ગાંધીનગર : શિયાળાની વિદાય સાથે ઉનાળો નજીક આવી રહ્યો હોય તેવા સમયે ઉત્તર ભારતમાં હવામાને અચાનક યુ-ટર્ન લીધો છે. બંગાળની ખાડીમાં સક્રિય થયેલી નવી હવામાન પ્રણાલી અને પશ્ચિમી વિક્ષેપના અસરથી આગામી દિવસોમાં અનેક રાજ્યોમાં વરસાદ, વાવાઝોડા અને તાપમાનમાં ફેરફાર જોવા મળશે. ભારતીય હવમાન વિભાગે આજે 20 ફેબ્રુઆરી અને ત્યારબાદના દિવસો માટે હિમાચલ પ્રદેશથી લઈને તમિલનાડુ સુધી ચેતવણી જાહેર કરી છે. 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વીજળીવાળા ઝાપટાં સામાન્ય જનજીવનને અસર કરી શકે છે.
ઉત્તર ભારત – વરસાદ અને હળવી ઠંડીની પાછી આવી
હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં આગામી 3-4 દિવસ હવામાન ખરાબ રહી શકે છે. પશ્ચિમી વિક્ષેપ અને દરિયાઈ ભેજને કારણે તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો શક્ય છે, જેના કારણે હળવી ઠંડી ફરી અનુભવાઈ શકે છે.હિમાચલ અને કાશ્મીરના વિસ્તારોમાં શિમલા, મનાલી અને શ્રીનગર જેવા પર્યટન સ્થળોએ વરસાદ અને બરફવર્ષાનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે. પ્રવાસીઓને પર્વતીય લપસણા રસ્તાઓ પર સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.ઉત્તરાખંડમાં 22 થી 24 ફેબ્રુઆરી દરમિયાન દહેરાદૂન અને નૈનિતાલ સહિતના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. યુપી અને બિહારના કેટલાક ભાગોમાં હળવી ઠંડી અને વાદળછાયું વાતાવરણ રહેશે.20 ફેબ્રુઆરીના રોજ બપોર કે સાંજ દરમિયાન રાજધાની અને આસપાસના વિસ્તારોમાં 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ઝાપટાં પડી શકે છે. મહત્તમ તાપમાન અંદાજે 26°C અને લઘુત્તમ 13°C આસપાસ રહેવાની શક્યતા છે. વરસાદથી પ્રદૂષણમાં ઘટાડો થશે, પરંતુ હવાઈ અને માર્ગ પરિવહન પર અસર પડી શકે છે.
48 કલાક પછી તાપમાન ફરી વધશે
ગુજરાત ક્ષેત્રમાં આગામી 48 કલાકમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે, ત્યારબાદ ધીમે ધીમે ઘટાડો થશે. લઘુત્તમ તાપમાનમાં આગામી બે દિવસ મોટા ફેરફારની સંભાવના નથી, પરંતુ પછી 2 થી 3 ડિગ્રીનો ઘટાડો શક્ય છે.આવતીકાલે મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં એકાદ જગ્યાએ હળવા વરસાદ અથવા ગાજવીજ સાથે ઝાપટાં પડી શકે છે, જ્યારે બાકીના વિસ્તારોમાં વાતાવરણ સુકું રહેવાની આગાહી છે.
નલિયામાં 16 ડિગ્રી સુધી ઠંડી, રાજ્યના અનેક શહેરોમાં 33-35 ડિગ્રી સુધી ઉષ્ણતા
રાજ્યમાં તાપમાનમાં વિસંગત સ્થિતિ જોવા મળી રહી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ કચ્છના નલિયામાં વહેલી સવારે ઠંડીનો પારો 16 ડિગ્રી સેલ્સિયસ સુધી ઉતરી ગયો હતો. નલિયામાં રાત્રિ અને વહેલી સવારે ઠંડકનો અહેસાસ રહ્યો, જ્યારે દિવસ દરમિયાન તાપમાન 33 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું.
બીજી તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પ્રભાવ વધ્યો છે. મહત્તમ તાપમાન મુજબ રાજકોટમાં 35 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જ્યારે કેશોદ અને સુરતમાં 34 ડિગ્રી સુધી ઉષ્ણતા રહી હતી.અન્ય શહેરોમાં ભૂજ, નલિયા, કંડલા પોર્ટ, કંડલા એરપોર્ટ, અમરેલી, પોરબંદર, સુરેન્દ્રનગર, મહુવા, ડીસા, ગાંધીનગર અને વડોદરામાં 33 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું. ભાવનગરમાં 32 ડિગ્રી, જ્યારે અમદાવાદ, વલ્લભ વિદ્યાનગર અને દમણમાં 31 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું હતું. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર દિવસ દરમિયાન તાપમાનમાં વધારો અને રાત્રે ઠંડક જેવી પરિસ્થિતિ થોડા દિવસો યથાવત રહી શકે છે. નાગરિકોને બપોરના સમયમાં ગરમીથી બચવા અને સવારે-રાત્રે ઠંડકને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.