SURAT

પાકિસ્તાન અને રાજસ્થાનની બોર્ડર પર એક સર્ક્યુલેશન સિસ્ટમ ડેવપલ: સુરત, દક્ષિણ ગુજરાતમાં ચોમાસું જામ્યું

સુરત: શહેરમાં મોનસૂન (Monsoon) ઓનસેટ (Onset) થયા બાદ ગઈકાલથી વરસાદી માહોલ જામ્યો છે. સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે જિલ્લામાં સર્વત્ર વરસાદ (Rain) વરસ્યો હતો. વરસાદી માહોલ જામતા પ્રકૃતિ ખીલી ઉઠી હતી અને શહેરમાં ઠંડક પ્રસરી હતી. આગામી બે દિવસમાં દક્ષિણ ગુજરાતમાં (Gujarat) સારો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

  • શહેરમાં 18 મીમી, ચોર્યાસી અને મહુવામાં 12 મીમી વરસાદ, માત્ર માંડવી તાલુકો કોરોકટ રહ્યો
  • ઉપરવાસમાં ટેસ્કા, ચીકલધરા, ડેડતલાઈમાં બે ઇંચ અને ગોપાલખેડામાં દોઢ ઇંચ વરસાદ
  • પાકિસ્તાન અને રાજસ્થાનની બોર્ડર પર સિસ્ટમ ડેવપલ થતા
  • દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ સામાન્યથી વધારે વરસાદની આગાહી, જિલ્લામાં સર્વત્ર વરસાદ

હવામાન વિભાગના જણાવ્યા મુજબ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ચોમાસું જામી ગયું છે. જોકે બંગાળની ખાડી કે અરબ સાગરમાં હાલ કોઈ પ્રબળ સિસ્ટમ નથી. પરંતુ પાકિસ્તાન અને રાજસ્થાનની બોર્ડર ઉપરના વિસ્તારમાં એક સર્ક્યુલેશન સિસ્ટમ ડેવલપ થઈ છે. જેને કારણે આગામી 22 અને 23 જુને સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી વધારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેની અસરને પગલે જિલ્લામાં વિતેલા 24 કલાકમાં સર્વત્ર વરસાદ નોંધાયો છે. ઉમરપાડામાં 2 મીમી, ઓલપાડમાં 6 મીમી, કામરેજમાં 9 મીમી, ચોર્યાસીમાં 12 મીમી, પલસાણામાં 3 મીમી, બારડોલીમાં 2 મીમી, મહુવામાં 12 મીમી, માંગરોળમાં 3 મીમી અને સુરત શહેરમાં 18 મીમી વરસાદ નોંધાયો હતો. માત્ર માંડવી તાલુકો કોરોકટ રહેવા પામ્યો હતો.

ઉપરવાસમાં પણ અનેક સ્થળે મેઘ મહેર વરસી
ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલા કેટલાક રેઈનગેઝ સ્ટેશનોમાં વીતેલા ચોવીસ કલાકમાં સારો વરસાદ નોંધાયો હતો. ટેસ્કામાં 2 ઇંચ, લખપુરીમાં 8.60 મીમી, ચીકલધરામાં બે ઇંચ, ગોપાલખેડામાં દોઢ ઇંચ, ડેડતલાઈમાં 2 ઈંચ, યેરલીમાં 1 ઇંચ અને ગીધાડેમાં 4 મીમી વરસાદ નોંધાયો હતો. ઉકાઈ ડેમની સપાટી 315.71 ફુટ નોંધાઈ હતી. ડેમમાંથી 1050 ક્યુસેક પાણી છોડવાનું ચાલું રહ્યું છે.

ઉમરગામ 6, વલસાડ 4.6 અને વાપીમાં 4.1 ઇંચ વરસાદથી ‘પાણી જ પાણી’
વલસાડ : વલસાડમાં રવિવારથી વાતાવરણમાં પલટો આવ્યો અને સતત વરસાદ શરૂ થયો હતો. જોકે, રવિવારે સાંજે વરસાદ ધીમો પડ્યો હતો. બાદમાં સોમવારે મળસ્કેથી જિલ્લામાં વરસાદ ફરી શરૂ થયો હતો. છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં સરેરાશ 3.4 ઇંચ વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ ઉમરગામમાં 6 ઇંચ, વલસાડમાં 4.6 અને વાપીમાં 4.1 ઇંચ વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. જિલ્લામાં મહત્તમ તાલુકામાં આ આંકમાં સૌથી વધુ વરસાદ સોમવારે જ નોંધાયો હતો. જેમાં 2 કલાકમાં સૌથી વધુ નોંધાયેલા વરસાદમાં વાપીમાં 10 થી 12 દરમિયાન 46 મિમિ, વલસાડમાં 12 થી 2 દરમિયાન 44 મિમિ, પારડીમાં 12 થી 2 દરમિયાન 45 મિમિ અને ઉમરગામમાં 2 થી 4 દરમિયાનના બે કલાકમાં 49 મિમિ વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં વરસાદના પગલે મહત્તમ રેલવે અન્ડર પાસમાં પાણી ભરાઈ ગયા હતા. તેમજ જાહેર રસ્તા પરની અનેક ગટરો પણ ઉભરાઇ ગઇ હતી. આ સિવાય હાઇવે પર પણ પ્રિમોન્સૂન કામગીરીના અભાવે પાણીનો ભરાવો જોવા મળ્યો હતો.

Most Popular

To Top