નવી દિલ્હી: પહાડોથી (Mountains) લઈને મેદાની શહેરોમાં ભારેથી અતિ ભારે વરસાદ (Rain) વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી 22 થી વધુ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ સહિત સમગ્ર ઉત્તર પશ્ચિમ ભારતથી લઈને ઉત્તરપૂર્વ અને દક્ષિણ ભારતના રાજ્યોનો સમાવેશ થાય છે.
આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે બુધવારે મધ્ય મહારાષ્ટ્ર, પૂર્વ ગુજરાત, કોંકણ, ગોવા, તેલંગાણા, રોયલ સીમા અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ અને વાવાઝોડા માટે રેડ એલર્ટ જારી કર્યું છે. આ ઉપરાંત ગંગા, યમુના, ઘગ્ગર, હિંડોન સહિતની તમામ મોટી નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે જેનાં કારણે પૂરની સંભાવના વર્તાઈ છે. બીજી તરફ ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્હી અને ચંદીગઢમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.
દિલ્હીમાં ફરી એકવાર પૂરનો ખતરો મંડરાઈ રહ્યો છે
ભારે વરસાદના કારણે યમુનાનું જળસ્તર વઘતા પૂર આવ્યું હતું જો કે વરસાદથી રાહત મળતા પાણી ઉતરી પણ ગયા હતા ત્યારે હવે ફરી જ્યારે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે ત્યારે ફરી એકવાર દિલ્હીમાં ફરી એકવાર પૂરનો ખતરો મંડરાઈ રહ્યો છે. નોઈડા અને ગાઝિયાબાદમાં હિંડોન નદીનું જળસ્તર વધે તે પહેલા જ નીચાણવાળા વિસ્તારમાં પૂરના પાણી ફેલાઈ ગયા છે. આવી સ્થિતિમાં મુશળધાર વરસાદ મુશ્કેલીનું કારણ બની શકે છે. આ ઉપરાંત નોઈડા ભારે વરસાદની આગાહીના કારણે શાળાઓ બંધ રાખવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે.
મહારાષ્ટ્રના રાજગઢમાં રેડ એલર્ટ જારી
ભારે વરસાદની આગાહીનાંં કારણે મહારાષ્ટ્રના રાજગઢમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જેનાં કારણે 26 જુલાઈનાં રોજ શાળા અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત કોસ્ટલ કર્ણાટકમાં પણ ભારે વરસાદની આગાહીના કારણે શાળા કોલેજમાં રજા આપવામાં આવી છે.
રામપુરમાં વાદળ ફાટ્યું
રામપુર સબ-ડિવિઝનના સરપારા પંચાયતના કંદહાર ગામમાં મોડી રાત્રે બે વાદળ ફાટવાના કારણે સફરજનના બગીચા અને મકાનોને નુકસાન થયું હતું. રાત્રે 11 તેમજ મોડી રાત્રે 4 વાગ્યાની આસપાસના સમયે ત્યાં વાદળ ફાટ્યું હતું. વાદળ ફાટવાના કારણે ત્યાં પૂર આવ્યું હતું જેનાં કારણે પ્રાથમિક શાળાનું બિલ્ડીંગ, યુથ ક્લબનું બિલ્ડીંગ અને અન્ય લોકોના મકાનો ધોવાઈ ગયા હતા. હવામાન વિભાગે શિમલામાં બુધવાર અને ગુરુવાર માટે ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે શુક્રવારે યલો એલર્ટ જારી કર્યું છે.