ગાંધીનગર: (Gandhinagar) ગાંધીનગરમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતે યોજાયેલી વેધર વોચ ગ્રુપની બેઠકમાંથી મળતી માહિતી મુજબ હવામાન વિભાગ દ્વારા તા.૨૮ થી તા.૩૦મી જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતના (South Gujarat) નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. રાહત કમિશનર આલોકકુમાર પાંડેના અધ્યક્ષસ્થાને આજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
- ત્રણ દિવસ નવસારી – વલસાડમાં ભારે વરસાદની ચેતવણી
- ગાંધીનગરમાં યોજાઈ વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ
- પ્રતિ કલાકના 40થી 45 કિમીની ઝડપે પવન ફૂંકાવવાની સંભાવના છે, જે વધીને પ્રતિ કલાકના 55 કિમી સુધી વધી શકે છે
- દક્ષિણ ગુજરાતમાં માછીમારોએ તા.૧લી જુલાઇ સુધી દરિયો ખેડવા જવુ નહીં તેવી ચેતવણી અપાઈ
- એનડીઆરએફ તથા એસડીઆરએફને એલર્ટ કરાઇ
હવામાન વિભાગ દ્વારા રાજયમાં આગામી તા.૧લી જુલાઇ સુધીમાં રાજયમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી ઈશ્યુ કરાઈ છે. જેમાં સુરત, ડાંગ, નવસારી, તાપી, દાદરા નગર હવેલી અને દમણનો સમાવેશ થાય છે. તા.૨૮થી ૩૦મી જૂન દરમ્યાન દક્ષિણ ગુજરાતના આ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી ઈશ્યુ કરાઈ છે. ખાસ કરીને તેના માટે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કરી દીધુ છે.
આ ઉપરાંત આજે તા.૨૭થી ૧લી જુલાઈ સુધી માછીમારો માટે પણ ચેતવણી ઈશ્યુ કરાઈ છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સાગરકાંઠે દરિયામાં કરંટ જોવા મળશે. આ ઉપરાંત પ્રતિ કલાકના ૪૦થી ૪૫ કિમીની ઝડપે પવન ફૂંકાવવાની સંભાવના છે. જે વધીને પ્રતિ કલાકના ૫૫ કિમી સુધી વધી શકે છે. સૌરાષ્ટ્ર – કચ્છના સાગરકાંઠે પણ પ્રતિ કલાકના ૪૦-૪૫થી વધીને ૫૫ કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જેના પગલે દક્ષિણ ગુજરાતમાં માછીમારોએ તા.૧લી જુલાઇ સુધી દરિયો ખેડવા જવુ નહીં તેવી ચેતવણી અપાઈ છે.
એન.ડી.આર.એફ તથા એસ.ડી.આર.એફ.ના સિનિયર અધિકારીઓએ જણાવ્યું હતું કે, ભારે વરસાદની ચેતવણીના પગલે ચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા ડીપ્લોયમેન્ટ પ્લાન તૈયાર કરી લેવામાં આવ્યો છે અને તમામ ટીમોને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.
નવસારી જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર શરૂઆત કરતા નવસારી અને જલાલપોરમાં 3-3 ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે ખેરગામમાં અઢી ઇંચ, ચીખલી તેમજ ગણદેવીમાં 2-2 ઇંચ વરસાદ નોંધાયો હતો. પહેલા વરસાદમાં જ વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા જિલ્લા તંત્ર અને નગરપાલિકાએ કરેલી પ્રિ મોનસૂન કામગીરીની પોલ ઉઘાડી પડી છે.
હવામાન વિભાગની આગાહીને પગલે નવસારી જિલ્લામાં વરસાદ શરૂ થયો છે. જોકે હજી તો વરસાદે શરૂઆત કરી છે. ત્યારે શરૂઆતમાં વરસાદે આક્રમક બેટિંગ કરી છે. જેના કારણે નવસારી અને વિજલપોર શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. ખાસ કરીને વિજલપોર શહેરમાં મારુતિ નગર, અલકાપુરી, શિવાજી ચોક, વિઠ્ઠલ મંદિર, ઉદ્યોગ નગર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. જોકે ત્યારબાદ વરસાદનું જોર ઘટી જતાં પાણી ઓસરી ગયા હતા.