નવી દિલ્હી: ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશથી લઈને પંજાબ (Punjab) સુધી વરસાદનો (Rain) કહેર જોવા મળી રહ્યો છે. હિમાચલ પ્રદેશના (Himachal Pradesh) કુલ્લુમાં બિયાસ નદીમાં (River) વહેણને કારણે ચંદીગઢ-મનાલી નેશનલ હાઈવે 3 નો એક ભાગ ધોવાઈ ગયો છે. આ દરમિયાન કાર, દુકાનો અને એટીએમ બૂથ વહેતા જોવા મળ્યા હતા. ભારે વરસાદને કારણે મનાલી અને કુલ્લુ વચ્ચે ઘણી જગ્યાએ ભૂસ્ખલનના મામલા પણ નોંધાયા છે. જેના કારણે કુલ્લુ-મનાલી અને મનાલીથી અટલ ટનલ અને રોહતાંગ તરફ વાહનોની અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. હાલમાં હિમાચલ પ્રદેશમાં પણ છેલ્લા 24 કલાકમાં 5 લોકોના મોત થયા છે. સ્થિતિને જોતા પ્રશાસને રાજ્યમાં એલર્ટ જાહેર કર્યું છે.
હિમાચલ પ્રદેશમાં કાલકા-શિમલા રેલ્વે માર્ગ પર ભારે વરસાદને કારણે કોટી અને સાંવરા રેલ્વે સ્ટેશન વચ્ચે ટનલ નંબર 10 પર રેલ્વે ટ્રેક બંધ કરી દેવામાં આવ્યો હતો. આ કારણે કાલકાથી શિમલા જતી હેરિટેજ ટ્રેનનું સંચાલન આજે બંધ રહેશે. કુલ્લુ બસ સ્ટેન્ડ ભારે વરસાદમાં ડૂબી ગયેલું જોવા મળ્યું હતું. પંજાબમાં પણ વરસાદે કોઈ ઓછી તબાહી સર્જી નથી. વરસાદને કારણે ચંદીગઢની એક સોસાયટીમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે વહીવટીતંત્રને સોસાયટીની અંદર બોટ ચલાવવી પડી હતી.
પંજાબ રાજ્યના મોહાલી જિલ્લામાં આવેલું શહેર ડેરા બસ્સીની એક હાઉસિંગ કોલોનીમાં લોકોની કમર સુધી પાણી ભરાઈ ગયું હતું. જે વીડિયો સામે આવ્યો છે તેમાં લોકોની આખી બાઇક ડૂબેલી જોવા મળી રહી છે અને કારની ટોચ સુધી પાણી જોવા મળી રહ્યું છે. લોકો કમર ઉંચા પાણી વચ્ચે ઉભા જોવા મળે છે. જનજીવન પણ ઠપ્પ થઈ ગયેલું જોવા મળી રહ્યું છે.
ચંદીગઢના સેક્ટર 9 સ્થિત મટકા ચોક, પંજાબ યુનિવર્સિટી, સીટીયુ વર્કશોપ અને મણિમાજરા જેવા વિસ્તારોમાં વરસાદને કારણે રસ્તાઓ પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. વરસાદના કારણે ચંદીગઢના ઘણા ઘરો અને દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે. આવી સ્થિતિમાં લોકો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે.