હાલમાં ટુટક ટુકટ વરસાદ તથા ગાજવીજ વરસાદ અને રાત્રીના સમયમાં વિજળી થાય ત્યારે ભજીયા ખાવાની મજા જે અસલ સુરતી હોય તેનાથી રહેવાય નહીં. વરસાદ પડતો હોય, વિજળી થતી હોય તાવીમાં ગરમ તેલમાં રતાળુની પુરી બટકાની પુરી નહાતી જાય ને ગરમ ગરમ ખવાતા હોય અને વરસાદ ઓછો થતો જાય તેમ ડીસમાંથી ભજીયા પણ ઓછા થતા જાય છે. આવો માહોલ અસલ સુરતીના ઘરમાં જોવા મળે છે. ભજીયાની વાત પરથી સુરતના જુના જમાનાની દુકાનોના નામ આવી જાય છે.
જેવા કે રતાળુની પુરી તો સ્ટેશન વિસ્તારની પ્રખ્યાત હતી. સમોસા તો સલાબતપુરાના પ્રખ્યાત, પેટીશ તો નવસારી બજારની પ્રખ્યાત. હાલમાં પેટીશ ભાગાતળાવ કાળી બેંકની પાસેની પ્રખ્યાત છે. બટકાની પુરી લાલ દરવાની પ્રખ્યાત. મુળ સુરતીઓ ખાવા પીવાના શોખીન હતા ભલે લાઇનમાં ઉભા રહેવું પડે પણ વસ્તુ તો જે પ્રખ્યાત હોય તે જ ખાય. વરસાદને ભાવે ભજીયા. આવરે વરસાદ ખાઇ છે ભજીયા લાગી તને ભુખ તો લે આ ગરમ ગરમ ભજીયા. વરસાદના ટીપા ભલે નાના હોય પરંતુ સતત વરસાદથી એ નદીનો પ્રવાહ બની જાય છે.
સુરત – મહેશ આઇ. ડોકટર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ગણેશોત્સવ, પ્રજાને હાલાકી નહી પડવી જોઈએ
શનિવાર ને તા.૭ સપ્ટેમ્બર, ગણેશ ચતુર્થીના દિવસથી ગણેશોત્સવનો પ્રારંભ થઇ ગયો હશે. આ તહેવારની ઉજવણી સામે કોઈને કોઈ વાંધો ન હોય પણ જો તહેવારની ઉજવણી સમયે તેની ગરિમા ન જળવાય તો ચોક્કસ વાંધાજનક કહી શકાય. જેમ કે ગણેશજીની મૂર્તિની ઉંચાઈ બે કે વધારેમાં વધારે ત્રણ ફૂટ હોવી જોઈએ. મહત્વ પૂજાનું હોવુ જોઈએ નહી કે મૂર્તિની ઊંચાઈનું. તે જ રીતે પ્રજાને હાલાકી ભોગવવી પડે તે રીતે રસ્તાનું રોકાણ કરીને મંડપો બાંધવા જોઈએ નહી, અરે, અમુક જગ્યાએ તો આખાને આખા રસ્તાને મંડપ બાંધીને બંધ કરી દેવામાં આવે છે.
આવા મંડપો બાંધવા માટે કાયદાકીય અંકુશ હોવા જરૂરી છે પણ ધર્મના નામે તેવા કાયદાઓ બનતા નથી અને બને તો તેનું પાલન કરવામાં આંખ આડા કાન કરવામાં આવે છે જે બિલકુલ અયોગ્ય છે. હવે તો પ્રજાને ગણેશોત્સવ દરમિયાન હાલાકી ભોગવવાનું જાણે કોઠે પડી ગયું હોય તેવો માહોલ દર વર્ષે ઊભો થાય છે અને જે તંત્રોએ પ્રજાને હાલાકી નહી પડે તે જોવાનું હોય છે તે તંત્રો કુંભકર્ણની જેમ નિદ્રામાં પોઢી જાય છે અને પ્રજાને તેની હાલત પર છોડી દે છે જે સૌથી મોટી કમનસીબી ગણાવી જોઈએ. એવું લાગી રહ્યું છે કે પરિસ્થિતિમાં કયારેય ફરક પડવાનો નથી છતા આશા અમર છે તે કહેવતને ધ્યાનમાં રાખીને એવું ઇચ્છીએ કે ક્યારેક તો પરિસ્થિતિમાં પ્રજાને હાલાકી ભોગવવી નહી પડે તેવું થશે.
સુરત – સુરેન્દ્ર દલાલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.