સુરતઃ હવામાન વિભાગે આગામી 7 જુલાઈ સુધી વરસાદની આગાહી કરી છે. આ સપ્તાહમાં અલગ-અલગ દિવસે જુદા-જુદા વિસ્તારોમાં વરસાદ પડશે. આજે પણ રાત્રે જિલ્લામાં વરસાદ નોંધાયો હતો. દિવસ દરમિયાન છુટોછવાયો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ઉકાઈ તરફથી પણ મહત્ત્વના સમાચાર આવ્યા છે.
- દક્ષિણ ગુજરાતમાં 7 જુલાઈ સુધી વરસાદની આગાહી
- સુરત શહેરમાં વાતાવરણમાં હળવો ફેરફાર: ઉષ્ણતામાં વધારો અને ભેજમાં ઘટાડો નોંધાયો
- છેલ્લા બે દિવસમાં પવનની ઝડપ ઘટી, હવામાન દબાણ સ્થિર
હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ખાડીના ઉત્તરીપશ્ચિમ ભાગમાં અને તેની લગતી પશ્ચિમ બંગાળ તથા બાંગ્લાદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં લો પ્રેશર એરિયા યથાવત્ છે. તેના અનુસંગિક ઉપરના ચક્રવાતી પ્રભાવની ઊંચાઈ દરિયાની સપાટીથી ૭.૬ કિમી સુધી છે, જે ઊંચાઈ સાથે દક્ષિણપશ્ચિમ તરફ ઝૂકી રહી છે. તે આવનાર બે દિવસમાં ધીમી ગતિએ ઉત્તર ઓરિસ્સા, ગેંગેટિક પશ્ચિમ બંગાળ અને ઝારખંડ તરફ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં ખસી શકે છે.
એક યુએસી સાઉથ રાજસ્થાન અને નજીકના નોર્થ ગુજરાત વિસ્તારમાં ૩.૧ થી ૭.૬ કિમીની ઊંચાઈએ યથાવત્ છે. આ તમામ આબોહવાકીય પરિસ્થિતિઓને જોતા આગામી અઠવાડિયા સુધી દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. જિલ્લામાં વિતેલા ચોવીસ કલાકમાં વરસાદનું જોર પણ ઘટતુ જોવા મળ્યું છે. જેમાં ઓલપાડમાં ૧૪ મીમી, માંગરોળમાં ૪ મીમી, ઉમરપાડા ૪૪ મીમી, માંડવી ૮ મીમી, કામરેજ ૨૦ મીમી, સુરત ૧૦ મીમી, ચોર્યાસી ૬ મીમી, પલસાણા ૧૩ મીમી, બારડોલી ૧૭ મીમી, મહુવા ૩ મીમી વરસાદ નોંધાયો છે.
વરસાદ ધીમો પડતા જ તાપમાનમાં વધારો
29 જૂન 2025 ના રોજ મહત્તમ તાપમાન 30.7°C અને લઘુત્તમ તાપમાન 24.8°C નોંધાયું હતું. હવામાનમાં ભેજનું પ્રમાણ 86% સુધી પહોંચ્યું હતું, જેનું દબાણ 1000.6 હેક્ટોપાસ્કલ નોંધાયું હતું. જ્યારે આજરોજ મહત્તમ તાપમાનમાં વધારો થઈ 31.8°C સુધી પહોંચ્યું અને લઘુત્તમ તાપમાન પણ વધીને 26.2°C નોંધાયું હતું. ભેજનું પ્રમાણ થોડું ઘટી 78% થયું હતું અને હવામાન દબાણ 1000.0 હેક્ટોપાસ્કલ રહ્યું હતું. પવન પણ દક્ષિણપશ્ચિમ દિશામાંથી ફૂંકાયો પરંતુ તેની ઝડપ ઘટીને 8 કિ.મી. પ્રતિ કલાક રહી હતી. આવાં હવામાન ચિત્રને જોતા એવું અનુમાન છે કે આગામી દિવસોમાં વરસાદની તીવ્રતા ઓછી રહી શકે છે.
ઉકાઈ ડેમની જળસપાટીમાં 13 દિવસમાં 4 ફૂટનો વધારો
સુરતઃ ઉકાઈ ડેમમાં આ વર્ષે પાણીની આવક અઠવાડિયું વહેલી શરૂ થઈ હતી. 13 જ દિવસમાં ડેમની સપાટી 4 ફુટ વધી છે. તેમાંયે બે ફૂટનો વધારો તો છેલ્લા પાંચ દિવસમાં થયો છે.
ઉપરવાસમાં વરસાદી પરિસ્થિતિ અને નદીઓમાં વધતી આવકને પગલે ઉકાઈ ડેમની જળસપાટી સતત વધી રહી છે. હાલ ડેમની સપાટી 318.56 ફૂટ નોંધાઈ છે. છેલ્લા 13 દિવસમાં ડેમના પાણીમાં લગભગ 4 ફૂટનો વધારો થયો છે. સોમવારે સવારે ડેમમાં 44,000 ક્યુસેક પાણીની આવક થઈ હતી, જે બપોરે ઘટીને 22,577 ક્યુસેક રહી છે.
બીજી તરફ, પ્રકાશા ડેમમાંથી 10,000 ક્યુસેક અને હથનુર ડેમમાંથી 2,048 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હવે આજે મંગળવારે તા. 1 જુલાઈથી ઉકાઈ ડેમ માટે રૂલ લેવલ 322 ફૂટ નક્કી કરાયું છે. આ પગલાં વાળવા પાછળ મુખ્ય ઉદ્દેશ આગામી વરસાદી દિવસોમાં વધારે જળસંગ્રહ માટે જગ્યા ઉપલબ્ધ કરાવવાનો છે. અધિકારીઓનું કહેવું છે કે, પરિસ્થિતિ પર નિરંતર નજર રાખવામાં આવી રહી છે અને પાણીની આવક પ્રમાણે સ્થિતિનું મૂલ્યાંકન કરાશે.