંચ વરસાદ વરસ્યો હતો.
- જિલ્લાનો 24 કલાકનો વરસાદ
- કપરાડા 214 મીમી
- ધરમપુર 130 મીમી
- પારડી 77 મીમી
- ઉમરગામ 55 મીમી
- વાપી 45 મીમી
- વલસાડ 24 મીમી
કપરાડા તાલુકામાં ધોધમાર વરસાદથી અનેક કોઝવે ડૂબી ગયા
વલસાડ : કપરાડા તાલુકામાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા વરસાદે જન જીવનને અસ્ત વ્યસ્ત કર્યું છે. તમામ નદી નાળા કોઝવે પાણીમાં ડૂબ્યા છે. નાના કોઝવે ડૂબેલા રહેતા કેટલાક ગામોનો સંપર્ક પણ કપાયો છે. તાલુકાના ખડકવાળ ગામે મુખ્ય રસ્તાથી ત્રણ ફળિયાને જોડતો કોલક નદી પર આવેલો કોઝવે પાણીમાં ગરકાવ થતાં ત્રણ ફળિયા ચીકારીફળિયુ, ધમનીપાડા, ભાવરહેદીના 200 ઘરો અને 600થી વધુ વસ્તી ધરાવતા લોકો સંપર્ક વિહોણા બનતી તત્ર દોડતું થયું છે.