બીલીમોરા,ઘેજ: (Bilimora) બીલીમોરામાં વરસાદ (Rain) ખેંચાતા જગતનો તાત ચિંતાતુર બન્યો છે. છેલ્લાં દોઢ સપ્તાહથી વરસાદ હાથતાળી આપી રહ્યો છે. ત્યારે મેહુલિયો માંગી વરસાદને વિનવવાની પ્રાચીન પરંપરાના લોકગીતો (Lokgeet) ગુંજતા થયાં છે. વરસાદ ખેંચાતા લોકોની પણ ચિંતા વધી છે ત્યારે મેહુલીયો બનાવી ઘરે ઘરે જઇ ગીતો ગાતા લોકો પણ આવકાર આપી પાણી (Water) ચઢાવી મેઘરાજાને રીઝવવા (Persuade) પ્રયાસ કરી રહ્યાં છે.
દક્ષિણ ગુજરાતમાં પ્રાચીનકાળથી વરસાદને વેળાસર વરસવા મહિલાઓ ઘરે ઘરે ફરી વિનવે છે. જેમાં માટીનાં મેહુલિયાને વનસ્પતિઓ, ચોખા, કંકુ, ફૂલ સાથે પાટલે મૂકી માથા ઉપર બેસાડી ફેરવે છે. ગૃહિણીઓ તેનું માન ભેર સ્વાગત કરે છે. ત્યારે માથે મેહુલિયો મૂકનારી મહિલા લોકગીત થકી સૌની લાગણી વહેતી કરી વરસાદને વિનવે છે કે ‘તું તો વરસીને ભર રે તળાવ મેહુલિયા, તારી કિડી-મંકોડી તરસે મરે, તારી ગાયોના ગોવાળ તરસે મરે, તું તો વરસીને’…
આમ લોકગીતમાં વરસાદને વરસવા લાગણી વ્યક્ત કરવામાં આવે છે. તે વેળા બારણે આવેલા મેહુલિયાને ગૃહિણીઓ જળથી વધાવે છે. મેહુલિયા ઉપર પાણી રેડી વરસાદને વરસવા વરુણ દેવને પ્રાર્થના કરે છે અને ધન ધાન્યનું દાન દક્ષિણા આપે છે. આ દ્રશ્યો જીવંત બન્યા હતા અને લોકોને વરસાદ વરસવાની આશા બંધાઈ હતી. ચીખલી પંથકમાં મેઘરાજાને રીઝવવા વર્ષોની પરંપરા મુજબ માટીનો મેહુલીયો બનાવી ઘરે ઘરે જઇ ગીતો ગાતા લોકો પણ આવકાર આપી પાણી ચઢાવી મેઘરાજાને રીઝવવા પ્રયાસ કરી રહ્યા છે. વરસાદ ખેંચાતા લોકોની પણ ચિંતા વધી છે.