Gujarat

વાતાવરણ બદલાશેઃ 3 એપ્રિલ સુધી રાજ્યના આ શહેરોમાં વરસાદની આગાહી

રાજ્યમાં હાલ હવામાનનું બેવડું સ્વરૂપ જોવા મળી રહ્યું છે. રાજ્યના અનેક શહેરોનું તાપમાન 40 ડિગ્રીથી ઊંચે ગયું છે. તો બીજી તરફ કેટલાંક શહેરોના તાપમાનમાં ઘટાડો પણ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાંક ભાગોમાં દિવસે તાપમાન ઓછું જોવા મળ્યું છે. દરમિયાન હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. આગામી દિવસોમાં વાતાવરણમાં પલટો આવશે અને રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગની અનુસાર મહારાષ્ટ્ર ઉપર એક ચક્રવાતી પવનોની પટ્ટી સક્રિય થઈ રહી છે જેના કારણે 31મી માર્ચથી ત્રીજી એપ્રિલ સુધી ગુજરાતના વાતાવરણ પલટો આવશે. 31મી માર્ચે નર્મદા, તાપીમાં કમોસમી વરસાદ સંભાવના છે. પહેલી એપ્રિલે અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી નર્મદા, છોટા ઉદેપુર, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ પડી શકે છે.

બીજી એપ્રિલે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, આણંદ, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. જ્યારે ત્રીજી ઓપ્રિલે નર્મદા, તાપીમાં કમોસમી વરસાદ સંભાવના છે.

અંબાલાલ પટેલે શું આગાહી કરી?
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી છે. અંબાલાલની આગાહી મુજબ રાજ્યમાં તોફાની પવનો ફૂંકાશે. બંગાળની ઉપસાગર અને અરબી સમુદ્રના ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના હવામાનમાં માર્ચના અંતથી અને એપ્રિલની શરુઆત સુધીમાં પલટો આવશે અને દક્ષિણ ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયા વાતાવરણ સાથે છાંટા પડવાની શક્યતાઓ છે.

Most Popular

To Top