પટના: કેરળમાં (Kerala) રવિવારના (Sundaay) રોજ ચોમાસાનું (Monsoon) આગમન થઈ ગયું છે. સામાન્ય રીતે કેરળમાં 1લી જૂન સુધીમાં ચોમાસું દસ્તક આપે છે, પરંતુ આ વર્ષે 3 દિવસ પહેલા જ મેધરાજાએ પધરામણી કરી છે. આ સાથે જ ઘણા રાજ્યો માટે એલર્ટ (Alert) જારી કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ, પૂર્વ મધ્યપ્રદેશ અને તેલંગાણા અને આંધ્રપ્રદેશનાં કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે. જ્યારે, પૂર્વ રાજસ્થાન, દિલ્હી અને હરિયાણાના કેટલાક ભાગોમાં ધૂળની ડમરીઓ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. જબલપુર, ગ્વાલિયર-ચંબલ, રીવા, સાગર, શહડોલ ડિવિઝનમાં દરરોજ હળવો વરસાદ વરસી રહ્યો છે. 15 જૂન પછી ચોમાસું ઈન્દોર-જબલપુર થઈને મધ્યપ્રદેશ પહોંચે તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે. સમગ્ર રાજ્યમાં 20 જૂન સુધી મેઘરાજાની પઘરામણી થવાની શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે.
બારડોલીમાં વરસાદના વહેલા આગમનથી ઉનાળુ ડાંગરને નુકસાન થતાં ખેડૂતોને ફટકો
બારડોલી: બારડોલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 24 મે-2022 ને મંગળવારના રોજ વહેલી સવારે વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. મેઘરાજાનું દર વર્ષ કરતાં વહેલું આગમન થતાં કહીં ખુશી કહીં ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદનું વહેલું આગમન થતાં કેરી તેમજ ડાંગરના પાકને મોટું નુકસાન થવાની સંભાવના છે. તો શેરડી અને શાકભાજી પકવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.
બારડોલીના ગ્રામ્ય વિસ્તારમાં મોટા ભાગના ખેડૂતો શેરડી, ડાંગર અને કેરીનો પાક પકવતા આવ્યા છે. ત્યારે આ વર્ષે મેઘરાજાની વહેલી એન્ટ્રી થતાં ખેડૂતોમાં કહીં ખુશી કહીં ગમ જેવો માહોલ જોવા મળ્યો છે. કેટલાક ખેડૂતોનો કેરીનો પાક આંબા ઉપર જ છે અને કેરીના ભાવ વરસાદને કારણે ગગડી જતાં ખેડૂતોએ નુકસાન વેઠવાના દિવસ આવ્યા છે. બીજી તરફ ખેડૂતો ઉનાળુ ડાંગરની કાપણીમાં પણ જોતરાયા હોય, કેટલાક ખેડૂતોનો ડાંગરનો પાક પલળી જતાં નુકસાન થયું છે. તો કેટલાક ડાંગરના પૂડા (પૂરેટિયા) ખેતરમાં જ પલળી જતાં ખેડૂતોએ આવક ગુમાવવાનો વખત આવ્યો છે. બીજી બાજુ કંદ, શેરડી, સુરણ જેવા પાકોને રાહત થઈ છે. જ્યારે વરસાદના વહેલા આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરતાં લોકોએ ગરમીથી છૂટકારો મેળવ્યો હતો. તો બીજી તરફ ચોમાસું ડાંગરના પાક માટે ખેડૂતો જમીન તૈયાર કરી શક્યા નથી. આ વર્ષે દર વર્ષની સિઝન કરતાં વરસાદ થોડો વહેલો વરસતાં ખેડૂતોની ગણતરી ઊંધી પડતાં ખેડૂતો ચોમાસાના પાકની પૂરતી તૈયારી કરી શક્યા નથી. કેટલાક ખેડૂતોએ કેરી, ડાંગરના પાકમાં નુકસાન વેઠવાના દિવસો આવ્યા છે.